Health

વાસી ખોરાકની સ્વાસ્થ્ય પર અસર

શ્રાવણ માસમાં શીળી સાતમ ગઈ. વરસે એક દિવસ વાસી ખોરાકનું ચોક્કસ પૌરાણિક મહત્ત્વ હશે જ ! કદાચ સ્ત્રીઓને આરામ આપવાનો, કદાચ ૩૬૫ દિવસ ધમધમતા રસોડાને એક દિવસ ઠંડું પાડવાનો હેતુ હોય! પરંતુ આજની બદલાયેલી જીવનશૈલીમાં સ્વિગી અને ઝોમેટોની કૃપાથી રસોડાને અઠવાડિયે ઘણી વાર આરામ અપાતો હોય છે! વળી, આજના ઝડપી જીવનમાં નોકરીધંધા માટે બહાર પડેલી સ્ત્રીઓ તેમ જ સામાજિક રીતે સક્રિય સ્ત્રીઓ પાસે જ્યાં રસોઈ બનાવવા માટે પૂરતો સમય નથી હોતો અથવા બીજી રીતે કહીએ તો ખૂબ બધો ખોરાક બનાવીને રેફ્રીજરેટરમાં સંઘરી રાખીને બીજી વાર બનાવવાના સમયમાંથી સ્ત્રીઓ મુક્તિ મેળવી લેતી હોય છે. વળી, આટલું બધું વધ્યું છે તો વધેલા અન્નને ફેંકી તો ન જ દેવાય ને! એ રીતની વિચારસરણી ધરાવતા લોકો પણ છે. પહેલાંના જમાનામાં જ્યારે રેફ્રીજરેટર ઘરે-ઘરે નહોતાં ત્યારે માંદગી પણ કદાચ આટલી બધી ઘરે-ઘરે નહોતી એ આપણે સૌએ અનુભવ્યું હશે. કદાચ એનું એક કારણ એ હોઈ શકે કે ત્યારે ઘરમાં સ્ત્રીઓ પાસે રસોઈ કરવા માટેના સમયની આટલી અછત નહોતી. તાજો તથા ફ્રીજના અભાવે જરૂરિયાત પૂરતો બનાવેલો ખોરાક શરીરને માંદગીનું ઘર બનાવતા નહોતા પરંતુ લોકો એ નથી જાણતા કે કોઈ પણ કારણસર વાસી ખોરાક ખાતા આખરે શરીરને કેટલું નુકસાન પહોંચી રહ્યું છે. ખોરાક રંધાઈ જાય પછી મોડામાં મોડા ૩-૪ કલાકમાં આરોગી જવો જોઈએ. આવો, આ અંકે કઈ રીતે વાસી ખોરાક દ્વારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચી શકે છે તે જાણીએ.

એસિડિટી
ખોરાક ૩-૪ કલાકથી જેમ જેમ જૂનો થતો જાય તેમ તેમ તેમાં એસિડનું ઉત્પાદન થતું હોય. ફ્રીજમાં મૂકવાથી આ એસિડના ઉત્પાદનની ગતિ થોડી ધીમી જરૂર પડે છે પરંતુ તેમાં એસિડની ઉત્પાદનની પ્રક્રિયા તો ચાલુ જ રહે છે. વળી, વાસી ખોરાક પચવામાં જટિલ થતો જાય જેને પચાવવા માટે આપણા જઠરે વધુ પ્રમાણમાં એસિડનું ઉત્પાદન કરવું પડે. આપ સૌએ આ પરિસ્થિતિનો અનુભવ કર્યો જ હશે કે વાસી ખોરાક ખાધા પછી અચૂક એસિડિટીનો સામનો કરવો જ પડે છે. આ એસિડિટી લાંબો સમય સુધી મટતી નથી અને જો વાસી ખાવાનું લાંબો સમય સુધી ચાલુ રહે તો વધુ પડતી એસિડિટીને કારણે પાચનતંત્રમાં ચાંદાં પડે છે જેને આપણે પેપ્ટીક અલ્સર(જઠરમાં ચાંદું પડવું) અથવા અલ્સરેટિવ કોલાઈટીસ (આંતરડાંમાં ચાંદું પડવું) તરીકે ઓળખીએ છીએ.

