Comments

વાગે તો વાંસળી નહિ તો સાંબેલું…

મથી મથીને પરસેવાનું ખાબોચિયું બનાવી દીધું, છતાં હજી સમજાયું નથી કે, વાંસળીમાંથી સુરીલા સૂર કેવી રીતે નીકળે..! એવું જ લાગે કે, ભગવાનના અસ્તિત્વનું પ્રમાણ એટલે વાંસળી..! સાંબેલું ગમે એટલું ખડતલ હોય, પણ, સાંબેલામાંથી સૂરનું પ્રાગટ્ય કરવું હોય તો નહિ થાય. સાંબેલું પૂરેપૂરું પોલું કરી દો, તો પણ એને વાંસલડી તો ઠીક, વાંહલડો પણ નહિ કહેવાય. જેને વાંસળીની ઓળખ નથી, એ લોકો સાંબેલામાંથી સૂર કાઢવાની મથામણ ભલે કરતાં હોય, એની દયા જ ખવાય. સમસમીને બાબા મૌની બની જવાનું. એટલા માટે કે, ‘અખો કહે એમાં અમે શું કરીએ, એ નથી અમારી ન્યાત..!’

એના કપાળમાં કાંદા ફોડું, અમુક તો એવા આળસુના ખડક હોય કે, પોતાની વાંહળીમાં બીજા કોઈ ફૂંક મારે તો જ વાંહળીમાંથી સૂર કાઢે. અશોક દવે લખે છે એમ, ‘નાગાને એક ઇંચ પણ વધારે નાગો કરી શકાતો નથી’  એવાને  સળી કરવા કરતાં, જાતે જ પરિશ્રમ કરીને પરસેવો પાડેલો સારો. ઢળતો મિનારો સીધો થાય, પણ એ કડવી વેલનાં તુંબડાં મીઠાં નહિ થાય..! તંઈઈઈઈ..?

ગરમીની ડીગ્રી ઓછી છે કે, મગજે તાવો ચઢાવવાનો..? વાંસળી વગાડવા પણ ઉભાર જોઈએ. મતિને સદ્ગતિ મળતી હોય તો વાંસળી જાતે જ ફૂંકવી જોઈએ. પણ  જેના ભેજામાં સાંબેલું ફીટ થયું હોય, એને વાંસળીનો કૃષ્ણભાવ નહિ સમજાય. વાંસળી સેક્યુલર છે, કોમ્યુનલ નથી. પોતાની આંગળીથી એને વગાડીએ તો જ પોતીકી બને. મંજીરાનો ઝામો પામવો  હોય તો, પોતાના જ હાથે મંજીરાં બાંધવાં પડે, તો જીન્ચૂક..જીન્ચૂકનો આનંદ લુંટાય..! અમુક તો  આળસુના Departmental store જેવા..! જીવવા માટે, જાતે શ્વાસ લે છે  એ જ આપણા માટે ભયો ભયો..! નહિ તો શ્વાસ લેવા પણ  માણસો ભાડે રાખે તેવા..!

આળસુ માણસ ક્યારેય શિખરની ટોચને પામી શકતો નથી.  એમાં આળસાઈના મામલે ચમનિયો એટલે, ‘એઇટી-ટવેન્ટી’ કાપડ જેવો. વીસ ટકા આળસુ ને એંશી ટકા ઉદ્યમી..! થોડુંક આદુ ને થોડીક સૂંઠ..! ખાંસી આવે, છીંક આવે, કે ઓડકાર આવે કે દાંત ખોતરવાનો થાય, એવી તમામ કુદરતી ક્રિયાઓ પોતે જ પતાવે. ભર ઉનાળામાં પરણેલો છતાં, પૈણવા માટે જાતે જ પીઠી ચોળીને નીકળેલો. ચૂંટણીનાં ઉમેદવારની માફક ડમી વ્યવસ્થા નહિ રાખેલી. પાંચ-છ હજાર કિલોમીટર કાપવાનાં આવે તો જ ‘ફ્લાઈટ’ પકડે, બાકી વોશરૂમ સુધી તો આજે એ ચાલી જ કાઢે..! ભાડે વાહન નહિ કરે..!  પણ જ્યારથી વાંસળી  વગાડવાના રવાડે ચઢ્યો, ત્યારથી  હાંફી ગયો. ફૂંક મારવા જાય તો વાંહળી વગાડવાનું ભૂલી જાય, ને વાંહળી વગાડવા જાય તો  ફૂંક મારવાનું ભૂલી જાય..! ફૂંક કરતાં થૂંક વધારે કાઢે..! જો કે, બિચારો કરે પણ શું..? એની ઈકોતેર પેઢીમાં ફૂંક મારવાની કારીગરી કોઈ શીખેલું જ નહિ. વાંસળીમાં તો ઠીક, કોઈના કાનમાં પણ ફૂંક નહિ મારેલી..! ને વાંસળી રહ્યું વાયુ -વાજિંત્ર..! સરખી ફૂંક મળે તો જ ફેણ કાઢે. કનૈયાએ વાંસળી વગાડી ત્યારે ભલે ગોપ-ગોપી ને ગોવાળો ઉમટ્યાં હોય, પણ ચમનિયો જો વાંસળી વગાડે તો,  આખલા  પણ નહિ આવે..! વાંસળી વાગવા કરતાં સાંભળનારને પજવે વધારે..! રાધાને બદલે  અશ્રુની ધારા છૂટવા માંડે..!

