સુરત: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણીને (Election) લઈને તમામ રાજકીય પાર્ટીઓ તૈયારીઓ કરી છે. જેમાં ભાજપ (BJP) મિશન 182ને પાર પાડવા સી.આર પાટીલ (C R Patil) મેદાનમાં ઉતર્યા છે. સુરતના (Surat)કડોદરા ખાતે વન વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમ યોજાયો હતો. આ કર્યક્રમમાં સી આર પાટીલે નામ લીધા વગર અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાતીઓને મફતની સદતી નથી, મહાઠગ આવે છે, લોકો સાવધાન રહે.
સુરતમાં વન ડે વન ડિસ્ટ્રિક્ટ કાર્યક્રમમાં સી આર પાટીલે આપ અને કોંગ્રેસ પર આકરા શબ્દોના પ્રયોગ કર્યા હતા. તેમણે કહ્યું કે ચોમાસું આવતા જેમ દેડકાઓ ડ્રાંઉ ડ્રાંઉ કરતા આવી જાય છે તેમ કેટલીક પાર્ટીઓના આગેવાનો પણ આવી જાય છે. મફલર પહેરી એટલે દિલ્હીમાં ખબર પડી જાય કે ઠંડી આવે છે. અને એ વ્યક્તિ ઠગ નહીં પણ મહાઠગ છે. પરંતુ મારે તેમને જણાવવું છે કે ગુજરાતીઓને મફતની વસ્તુ સદતી નથી. વધુમાં તેમણે કહ્યું કે મેં આ અગાઉ પણ જાહેર મંચ પરથી જાહેરાત કરી હતી અને આજે પણ તમારા માધ્યમથી કહેવા માંગુ છું કે ગુજરાતની પોતાની એક સંસ્કૃતિ છે. ગુજરાતની એક વિશિષ્ઠતા છે. અને ગુજરાતીઓની પણ પોતાની એક વિશિષ્ઠતા છે. ગુજરાતીઓ હંમેશા આપવા માટે હાથ લંબાવે છે, માંગવા માટે ક્યારે હાથ લંબાવતા નથી, મફતનું ખપતું નથી. મફતની લાલચ આપવાથી તમને કોઈ મત આપવાનું નથી.
ત્યાર બાદ પાટીલે રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહાર કર્યા હતા તેમણે કહ્યું કે એક પપ્પુ છે જેણે પાર્ટીનું બંટાધાર કરી દીધું છે. આટલા તાપમાં કાર્યકર્તાઓની સંખ્યા જોઈને કેટલાકના છાતીના પાટીયા બેસી ગયા હશે. અમારી પાર્ટી વિથ ડિફરન્સ તરીકે ઓળખાય છે. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે પાર્ટીમાંથી એક પણ કાર્યકર રજા પર ન હતો. સામે ચૂંટણીએ રજા પાડે એ અમારા કાર્યકરોના લોહીમાં જ નથી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં આગામી ચૂંટણીને લઈને પાર્ટીઓની તૈયારી શરૂ થઈ ગઈ છે. જેમાં આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સુરતના કડોદરા ખાતે વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમમાં હાજરી આપી હતી. જેમાં મોટી સંખ્યામાં બીજેપીના કર્યકરો હાજર રહ્યા હતા. સી આર પાટીલ 24 કલાકમાં 36 કાર્યકરોને મળશે. તેમજ નબળા બૂથ પર એક્ટિવ કામગીરીનું કાર્યકરોને સૂચન અપાશે.