SURAT

‘મફતમાં સારવાર લેવી હોય તો સિવિલમાં જાઓ’, સ્મીમેરનાં ઓર્થોપેડિક વિભાગે દર્દીને તગેડી મુક્યો

સુરત : સુરત(Surat) મનપા(SMC) સંચાલિત સ્મીમેર(Smimer) હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગ ફરીવાર વિવાદમાં આવ્યો છે. પાંચમાં માળેથી પટકાયેલા યુવકની સારવાર માટે રૂા. 20 હજાર માંગીને તેને સિવિલ હોસ્પિટલમાં ચાલ્યા જવા માટે કહેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ બાબતે સ્મીમેરના સત્તાધીશો દ્વારા તપાસના આદેશો કરાયા હોવાની વિગતો જાળવા મળી છે.

  • સ્મીમેરનો ઓર્થોપેડિક વિભાગ ફરી વિવાદમાં : ઓપરેશન માટે 20 હજાર માંગતા ખળભળાટ
  • ડોક્ટરોએ દર્દીના સગાને ‘ફ્રીમાં સારવાર લેવી હોય તો સિવિલ હોસ્પિટલ જાઓ’ કહીને તગેડી મુક્યાનો આક્ષેપ
  • પાંચમાં માળેથી પડી ગયેલા દર્દીએ સ્મીમેરની બદલે સિવિલ હોસ્પિટલમાં સારવાર કરાવી

લિંબાયત ખાતે આવેલા ગોવિંદ નગરમાં રહેતા અસલમ રહેમાન મન્સૂરી (ઉ.વ.47) મિલેનીયમ માર્કેટમાં કામ કરતા હતા ત્યારે પાંચમા માળેથી પટકાયા હતા. તેઓને બંને હાથ-પગમાં ગંભીર ઇજા થતાં તેઓને તાત્કાલીક સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. અહીં અસલમભાઇના 25 એક્સરે કઢાવ્યાં અને સોનોગ્રાફી કરાવાવાનું કહીને રૂા. 20 હજારના ખર્ચનું કહ્યું હતું. સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના ડોક્ટરોએ કહ્યું કે, ‘ઓપરેશન કરવું પડશે અને 20 હજાર રૂપિયા ટેબલ ઉપર મુકો તો જ ટ્રીટમેન્ટ શરૂ થશે, તમારે ફ્રીમાં સારવાર લેવી હોય તો સિવિલ હોસ્પિટલ ચાલ્યા જાવ’ તેમ કહીને તગેડી મુકવામાં આવ્યા હોવાનો આક્ષેપ અસલમના ભાઇ મુન્નાએ કર્યો હતો.

સ્મીમેરમાં એક કલાક સુધી સારવાર ન અપાયાનો આક્ષેપ
આ ઉપરાંત મુન્નાભાઇએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, સ્મીમેરમાં અસલમભાઇને એક કલાક સુધી સારવાર આપવામાં જ આવી ન હતી, એક કલાક બાદ ડોક્ટરોએ મારી પાસે એવો વીડિયો બનાવ્યો હતો કે, હાડકુ તૂટી ગયું છે, અમારી પાસે પૈસા નથી અને અમે સિવિલમાં લઇ જવા માંગીએ છીએ, આ ઉપરાંત મુન્નાભાઇની પાસે સહીઓ કરાવી લેવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. આખરે અસલમભાઇને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હોવાનું પણ તેઓએ ઉમેર્યું હતું.

Most Popular

To Top