સંગીત હોય કે વાજિંત્ર, બંને લજામણીના છોડ જેવા. કોઈ અણઘડ કલાકારના ગળે સંગીત ચઢી જાય ને હાથમાં વાજિંત્ર ભટકાય, ત્યારે સંગીત પણ લજામણીના છોડની જેમ બિડાઈ જાય. સારું છે કે, ગાવા ને વગાડવા સુધી ભ્રષ્ટાચાર પહોંચ્યો નથી..! ગળું ગમે એવું બગલાની ડોક જેવું રળિયામણું હોય, પણ ગળામાં સાત સૂરોએ ધામો નાંખ્યો નહિ હોય તો,ગાનાર પોતે જ ખંખેરાઈ જાય..! ક્યાં તો સંગીતને ગળું નહિ ફાવે,ક્યાં તો ગળાને ગાનાર નહિ ફાવે. માશુકાની માફક વાજિંત્રને જોઇને ગલગલિયાં થવાં જોઈએ. સંગીતમાં વાજિંત્ર ભલે નિર્જીવ લાગે, પણ એનામાં ય જીવ હોય. સંગીત સાથે સ્નાનસૂતક કે ન્હાવા નીચોવવાનાં સંબંધ હોવા જોઈએ. ના હોય એને, સાત સૂરો પણ  સાત સમંદર જેટલા છેટા લાગે. પછી એ કોઈ પણ પ્રકારનું વાજિંત્ર હોય કે, કોઈ પણ ઘરાનાનું સંગીત હોય..! વાંસળી ચુલ્હાની ફૂંકણી લાગે, ને વાયોલિન મચ્છરનું રેકેટ પણ લાગે..! કાલે ઇતને સબ જાંબુ..!

 ભગવાન શ્રીકૃષ્ણ મને વાંસળીના કારણે ગમે છે કે,  એ બંસીધરના કારણે મને વાંસળી ગમે છે, એ હું હજી  નક્કી કરી શક્યો નથી. છતાં વાંસળી ગમે બહુ. વાંસળી અને વાયોલીન બંને મારાં મનગમતાં વાજિંત્ર. ઝૂંપડપટ્ટીના છોકરાને હવેલીવાળાની છોકરી સાથે ‘ઈશ્ક’ થઇ જાય, ને કેઈસ ફેઈલ જાય એમ, વાયોલીન સાથે LOVE કરવા તો ગયેલો પણ, ફાવ્યું નહિ, એટલે ‘સબકા માલિક એક’ જેવી વાંસળી સાથે પ્રેમગોષ્ઠી બાંધી. અલબત્ત, વાયોલીન કરતાં વાંસળી સાથેના પ્રેમાલાપ કરવા સરળ અને સારા. કારણ કે, વાયોલીનમાંથી સાત સૂરના સાત કોઠા ભેદવા એટલે, સાત ડુંગરા ચઢીને સામે પાર જવા જેટલું અઘરું. અભિમન્યુ પણ હાંફી જાય..! ત્યારે વાંસળી અઘરી ખરી, પણ વાયોલીન  જેટલી નહિ. થોડીક  ઇઝ્ઝી..! છિદ્રે-છિદ્રે સાત સૂરના દીવડા મૂક્યા હોય એટલે વાગે તો ખરી, સાચા સૂર નીકળ્યા, તો  એનો નાદ, બ્રહ્મનાદની અનુભૂતિ પણ કરાવે. કોઈએ અમસ્તું થોડું ગાયું છે કે,

રાધાનું નામ તમે વાંસળીના સૂર મહીં વ્હેતું ના મેલો, ઘનશ્યામ

સાંજ ને સવાર નિત નિંદા કરે છે ઘેલું ઘેલું રે ગોકુળિયું ગામ!

