નવી દિલ્હી: 22 વર્ષ પહેલા 13 ડિસેમ્બર 2001ના રોજ ભારતીય સંસદને (Parliament of India) આતંકવાદીઓએ (terrorists) નિશાન બનાવી હતી. લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના 5 આતંકવાદીઓએ (terrorists) સંસદ ભવન પર હુમલો (attack) કર્યો હતો. ત્યારે ગઈ કાલે ફરી એક વાર બરાબર 22 વર્ષ બાદ ફરી એકવાર નવા સંસદ ભવનની સુરક્ષામાં મોટી ખામી સર્જાઈ હતી.
ગઇ કાલે લોકસભા ચેમ્બરની પ્રેક્ષક ગેલેરીમાં બેઠેલા બે યુવકો અચાનક સાંસદોના બેઠક વિસ્તારમાં કૂદી પડ્યા હતા. તેમજ તેમણે પોતાના બુટમાંટી ગેસ સ્પ્રે કાઢી છાંટવાનું શરૂ કર્યું હતું. દરમિયાન સભામાં ઉપસ્થિત સાંસદોએ તરત જ બંને યુવકોને પકડી મેથી પાક ચખાડ્યો હતો. તેમજ તેઓને સિક્યુરીટી ગાર્ડને સોંપી દીધા હતાં. હાલ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે IPCની કલમ 452 અને 120-B ઉપરાંત UAPAની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધી કુલ 6 આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા બંને યુવકોની ઓળખ સાગર શર્મા અને મનોરંજન ડી તરીકે થઈ છે. આ ઘટના બની હતી ત્યારે સાંસદ ભવનની બહાર એક સ્ત્રી અને પુરષ પણ ડબ્બાઓમાંથી રંગીન ગેસ છાંટી રહ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેઓને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. બંનેની ઓળખ અમોલ શિંદે અને નીલમ દેવી તરીકે થઈ છે. આ સિવાય ઘટનાના બીજા આરોપીઓ વિકી શર્મા અને તેની પત્ની વૃંદાની પોલીસે ગુરુગ્રામમાંથી ધરપકડ કરી છે. તેમજ પોલીસ લલિત ઝા નામના યુવકને શોધી રહી છે. જે સંસદભવનની અંદર અને બહાર હંગામો મચાવનાર તમામ આરોપીઓના મોબાઈલ ફોન લઈને ફરાર છે.
પ્રાથમિક તપાસમાં પ્રાપ્ત થયેલી વિગતો
- તમામ આરોપીઓ સોશિયલ મીડિયા પેજ ‘ભગત સિંહ ફેન ક્લબ’ સાથે જોડાયેલા હતા. તમામની એકબીજા સાથે મુલાકાત લગભગ દોઢ વર્ષ પહેલા મૈસુરમાં થઈ હતી. 9 મહિના બાદ ફરી એકવાર બધા મળ્યા અને ત્યારે જ સંસદમાં અરાજકતા ફેલાવવાની યોજના બનાવવામાં આવી.
- આ વર્ષે માર્ચમાં બજેટ સત્ર દરમિયાન મનોરંજન ડી બેંગલુરુથી દિલ્હી આવ્યો હતો. તેમજ મુલાકાતી પાસ મેળવી સંસદ ભવનની રેકી કરી હતી.
- ત્યારબાદ સાગર જુલાઈમાં લખનૌથી દિલ્હી આવ્યો હતો. પરંતુ સંસદભવનની અંદર જઈ શક્યો ન હતો. જેના કારણે તેણે બહારથી જ રેકી કરી હતી.
- રેકી દરમિયાન મનોરંજન ડીને ખબર પડી કે બુટની બરાબર તપાસ કરવામાં આવી નથી.
- 10 ડિસેમ્બરના રોજ એક પછી એક દરેક પોતપોતાના રાજ્યોમાંથી દિલ્હી પહોંચ્યા હતો.
- તમામ આરોપી 10 ડિસેમ્બરની રાત્રે ગુરુગ્રામમાં વિકી અને વૃંદાના ઘરે પહોંચ્યા હતા.
- અમોલ શિંદે મહારાષ્ટ્રથી રંગવાળા બોમ લાવ્યો હતો. ત્યાર બાદ સાગર શર્માએ 13મી ડિસેમ્બરે સવારે 9 વાગે મહાદેવ રોડ પરથી સાંસદ પ્રતાપ સિંહાના પીએ પાસેથી પાસ મેળવ્યો હતો.
- તમામ આરોપીઓને ઈન્ડિયા ગેટ પર મળ્યા હતા. અહીં અમોલ શિંદેએ દરેકને રંગ વાળા બોમ વહેંચ્યા હતા.
- સાગર શર્મા અને મનોરંજન ડી 13 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે સંસદભવનમાં પ્રવેશ્યા હતા.
- જ્યારે લલિત ઝા તેમનો વીડિયો બનાવી રહ્યા હતા ત્યારે અમોલ અને નીલમ સંસદ ભવન બહાર હંગામો મચાવી રહ્યા હતા. સૌપ્રથમ સોશિયલ મીડિયા દ્વારા એકબીજા સાથે કનેક્ટ થયા બાદ તમામ સિગ્નલ એપથી પણ જોડાયા. ત્યાર બાદ હોબાળો થતાં જ લલિત બધાના મોબાઈલ લઈને ભાગી ગયો હતો.