કિર્તી કુલ્હારી એક્ટ્રેસ છે પણ હમણાં લોકો તેની ચર્ચા એ પાત્ર માટે કરી રહ્યા છે જેમાં તે લેસ્બિયન દર્શાવવામાં આવી છે. શેફાલી શાહને તે ‘હ્યુમન’માં ચુંબન કરે છે. ‘ઈન્દુ સરકાર’માં ઈન્દિરા ગાંધી બનેલી કિર્તીની કિર્તી સાહસિક પાત્રો માટે જાણીતી છે. ‘હ્યુમન’તેની ચોથી વેબસિરીઝ છે અને તેમાં તે ડૉ. સાયરા સભરવાલ બની છે અને શેફાલી શાહ જેવી એક્ટ્રેસ સામે એવી જ અસરદાર વર્તાઈ રહી છે. કિર્તી ફિલ્મોમાં કામ કરે છે તો પણ તે ઓટીટી પ્લેટફોર્મની જ થઈ ચુકી છે એવું કોઈ કહી શકે કારણ કે તેની ‘ધ ગર્લ ઓન ધ ટ્રેન’ફિલ્મ નેટફલિક્સ અને પછી ‘શાદીસ્તાન’હોટસ્ટાર પર રજૂ થઈ હતી.
કિર્તી એવી એક્ટ્રેસ છે જે પડકારોથી ગભરાતી નથી. ‘ધ ગર્લ ઓન ધ ટ્રેઈન’મા પરિણિતી ચોપરા, અદિતી રાવ હૈદરી હતા. ‘મિશન મંગલ’માં વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, નિત્યા મેનન હતા. ‘પિન્ક’માં તાપસી પન્નુ હતી. કેટલીક અભિનેત્રીઓ પરદા પરની સીધી સ્પર્ધાથી દૂર રહે છે પણ કિર્તીનું એવું નથી. ‘હ્યુમન’માં શેફાલી શાહ સામે એટલે જ તે ઊભી છે. હવે તે ‘જોગીયા રોક્સ’માં આવી રહી છે ને તેમાં તે મુખ્ય ભૂમિકામાં છે. સાહસ કરે છે એટલે તે આ પોઝીશન પર પહોંચી છે. કિર્તીને વર્સેટાઈલ એક્ટ્રેસ ગણવામાં આવે છે.
કિર્તી 2016માં અભિનેતા સાહિલ સેગલને પરણેલી અને તે કહે છે કે આ લગ્ન એ મારી કારકિર્દીને ઘણી મદદ કરી છે. જોકે ગયા વર્ષે એપ્રિલમાં જ તેણે ડાયવાર્સ લીધા છે. 2010માં ‘ખીચડી’ફિલ્મથી શરૂ કરનાર કિર્તી ‘શૈતાન’, ‘પિન્ક’, ‘યુરી : ધ સરજિકલ સ્ટ્રાઈક’અને ‘મિશન મંગલ’માં પ્રશંસા પામી છે. હમણાં આ મહિને જ તે નિર્માત્રી બને છે અને કોમેડી થ્રીલર ‘નાયિકા’બનાવી રહી છે. અજયકિરણ નાયર લિખીત દિગ્દર્શીત આ ફિલ્મનું શૂટિંગ આ મહિનાની બીજી તારીખથી જ શરૂ થયું છે અને ઓમિક્રોનની દહેશત વચ્ચે પણ તે કાળજીથી ફિલ્મને આગળ વધારી રહી છે.
રાજસ્થાનના ઝૂનઝૂનુની કીર્તિ મુંબઈમાં જ મોટી થઈ છે. તેના પિતા ઈન્ડિયન નેવીમાં કમાંડર હતા. કિર્તીનો મિજાજ તેના પિતા જેવો જ છે. લડવૈયા બનીને રહેવું પણ તે એટલી જ સંવેદનશીલ છે. સાદગીભર્યું સૌંદર્ય ધરાવતી કિર્તી ‘હ્યુમન’વેબ સિરીઝ વિશે ઉત્સાહમાં રહી વાત કરે છે કારણ કે તેનો વિષય જ ઘણો રસપ્રદ છે. ‘ખીચડી’ફિલ્મ ગુજરાતી નિર્માતા, દિગ્દર્શકની હતી અને ‘હ્યુમન’પણ ગુજરાતી વિપુલ શાહની છે. રાજસ્થાની કિર્તી ગુજરાતીઓ પર ખુશ છે.