આણંદ : આણંદ – ખેડા જિલ્લાને શિક્ષણ હબ તરીકે ગણવામાં આવે છે અને માત્ર 20 કિલોમીટરના વિસ્તારમાં 6 યુનિવર્સીટી આવેલી છે. અહીં દેશ – વિદેશથી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરવા આવે છે. જેમાં સૌથી વધુ અને વિશ્વ વિખ્યાત સરદાર પટેલ યુનિવર્સીટીમાં અભ્યાસ કરવામાં આવે છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે, સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન 118 કોલેજમાંથી માત્ર 46 કોલેજમાં જ નિયમીત 46 આચાર્ય છે. જ્યારે બાકીની 72 કોલેજમાં કાર્યકારી આચાર્યથી કામ ચલાવવામાં આવે છે.
વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન 118 કોલેજ આવેલી છે. આ કોલેજ આણંદ – ખેડા જિલ્લા ઉપરાંત દેશ વિદેશમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. પરંતુ છેલ્લા કેયલાક સમયથી કોલેજ સંચાલકો દ્વારા શિક્ષણ અને વહીવટા કાર્યમાં મહત્વની આચાર્યની જગ્યા ભરવામાં દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. જેના કારણે અભ્યાસ પર અસર પણ જોવા મળી રહી છે. કારણ કે કોલેજમાં આચાર્યનો વહીવટી કાર્યમાં મહત્વનો ભાગ ભજવાતો હોય છે. આચાર્ય દ્વારા કોલેજની સમસ્યા અથવા પ્રસ્તાવ યુનિવર્સિટી અથવા સરકાર સુધી મોકલવામાં આવે છે. આચાર્ય યુનિવર્સીટી અને કોલેજ વચ્ચે કડી સમાન કામ કરતા હોય છે. જોકે આચાર્યની જગ્યા પર કોલેજમાં કાર્યકારી આચાર્ય રાખવામાં આવતા હોય છે. જેની સીધી અસર શૈક્ષણીક, વહીવટી અને વિદ્યાર્થીઓ પર પણ પડતી હોય છે. વિદ્યાનગરની સૌથી મોટી યુનિવર્સિટીમાં આવી જ ખોટ જોવા મળી રહી છે. સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન 118 કોલેજમાંથી 72 કોલેજમાં આચાર્યનો અભાવ જોવા મળી રહ્યો છે.
આચાર્યની જગ્યા માટે જાહેરાત આપી બચાવ કરાય છે
ગાન્ટેડ કોલેજમાં આચાર્યની જગ્યા ખાલી પડતા સરકારમાં એનઓસી આપવામાં આવે છે. બાદમાં આ અંગે જાહેરાત આપી આચાર્યની યુજીસી પ્રમાણે લાયકાત ન મળે ત્યા સુધી કાર્યકારી આચાર્યથી કામકાજ ચલાવવામાં આવે છે. જાહેરાતના નામે આમ વર્ષો સુધી આચાર્યના અભાવે કોલેજમાં કામકાજ ચાલું રહે છે.
આચાર્ય કોલેજના મહત્વના લીડર તરીકે રોલ ભજવે છે
કોઈપણ કોલેજમાં આચાર્યનો તોલ મહત્વનો હોય છે. ખાસ કરીને વહીવટી કાર્યમાં તેમની સૌથી વધુ જરૂરત પડે છે. આચાર્ય કોલેજના લીડર સમાન હોય છે. તેઓ વહીવટી, શૈક્ષણિક, વિદ્યાર્થીની સમસ્યા, સ્ટાફની ભરતી, સ્ટાફના પગાર, જેવા અનેક કામમાં મહત્વનો ભાગ ભજવે છે. કોલેજ તરફથી કોઈપણ સમસ્યા અથવા પ્રસતાવ અંગે આચાર્ય જ યુનિવર્સિટી અથવા સરકારમાં રજુઆત કરે છે. જ્યારે કાર્યકારી આચાર્ય કોલેજના પ્રોફેસર હોવાથી લેક્ચર સભાળે કે વહીવટનું કામકાજ જોવે ? આથી જે જવાબદારી આચાર્ય ઉપાડે છે તે કાર્યકારી આચાર્ય ન કરી શકે.