એક દિવસ ડ્રાઈવિંગ ક્લાસમાંથી નીરા ઘરે આવી અને દાદા પાસે જઈને વાતો કરવા લાગી, દાદા જૂની જૂની પોતાના જમાનાની વાતો કરતા હતા. ૯૪ વર્ષના દાદા એ જમાનામાં પોતે સ્વીમીંગ કેવી રીતે શીખ્યા …મોટર કાર ડ્રાઈવ કરતાં કેવી રીતે શીખ્યા તેની વાતો કરતા હતા.પૌત્રીને દાદા સાથે વાતો કરવાની બહુ મજા આવતી.તે રોજ સમય કાઢીને દાદા સાથે વાતો અચૂક કરતી.
દાદા પણ પૌત્રી સાથે વાતો કરતા …તેની વાતો અને મસ્તી સાંભળતા …કયારેક ડ્રાઈવ કરતાં શું ધ્યાન રાખવું ..બ્રીજ પર ઉપર કાર કેવી રીતે બ્રેક મારતાં ઉપર લઇ જવી તે સમજાવતા.ક્યારેક પોતાની વાતોમાંથી અને અનુભવમાંથી લાઈફ લેસન શીખવી દેતા.એક દિવસ નીરાએ દોડીને આવીને કહ્યું, ‘દાદા, આજે બરોજ પર કાર પહેલી વાર ચલાવી. તમારી આપેલી ટીપ્સ બહુ કામ લાગી.થેન્કયુ દાદા …આઈ લવ યુ…તમારી સાથે વાતો કરવી મને બહુ ગમે છે…મને મજા આવે છે …મને કેટલું જાણવા અને શીખવા મળે છે …વળી તમારો પ્રેમ મળે છે …’ દાદા હસ્યા ..ખુશ થયા અને બોલ્યા, ‘વાહ દીકરા, એ તો બેટા દુનિયાનો અને પ્રકૃતિનો નિયમ છે કે આપતાં આવડે તો મળે …’
નીરાએ પૂછ્યું, ‘એટલે દાદા… આજકાલ તો બધાને બધું મેળવી જ લેવું હોય છે…આપવું હોતું જ નથી અને તમે કહો છો આપતાં આવડે તો મળે.’ દાદા બોલ્યા, ‘હા બેટા તારી વાત સાચી છે. દુનિયા સ્વાર્થી છે. કોઈને કંઈ આપવું નથી પણ મેળવવું બધું જ છે.પણ પ્રકૃતિનો આ બહુ સરળ નિયમ છે પહેલાં આપો તો મળશે.જો તારી અને મારી વાત કરું તો મારી પાસે બેસીને વાત કરે છે..તું તારો સમય મને આપે છે …મારી વાત સાંભળે છે સન્માન મને આપે છે…મારી સાથે સમય વિતાવી મને કંપની આપે છે.
મારો સમય પસાર થાય છે.એટલે તું મને આનંદ આપે છે એટલે તને આનંદ મળે છે ..તને જાણવા અને શીખવા મળે છે ..ખુશી મળે છે.કંઈ પણ મેળવવું હોય તો આપવા તૈયાર રહેવું પડે અને પહેલાં આપવું પડે.યાદ રાખજે દીકરા આ નિયમ દરેક સમયે ..દરેક સંજોગોમાં …દરેક જગ્યાએ …દરેક સમયે …દરેક સબંધમાં કામ કરે છે.જેને આપતાં આવડશે એને જ મળશે એ પછી સુખ હોય કે સમય …પ્રેમ હોય કે માન…હૂંફ હોય કે સાથ, જે જોઈતું હોય તે પહેલાં આપીને જોજો.’ દાદાએ સૌથી મહત્ત્વનો લાઈફ લેસન નીરાને શીખવ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.