Dakshin Gujarat Main

દમણમાં એકાઉન્ટન્ટે મહિલા પ્રિન્સિપાલની હત્યા કર્યા બાદ વાપીમાં લાશ સાથે કારને સળગાવી દીધી

સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દમણ (Daman) નર્સિંગ કોલેજના(Nursing college) મહિલા પ્રિન્સિપાલની (Principal) ગુમ થયા બાદ દમણ હદની બાજુમાં ગુજરાતના કુંતા તરકપારડી ગામની અવાવરૂ જગ્યાએથી સંપૂર્ણ રીતે સળગી ગયેલી કારમાંથી મહિલાના સળગેલા શરીરનાં અવશેષો મળતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ હત્યા (Murder) કોઈ અન્યએ નહીં પણ કોલેજનાં એકાઉન્ટન્ટે (Accountant) આચરેલી કોલેજ મેસ ફી અને એડમિશન ફીના પૈસાનો ગોટાળો કર્યો હોવાની જાણ પ્રિન્સિપાલને થતાં તેણે જ મહિલા પ્રિન્સિપાલનું અપહરણ (Kidnapping) કરી મોતને ઘાટ ઉતારી હોવાનું પોલીસ તપાસ સામે આવ્યું છે.

  • ગુજરાતના કુંતા તરકપારડી ગામની અવાવરૂ જગ્યાએથી સળગેલી અવસ્થામાં પોલીસને કાર અને મહિલાના અવશેષો મળી આવ્યા
  • કોલેજનાં એકાઉન્ટન્ટે મેસ ફંડ અને એડમિશન ફીમાં ગેરરીતી કરતા તેની જાણ પ્રિન્સિપાલને થઈ ગઈ હતી
  • મહિલા પ્રિન્સિપાલ સેલવાસથી દમણ જવા નીકળ્યા બાદ ઘરે નહીં આવતા પોંડીચેરીમાં રહેતા પતિએ ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી
  • પોલીસે પટલારાના આરોપી એકાઉન્ટન્ટની ધરપકડ કરી

દમણના નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ અને સેલવાસના ટોકરખાડા મેડિકલ કેમ્પસના બ્લોક-1 ના નિસર્ગ 1 ટાઈપના રૂમ નં. 5 માં રહેતા 45 વર્ષીય કનિમોઝી અરૂમુધમ 28 ફેબ્રુઆરીના દિવસે સેલવાસથી સવારે 7 વાગ્યાની આસપાસ દમણ કોલેજ ખાતે જવા માટે નીકળ્યા હતા. બાદમાં તેઓ પરત ઘરે ફર્યા ન હતા. તેમનો કોઈપણ પ્રકારનો સંપર્ક થઈ શક્યો ન હતો. જેને લઈ મહિલા પ્રિન્સિપાલના પતિ મનીમરન સી. જેઓ પોંડીચેરી રહેતા હોય એમણે વોટ્સએપથી સેલવાસ પોલીસ મથકનાં ઇન્ચાર્જના વોટ્સએપ નંબર પર પત્નીની ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી.

જેને લઈ સેલવાસ પોલીસે ગુમ થયાની ફરિયાદ દાખલ કરી ડીઆઈજીપી વિક્રમજીત સિંહ અને એસપી અમિત શર્માના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે ટેક્નિકલ એનાલિસિસ અને લોક સંપર્કથી સેલવાસ તથા આસપાસના વિસ્તારની સાથે દમણમાં તપાસ હાથ ધરી હતી, પરંતુ ગુમ થયેલા પ્રિન્સિપાલનો કોઈ પત્તો લાગ્યો ન હતો. તપાસ દરમ્યાન પોલીસને એક માહિતી મળી કે મહિલા પ્રિન્સિપાલ ગુમ નહીં પણ તેનું અપહરણ થયું છે. અને એ અન્ય કોઈએ નહીં પણ દમણ નર્સિંગ કોલેજમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય સાવન પટેલે કર્યું છે. જેને લઈ પોલીસે આ મામલે અપહરણની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી પટલારામાં રહેતા અને નર્સિંગ કોલેજમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા સાવન પટેલની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જ્યાં આરોપી સાવન પટેલે પોતે જ મહિલા પ્રિન્સિપાલની હત્યા કરી હોવાનું કબુલ કરતા પોલીસે જેલનાં સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એકાઉન્ટન્ટે કોલેજની મેસ ફી અને એડમિશન ફીમાં લાખો રૂપિયાની ગેરરીતિ કરી
પોલીસની સઘન પૂછપરછ દરમ્યાન આરોપી સાવન પટેલે કઈ રીતે મહિલા પ્રિન્સિપાલની હત્યા કરી એ વિશે જણાવતાં પોલીસના પણ હોંશ ઉડી ગયા હતા. સાવન પટેલે દમણ નર્સિંગ કોલેજની મેસ ફી અને એડમિશન ફીમાં લાખો રૂપિયાની ગેરરીતિ કરી હતી. જેની જાણ પ્રિન્સિપાલ કનિમોઝી અરૂમુધમને થતાં તેમણે અનિયમિતતા બાબતે ખુલાસો કરવા વારંવાર જણાવતી હતી. જ્યાં આરોપીને લાખો રૂપિયાની અનિયમિતતાની ચિંતા થતાં તેણે પ્રિન્સિપાલ મહિલાને જ મોતને ઘાટ ઉતારવાનું નક્કી કર્યું અને 28 ફેબ્રુ.ના રોજ તેણે પૈસાની ગેરરીતિ કરી છે, એ બાબતનો ખુલાસો કરવા મહિલા પ્રિન્સિપાલને તેની કારમાં બેસવાની ફરજ પાડી હતી. જેને લઈ પ્રિન્સિપાલ કારમાં બેસતા જ આરોપી સાવંત પટેલે કારને હંકારી તેણીની કારમાં જ નિર્મમ હત્યા કરી હતી. આ અંગે કોઈને પણ જાણ ન થાય એ માટે હત્યા કરાયેલી લાશ સાથે જ તેણે કારને હંકારી દમણ હદની બાજુમાં આવેલા ગુજરાતના કુંતા તરકપારડીની અવાવરું જંગલ વિસ્તારમાં જઈ કાર સમેત મહિલા પ્રિન્સિપાલને જ્વલંતશીલ પદાર્થ છાંટીને સળગાવી પુરાવા નષ્ટ કરવાનો પ્રયત્ન કરી ફરાર થઈ ગયો હતો.

પોલીસનું સર્ચ ઓપરેશન, ખાડામાં સળગેલી કાર મળી
પોલીસને આરોપીએ જણાવેલી જગ્યાને લઈ રવિવારે સેલવાસ, દમણ અને ગુજરાત પોલીસ દ્વારા તરકપારડીની અવાવરૂ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરતાં એક ખાડા જેવી જગ્યામાંથી સંપૂર્ણ રીતે સળગી ગયેલી કાર જોવા મળી હતી. જેને લઈ પોલીસે એફએસએલની મદદ લીધી હતી. જ્યાંથી ટીમને મૃતક મહિલા પ્રિન્સિપાલની સળગેલી લાશના અવશેષો અને અન્ય પુરાવાઓ પણ મળ્યા હતા. જ્યાં પોલીસે કાર અને મહિલાના સળગેલા શરીરના અવશેષોનો કબ્જો લઈ આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top