આણંદ : બોરસદ તાલુકાના ગાજણા ગામે મધરાતે અજાણ્યા શખસોએ 35 વર્ષિય યુવક પર જીવલેણ હુમલો કરી તેને લોહી લુહાણ હાલતમાં જ ઘરમાં છોડી ભાગી ગયાં હતાં. વ્હેલી સવારે યુવકની માતા સફાઇ માટે ઘરે આવ્યાં તે દરમિયાન પુત્રને લોહી લુહાણ હાલતમાં જોતાં ચોંકી ગયાં હતાં અને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં બુધવારની સાંજે તેનું મૃત્યું નિપજ્યું હતું. આ ઘટનાના પોલીસે તપાસ કરતાં ઘવાયેલા યુવકની પત્નીએ જ તેના બે પ્રેમી સાથે મળી હત્યા માટે કાવતરું ઘડ્યું હોવાનું ખુલ્યું હતું. આ અંગે પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.
ગાજણા ગામે રહેતા વિજ્યાબહેન મહિડા તેમના પતિ ભારતસિંહ સાથે માલદારના કુવા સીમ વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી રહે છે. ગામમાં આવેલા તેમના ઘરે પુત્ર પરેશ (ઉ.વ.35) પરિવાર સાથે રહે છે. જેમાં પરેશની દિકરીના સંબંધની વાત ચાલતી હોવાથી તેમનો પરિવાર સાસરિમાં ગયો હતો અને પરેશ ઘરે એકલો હતો. દરમિયાનમાં 19મી જૂનની રોજ બપોરે વિજયાબહેન ઘરની સાફ સફાઇ માટે પરેશના ઘરે પહોંચ્યાં હતાં.
તે સમયે ઘરનો આગળનો દરવાજો ખોલતા અંદરનો દ્રશ્ય જોઇ તેઓ ચોંકી ગયાં હતાં. પરેશ લાકડાના પલંગમાં પડેલો હતો અને તેના માથામાં ઇંજા થયેલી હતી. આ ઉપરાંત મોંઢા પર લોહી ચોંટેલું હતું અને ગોદડામાં, ભોંયતળીયે લોહી વેર વિખેર પડેલું હતું. પરેશને બોલાવવાનો પ્રયત્ન કરતાં તેણે કોઇ જવાબ આપ્યો નહતો અને બેભાન હાલતમાં હતો. આ અંગે વિજયાબહેનની ફરિયાદ આધારે ભાદરણ પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એસ. ચૌધરીએ સંભાળી છે.
પોલીસને પ્રાથમિક તપાસમાં જ ઘવાયેલા પરેશની પત્નીને આડા સંબંધ હોવાની વાત જાણવા મળી હતી. આથી, તે દિશામાં તપાસ શરૂ કરી કરતાં પરેશ મહિડાના પત્ની નયનાબહેનને મુકેશ રબારી સાથે લગ્નેતર સંબંધ હોવાનું ખુલ્યું હતું. આથી, પોલીસે મુકેશની અટક કરી સઘન પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને નયનાના કહેવાથી તેના અન્ય પ્રેમી કાબા ભરવાડને સાથે રાખી પરેશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
આ કાવતરા મુજબ મુકેશ રબારી અને કાબા ભરવાડ તથા વોન્ટેડ આરોપી સુરેશ ભરવાડ 18મી જૂનની રાત્રે પરેશના ઘરમાં ઘુસ્યા હતા અને કાબા ભરવાડે પરેશના માથામાં ડાંગના ઉપરા છાપરી પાંચ ઘા કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ કબુલાત આધારે પોલીસે મુકેશ ઉર્ફે મુકો રબારી (રહે. ગાજણા), કાબા મુંધવા (ભરવાડ) (રહે.ભાંભણ, તા. જિ. બોટાદ) અને નયના મહિડા (રહે.ગાજણા)ની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ચોથો આરોપી સુરેશ ભરવાડને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ સારવાર લઇ રહેલા પરેશનું બુધવારની મોડી સાંજે મૃત્યું નિપજતાં પોલીસે હત્યાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.