ફૂડપોઈઝનિંગ
ખોરાક વાસી થતાં તેમાં પાચનતંત્રને નુકસાનકારક એવા ફૂગ, પરોપજીવીઓ જેવા સૂક્ષ્મ જીવોનું ઉત્પાદન થાય છે અથવા તેમાં ભળે છે. આ સૂક્ષ્મ જીવો પાચનતંત્રનું રાસાયણિક સમતુલન ખોરવે છે અને પરિણામે વ્યક્તિને ઝાડા અને ઊલ્ટી થાય છે જેને આપણે ‘ફૂડપોઈઝનિંગ’ તરીકે ઓળખીએ છીએ. આ ફૂડપોઇઝનિંગ દરમ્યાન જઠર અને આંતરડાંમાં ઇન્ફેક્શન થાય છે અને આ ઇન્ફેક્શન જો યોગ્ય સારવાર દ્વારા ન મટે તો શરીરના અન્ય અંગો જેવા કે કિડની, લિવર અને ગોલબ્લેડરને પણ ચેપ લગાડી હિપેટાઇટિસ જેવો રોગ ઉત્પન્ન કરી શકે છે.

ડાયેરિયા
વાસી ખોરાકના સૂક્ષ્મ જીવો આંતરડાંને વધુ પડતાં પ્રભાવિત કરે ત્યારે ડાયેરિયા થતાં હોય છે. આ ડાયેરિયામાં વ્યક્તિ શરીરમાંથી મોટા પ્રમાણમાં પાણી અને ખનીજ તત્ત્વો ગુમાવે છે. આ સમસ્યાની સમયસરની સારવાર ન કરાય તો શરીર ડીહાઈડ્રેશન અનુભવે જે જીવલેણ સાબિત થઈ શકે.
સ્થૂળતા
એવું કહેવાય છે કે ખોરાક જેમ જેમ જૂનો થતો જાય તેમ તેમ તેમાં મસાલો વધુ સારી રીતે ભળવાથી ખોરાક વધુ સ્વાદિષ્ટ બને છે. આ વધુ સ્વાદિષ્ટ લાગતો ખોરાક વધુ માત્રામાં આરોગવા માટે મન લલચાય છે અને જરૂરિયાત કરતાં વધુ ખોરાક આરોગવાથી ચોક્કસ સ્થૂળતા આવે છે.
આમ, ઉપરનાં પગલાં લઈ, શરીરને તાજો ખોરાક જ આપવાનો આગ્રહ રાખી નીરોગી જીવન જીવવાનું પ્રણ લઈએ.

  • શું ધ્યાન રાખશો?
    ઉપર મુજબની સમસ્યાઓનો એક માત્ર ઉકેલ એટલે તાજો રાંધેલો ખોરાક. આ માટે નીચે મુજબનાં પગલાં અનુસરો.
  • જરૂરિયાત જેટલો જ ખોરાક રાંધો. વધુ પ્રમાણમાં ખોરાક રાંધો નહિ .
  • ખોરાક રાંધીને ૩ થી વધુ માં વધુ ૪ કલાકમાં આરોગી જાઓ.
  • જો વધ્યો જ હોય તો ૨ કલાકમાં ફ્રીજમાં મૂકી દો. વાસી થવા ન દો.
  • બહારથી લાવેલો ખોરાક વધુ પડતો કલર, પ્રિઝર્વેટિવ્ઝ ધરાવતો હોય છે. વળી એને સ્વાદિષ્ટ બનાવવા માટે એસિટિક એસિડ અથવા વિનેગરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય છે. આ કારણોસર બહારનો ખોરાક આમ પણ એસિડિક હોય છે. તદુપરાંત તે વાસી થતાં વધુ એસિડ ઉત્પન્ન કરે છે. એથી બહારથી ખોરાક મંગાવો ત્યારે જરૂરિયાત પૂરતો જ મંગાવો.
  • દૂધ, ઈંડાં તથા અન્ય માંસાહારી પદાર્થોમાં હાનિકારક બેક્ટેરિયાનું ઉત્પાદન અન્ય ખોરાક કરતાં વધુ ઝડપથી થતું હોય છે એથી આ ખોરાક વધુ લાંબો સમય સાચવવો નહિ.

Most Popular

To Top