રાજપીપળા : સાઉથની (South) બિગ બજેટ બહુચર્ચિત ફિલ્મ આર.આર.આર (RRR) ફિલ્મના લીડ સ્ટાર જુનિયર એન.ટી.આર (Jr NTR ) , રામચરણ (Ram charan) અને બાહુબલી અને આર.આર.આર ફિલ્મના ડાયરેકટર એસ.એસ.રાજા મૌલી (S.S Rajamouli) સહિતની ટીમે કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ (Statue Of Unity ) ની મુલાકાત લીધી હતી. સરદાર પટેલની ભૂમિ પરથી પ્રમોશન કરનાર આર.આર.આર ફિલ્મ પ્રથમ ફિલ્મ બની છે. આર.આર.આર ફિલ્મ હજુ રિલીઝ થવાની બાકી છે તો બીજી બાજુ દેશભરમાં એ ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પર આવેલી આર.આર.આર ફિલ્મના સ્ટાર કાસ્ટને જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા.
ફિલ્મના ડાયરેકટર એસ.એસ.રાજા મૌલીએ જણાવ્યું હતું કે ‘અમને આજે આંધ્ર અને તેલંગાણા જેવું સમર્થન ગુજરાતમાં પણ મળી રહ્યું છે.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘સરદાર વલ્લભભાઈ પટેલની જીવનશૈલીના કાર્યોનું વર્ણન એક વખતમાં કરવું મુશ્કેલ જરૂર છે, જ્યારે મને સરદાર પટેલના જીવન પર ફિલ્મ બનાવવાનો મોકો મળશે ત્યારે હું મારી જાતને ધન્ય અનુભવીશ અને જો તક મળશે તો ભવિષ્યમાં સરદાર પટેલના જીવન પર ફિલ્મ જરૂર બનાવીશ. આ ફિલ્મના પાત્રો પણ સરદાર પટેલથી પ્રેરિત છે.’
નાના બજેટની ફિલ્મ ખુબ હિટ નીવડી એ સારી બાબત છે: રજામૌલી
રાજામૌલીએ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મ બાબતે જણાવ્યું હતું કે ‘હજુ સુધી મેં એ ફિલ્મ જોઈ નથી, જ્યારે અમારી ફિલ્મનું પ્રમોશન પૂરું થશે ત્યારે ચોક્કસ જોઈશ. એ સારી બાબત છે કે નાની ફિલ્મ ખૂબ હિટ નીવડી છે.’ જ્યારે અભિનેતા રામ ચરણે જણાવ્યું હતું કે ‘જ્યારે અમે સરદાર પટેલની પ્રતિમા જોઈ તો અમારે અમારું માથું ઊંચું કરવું પડ્યું, એમનું વ્યક્તિત્વ પણ એવું જ દમદાર હતું. એમની આ પ્રતિમા માથું ઝુકાવીને નહિ પણ માથું ઊંચું રાખી જીવન જીવવાની પ્રેરણા આપે છે.’ જ્યારે અભિનેતા જુનિયર એન.ટી.આરે જણાવ્યું હતું કે ‘અમે સરદાર પટેલની પ્રતિમા જોઈ અમારી એનર્જી વધી ગઈ છે. આ આપણો ભારત દેશ છે, આપણે ખરેખર એ ગર્વ લેવા જેવી વાત છે કે સરદાર પટેલ જેવા લોખંડી પુરુષે ભારત દેશને એક કરી આપણને જીવન જીવવાની આઝાદી આપી.’