Vadodara

નીતિ નિયમોને નેવે મુકનારને પાલિકા માત્રનોટિસ આપી દે તો જવાબદારી પુરી?

વડોદરા: દંતેશ્વર વિસ્તારમાં બંસલ મોલ નજીક રૂપારેલ કાંસને અડીને અનેકવિધ સાઈટો ઉભી કરી દેવાઈ હતી અને તેઓ દ્વારા નીતિ નિયમોનું ઉલ્લંઘન કરી કાંસને પૂર્વની કામગીરી કરાઈ રહી હોવાનું ધ્યાન ઉપર આવતા ધારાસભ્ય યોગેશ પટેલે પાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગને સૂચના આપી હતી અને જેમાં તપાસ દરમિયાન કાંસનું પુરાણ થઇ રહ્યું હોવાનું ફલિત થયું હતું જેના પગલે સાઈટને નોટીસ પાઠવવામાં આવી હતી. ત્યારે નોટીસ તો પાઠવી દેવાઈ છે પરંતુ આ સાઈટોના સંચાલકો દ્વારા કેટલા દિવસમાં પુરાણ દૂર કરવાનું રહેશે તે અંગે કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી. ત્યારે સવાલો એ ઉભા થાય છે કે તેનું અમલીકરણ સમયમર્યાદામાં કરાવવાની જવાબદારી કોની?

શહેરમાં આડેધડ ઊંચી ઊંચી ઇમારતો ઉભી થઇ રહી છે. એક તરફ વિકાસની વાતો થઇ રહી છે તો બીજી તરફ કેટલાક બિલ્ડરો મળેલ પરવાનગીનુ પણ ઉલ્લંઘન કરી રહ્યા છે. કેટલાક બિલ્ડરો તો વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલ કાંસમાં પણ પુરાણ કરી દેતા હોય છે ત્યારે દંતેશ્વર વિસ્તારમાં આવેલ કાંસને અડીને જ કેટલીય સાઈટો ઉભી થઇ રહી છે. બિલ્ડર દ્વારા અહીં વૈભવી ફ્લેટનું નિર્માણ કરવામાં આવી રહયું છે અને તેના ખોદકામ દરમિયાન જે માટી અને રોડા છોરું નીકળે છે તે કાંસમાં ઠાલવવામાં આવી રહ્યું હોવાની વિગતો ગુજરાત મિત્ર દ્વારા ઉજાગર કરવામાં આવી હતી.

આ અંગે મેયર નિલેશ રાઠોડનું પણ અનેકવાર ધ્યાન દોરવામાં આવ્યું હતું. દરમિયાન માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના ધ્યાન ઉપર આ બાબત આવતા તેઓએ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓને તપાસ કરવા જાણ કરી હતી. તપાસ દરમિયાન ટીપી 39 ફાયનલ પ્લોટ 77 માં બની રહેલ સ્કાય સુન્દરમ તેમજ ટીપી 39 ફાઇનલ પ્લોટ 6માં દર્શનમ બ્લિસ નામના પ્રોજેક્ટને નોટિસ બજાવવામાં આવી છે.

આ નોટિસમાં જણાવાયું છે કે બિલ્ડર દ્વારા સાઈટની બાજુમાં આવેલ કાંસમાં રોડા, છોરું તથા ડેબ્રિસનું પુરાણ કરી કાંસ ઉપર દબાણ કાર્ય હોવાની રજૂઆતો મળી હતી જે બાબતે કચેરી ખાતેથી સાઈટ વિઝીટ કરવામાં આવી હતી જે દરમિયાન કાંસમાં ડેબ્રિઝ અને અન્ય રોડા છોરું મળી આવ્યા હતા. આ દૂર ન કરવામાં આવે અને તેના ફોટોગ્રાફ્સ કચેરી ખાતે મોકલવામાં ન આવે ત્યાં સુધી કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે. પાલિકા દ્વારા નોટીસ તો આપી દેવામાં આવી છે પરંતુ તેમાં ક્યાંય સમય મર્યાદાનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. ત્યારે શું પાલિકા નોટિસ પાઠવીને જવબદારીમાંથી મુક્ત થઇ ગઈ? આગામી સમય ચોમાસાનો છે ત્યારે સમય મર્યાદામાં જો આ બિલ્ડરો દ્વારા કાંસમાંથી પુરાણ દૂર ન કરાયા તો તેનું જવાબદાર કોણ? ત્યારે પાલિકાએ આ અંગે મોનીટરીંગ કમિટી બનાવી તેના ઉપર સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા ઉપર દબાણ લાવવું જોઈએ તે લોકહિતમાં છે.

ગુજરાત મિત્રનો આભાર
ગુજરાત મિત્રનો આભાર વ્યક્ત કરીએ છે કે તેઓ આટલી જૂની મેટર ધ્યાન ઉપર લાવ્યા અને પાલિકાનું ધ્યાન દોર્યું. હાલમાં આ પઝેશન મેળવવા માટેની ફાઈલ તૈયાર થઇ રહી છે અને આગામી ટૂંક જ સમયમાં પાલિકા પઝેશન લઇ લેશે. – ઘનશ્યામ મોરધરા, એડિ આસી. એન્જી. જમીન મિલકત

ટાગોર નગર કોમ્યુનિટી હોલમાં પણ હજુ પઝેશન લેવામાં વિલંબ
વડોદરા મહાનગર પાલિકાની હદમાં પશ્ચિમ વિસ્તારમાં ઓ.પી.રોડ.પર સૈયદ વાસણા-અકોટા ટી.પી.સ્કીમ નં -૧૫ જેને સરકારના શહેરી વિકાસ ગાંધીનગર દ્વારા મંજુર કરવામાં આવેલ છે. તેમા ફાયનલ પ્લોટ નં ૨૧ પર ગેરકાયદેસર કબ્જો હોવાનું જાણવા મળ્યું છે. પાલિકાની માલિકીનો વાણીજ્ય વેચાણ માટેનો અનામત પ્લોટ રાખવામાં આવેલ છે. આ પ્લોટ મા છેલ્લા ૨૫ વષૅથી ટાગોર નગર કો.ઓ.હા.સોસાયટીના પ્રમુખ,મંત્રી,સહમંત્રી દ્વારા ગેરકાયદેસર રીતે કબ્જો કરવામાં આવ્યો હતો.આ અંગે પાલિકાનું ધ્યાન દોરવામાં આવતા આ મિલકતનું પઝેશન લેવા માટે ફાઈલ તૈયાર કરવામાં આવી હતી. આ વાત ને કેટલોય સમય વીતી ગયો તેમ છતાં હજુ તે પઝેશન લેવામાં આવ્યું નથી. ત્યારે આ બાબતને પણ એક સપ્તાહ જેટલો સમય થઇ ગયો છતાં પાલિકા પોતાની જમીન પણ પરત લેવા હજુ રાહ જોઈ રહી છે. ત્યારે કોઈ દબાણ તો નથી ને તેમ ચર્ચાઈ રહ્યું છે.

Most Popular

To Top