વાંસળી અનેક નામે ઓળખાય..! કોઈ મોરલી કહે, વેણુ કહે, પાવો કહે, બંસી કે બંસરી કહે. પણ BPLજેવું, ગરીબીની રેખા હેઠળ આવતું હોય તેવું કોઈ સરળ વાજિંત્ર હોય તો વાંસળી..!  એટલે તો લોકસંગીતમાં વધારે ખીલેલું. શરણાઈ ઊંચા ઘરાનાની..! બે તડપતાં હૈયાંનું મિલન કરાવવામાં વાંસળીનું સંગીત જ રંગપૂર્તિ કરે. ત્યારે જુદાઈ કે વિયોગનું કલરકામ કરવાનું હોય તો, શરણાઈનું સંગીત કામ આવે. વાંસળીના સૂર સાંભળીને ગાંડાં-ઘેલાં બનેલાં ગોપ-ગોપી ને ગોવાળની વાતો અજાણ નથી. વાંસળીનો વટ છે મામૂ..? જે મેળામાં વાંસળીવાળો ના હોય, એને મેળો જ નહિ કહેવાય, એમ કોઈ પણ દેવી દેવતાનો મેળો હોય, તો મારા માટે દેવી-દેવતા કરતાં, વાંસળીનું મહત્ત્વ વધારે રહેતું..! વાંસળીનો અવાજ પડે ને મારામાં વિશ્વનો પ્રખ્યાત વાંસળીવાદક જેમ્સ ગેલ્વે, બેકસ્ટ્રેસર જ્યોર્જ બેરે કે પન્નાલાલ ઘોષનો આત્મા સજીવન થવા માંડે.

વર્ષો પહેલાં ફૂંકની ઈજ્જત હતી યાર..? ભગત-ભુવા ફૂંક મારતા એટલે ભલભલાં દર્દ ગાયબ કરી દેતા, એવું સાંભળેલું. ફૂંક મારવાની ધમધોકાર હાટડીઓ ચાલતી. ખોટો હોય તો યાદ કરો પેલા ખેરાળુવાળા બાપુને..! એક જ ફૂંકમાં ભલભલાનાં દર્દ ગાયબ..! પછી એને કોણે ફૂંક મારી તે દેખાતા જ બંધ થઇ ગયા…!

ફૂલોને અત્તરનું પદ પામવા ઊકળતી કઢાયમાં ઊકળવું પડે છે

અને થાવા બાંસુરી વાંસના ટુકડાને આખા શરીરે વીંધાવું પડે છે

વાંસળી વાંસના સ્વરૂપે વનમાં હતી ત્યારે ટાઢ, તાપ, વરસાદ ઘણું બધું સહન કરીને એ વાંસળીના મુકામ સુધી આવી છે. કૃષ્ણના હોઠ સુધી પહોંચી છે. અંદરથી પોલી હોવા છતાં, છિદ્રોને એણે ખૂલ્લાં મૂક્યાં છે. એના પેટમાં પાપ નથી અને પૂર્ણપણે કૃષ્ણને સમર્પિત છે. શ્રીકૃષ્ણે એટલે તો એને ક્યારેય અળગી કરી નથી. આ જીવન પણ વાંસળી જેવું છે, જો વગાડતાં આવડે તો સાતે સૂર બરાબર વાગે. આદમ ટંકારવીએ કહ્યું છે એમ,  ‘ખરું પૂછો તો ફૂંકોમાં ફરક છે, નહીંતર એકસરખી જ વાંસળી છે.’ માટે જ રાધા બનીને કાનાને કહેવાનું મન થાય કે, ‘હે કાના, મારા આ શરીરને  તારી વાંસળી બનાવ. સાત ચક્રોનું ભેદન કરીને બ્રહ્માસ્મિ અને એકોહમના  સંગીતથી તારા સૂર છેડીને વિશ્વચેતનામાં ભેળવી દે. હું ક્યાં નથી જાણતી કાના? તારી વાંસલડી પણ આ તારી રાધા જ છે.’

લાસ્ટ બોલ

પ્રોગ્રામ કરવો હોય તો સારા માઈક જોઈએ અને લગ્નજીવન સુખી બનાવવું હોય તો સારી વાઈફ જોઈએ. સારી વાઈફ તો મળી જાય, બાકીનું ભૂતની વાર્તા જેવું છે..!
એના કપાળમાં કાંદા ફોડું..
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top