આણંદ : આણંદના સાંસદ અને ધારાસભ્ય શનિવારના રોજ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે ગીલી દંડા સહિતની વિવિધ રમતો રમ્યાં હતાં. જોકે, આશ્ચર્યની કોઇ વાત નથી. પરંતુ યુનિવર્સિટી દ્વારા વિસરાયેલી પરંપરાગત રમતો માટે સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં હાજર સાંસદ, ધારાસભ્ય, વાઇસ ચાન્સેલર સૌએ પોતાનું બાળપણ યાદ કરી રમત પર હાથ સાફ કર્યો હતો. આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ (બકાભાઈ), ધારાસભ્ય યોગેશભાઈ પટેલ (બાપજી), વાઇસ ચાન્સેલર ડો. નિરંજનભાઈ પટેલ કાર્યક્રમો દરમિયાન ભારેખમ વકતવ્ય આપતા જોવા મળતાં હોય છે. પરંતુ શનિવારના રોજ સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા પરંપરાગત રમતની સ્પર્ધા યોજવામાં આવી હતી.
જેમાં સૌ મહાનુભાવોએ પણ ભાગ લીધો હતો અને હળવા મુડમાં આવીને વિવિધ રમતમાં હાથ સાફ કર્યો હતો. સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા શનિવારે પરંપરાગત રમતોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં 26 જેટલા વિવિધ ડિપાર્ટમેન્ટના પોસ્ટ ગ્રેજ્યુએટના લગભગ 278 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા અંતર્ગત વેસ્ટ ઝોન ખેલાડીના બહેનો ધ્રુપા પટેલ, અમિન તુલસી, નાઝાનનખાતુન અંતાલી મશાલ લઇને આવ્યા અને મુખ્ય મહેમાન દ્વારા મશાલનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે સ્પર્ધામાં ધૃપા પટેલ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વ્યક્તિગત રમતમાં દોરડા કૂદ, કંચા (લખોટી), ભમરડો, કોથળા કૂદ રેસ, ધીમી સાયકલ રેસ, ડોજ બોલ, લીંબુ ચમચી રેસ, લંગડી અને જૂથ રમતોમાં રસ્સા ખેંચ, સતોડિયું, ત્રિપગી દોડ, ગીલી દંડા રમાડવામાં આવશે.
આ પરંપરાગત રમતોની સ્પર્ધાના ઉદ્દઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અતિથિ વિશેષ તથા સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. નિરંજનભાઈ પટેલ, કુલસચિવ ભાઇલાલભાઈ પટેલ, બોર્ડ ઓફ સ્પોર્ટ્સના અધ્યક્ષ સંજયભાઈ પટેલ, સ્પેક કોલેજના શાંતિલાલ વિગેરે હાજર રહી પરંપરાગત રમતો રમીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન શારીરિક શિક્ષણ વિભાગ તથા એમબીએ ડિપાર્ટમેન્ટ સરદાર પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.