ભરૂચ: (Bharuch) આમોદના કાંકરિયા (Kankariya) ગામના 37 આદિવાસી પરિવારોને લાલચ આપી ઈસ્લામ (Islam) ધર્મ અંગીકાર કરાવવાનો ચોંકાવનારો સ્ફોટક ખુલાસો થયો છે. વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરી ગરીબ હિન્દુઓને (Hindu) આર્થિક લાલચ આપી ઈસ્લામ ધર્મમાં સમાવેશ કરાવવાનું સુવ્યવસ્થિત કૌભાંડ (Scam) ચાલતું હતું. આ ગેરકાયદે અને કોમી વૈમનસ્ય ફેલાવવાની પ્રવૃત્તિ કરનાર 9 શખ્સ સામે ભરૂચ પોલીસ ગુનો દાખલ કરતાં ખળભળાટ ઊભો થયો છે.
જિલ્લા પોલીસ વડાએ જબરજસ્તી ધર્માંતરણની પ્રવૃતિને ઉજાગર કરતાં પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે આ સમગ્ર પ્રકરણની માહિતી આપતા જણાવ્યું હતું કે, ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામમાં ઘણા સમયથી ધર્મના નામે ગેરકાયદે ધર્માંતરણ થઈ રહ્યું હતું. કેટલાક ઇસમો વિદેશમાંથી ફંડિંગ ભેગું કરી ધર્માંતરણની અસામાજિક પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા. આદિવાસી હિન્દુ લોકોને રોકડ રૂપિયા તેમજ અન્ય સહાયની લાલચ આપી તેઓની આર્થિક સ્થિતિ તથા તેમની અજ્ઞાનતાનો લાભ લઈ, છળકપટ કરી, હિન્દુ અને મુસ્લિમ ધર્મના લોકો વચ્ચે વૈમનસ્ય ફેલાવી ગુજરાત અને દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવાના ઈરાદે આ પ્રવૃત્તિ ચાલી રહી હતી. આ ગુનાહિત ષડયંત્રમાં ભરૂચ જિલ્લાના કેટલાક વિધર્મી કટ્ટરવાદીઓએ વિદેશમાંથી આર્થિક સહાય મેળવી હિન્દુઓને મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવા કામે લાગ્યા હતા. આ શખ્સોએ કાંકરિયા ગામના આદિવાસી હિન્દુ લોકોના ૩૭ પરિવારના ૧૦૦થી વધારે લોકોને લોભ-લાલચ આપી મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કરાવ્યું હતું.
આ સમગ્ર પ્રકરણમાં મૂળ નબીપુરના અને હાલ લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલનાની સંડોવણી સામે આવી છે. અગાઉ અગાઉ ઉત્તરપ્રદેશ તેમજ વડોદરામાં આવા જ પ્રકારના ગુનામાં તેની સંડોવણી બહાર આવી છે. વિદેશમાંથી ફંડ ઊભું કરી ભારત દેશમાં ગેરકાયદે રીતે લાવી તે નાણાંનો હિંદુ લોકોને મુસ્લિમ ધર્મ પરિવર્તન કરાવવામાં ઉપયોગ થતો હતો. આ પ્રવૃત્તિ અંગે કાંકરિયા ગામના જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ આપતાં સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. આ બાબતે પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગના માર્ગદર્શન હેઠળ અને સરકારના નિયમો જોતાં તેનું પાલન થયું ન હોવાથી હિન્દુ લોકોને મુસ્લિમ બનાવનાર તેમજ તેમાં સહાય કરતા ઈસમો વિરુદ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આરોપીઓનાં નામ
- શબ્બીરભાઇ બેકરીવાલા (રહે., આમોદ, જિ.ભરૂચ)
- સમજભાઇ બેકરીવાલા (રહે., આમોદ, જિ.ભરૂચ)
- અબ્દુલ અઝીઝ પટેલ (રહે., કાંકરિયા, તા. આમોદ, જિ.ભરૂચ)
- યુસુફ જીવણ પટેલ (રહે., કાંકરિયા, તા. આમોદ, જિ.ભરૂચ)
- ઐયુબ બરકત પટેલ (રહે., કાંકરિયા, તા. આમોદ, જિ.ભરૂચ)
- ઇબ્રાહીમ પુના પટેલ (રહે., કાંકરિયા, તા. આમોદ, જિ.ભરૂચ)
- ફેફડાવાલા હાજી અબ્દ્દુલ્લા (રહે., નબીપુર, હાલ લંડન)
- હશન ટીસલી (રહે., આછોદ, તા.આમોદ, જિ.ભરૂચ)
- ઇસ્માઇલ આછોદવાલા ઉર્ફે ડેલાવાલા (મૌલવી) (રહે., આછોદ, તા.આમોદ, જિ.ભરૂચ)