Comments

અલ્યા આ GDP ખાડે ગયો તો શું આપણું આવી બનશે?

થોડા થોડા સમયે દેશમાં ભારતની આર્થિક મજબૂતીના સંદર્ભે જી. ડી. પી. ના સમાચાર આવતા રહે છે. તે પણ દેશના કોઈ આર્થિક નિષ્ણાત કે સંસ્થા દ્વારા નહીં, પણ વિદેશી એજન્સીના માધ્યમથી વાત થાય છે. છેલ્લાં થોડાં વર્ષોમાં રાજનીતિની ચર્ચાઓમાં પણ આર્થિક પ્રગતિના માપદંડ તરીકે જી. ડી. પી. નાં ઉદાહરણ અપાય છે . કોઈ વાર જી. ડી. પી. વૃદ્ધિદર ધીમો પડ્યો ના નામે વિપક્ષો સત્તા પક્ષને દબાવવાનો પ્રયત્ન કરે છે તો ક્યારેક શાસકો ફાઈવ ટ્રીલીયન ડોલર ઈકોનોમીનાં ઓવારણાં લે છે.

પણ જી. ડી. પી. ને આગળ કરીને દેશના સામાન્ય માણસની આર્થિક સ્થિતિનો ક્યાસ કાઢવા જેવો નથી. એમાંય જી. ડી. પી. ના ત્રિમાસિક કે વાર્ષિક વૃદ્ધિદર કે જે એક સરેરાશ આંકડો છે, માત્ર ટકાવારી છે, તેના આધારે આખા અર્થતંત્રની વાત કરવા જેવી નથી. એવું નથી કે જી. ડી. પી. ના આંકડા કામના નથી કે તેનો ટકાવારી ફેરફાર ધ્યાનમાં ન લેવો જોઈએ પણ તે માત્ર વિશ્લેષકો માટે, નીતિનિર્ધારકો માટે કામનો છે, માર્ગદર્શક છે ,પાનના ગલ્લે કે આના આધારે દેશની આર્થિક નીતિની ચર્ચા કરનારા માટે કામનો નથી .કારણ કે જો અત્યારે જી. ડી. પી. ઘટ્યાના આધારે દેશનું અર્થતંત્ર ખાડે ગયું એવું તારણ કાઢશો તો બે પાંચ મહિનામાં જ જી. ડી. પી. ના આંકડા દ્વારા દેશનું અર્થતંત્ર ફુલ ગુલાબી થતું જાય છે તેમ સાબિત થશે, માટે જો જી. ડી. પી. ના આધારે જ ચર્ચા કરવી હોય તો જી. ડી. પી. ના ખ્યાલને સમજવો જરૂરી.

અર્થ તો સમજીએ પહેલાં કુલ રાષ્ટ્રીય ગૃહ પેદાશ મતલબ સકલ ઘરેલુ ઉત્પાદન ..મીન્સ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન.
જી. ડી. પી. એટલે કોઈ દેશે વર્ષ દરમિયાન જે કુલ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કર્યું હોય તે અને આ ઉત્પાદનનું નાણાંકીય મૂલ્ય માપીએ તો જે મળે તે રાષ્ટ્રીય આવક. દેશનું અર્થતંત્ર ત્રણ ક્ષેત્રોમાં વહેંચાયેલું છે. ખેતી, ઉદ્યોગ અને સેવા. આ ત્રણેય ક્ષેત્રમાં આખા વર્ષ દરમિયાન જે ઉત્પાદન થાય તેનો સરવાળો એટલે દેશની રાષ્ટ્રીય પેદાશ.

ફાયદો શું આનો? કોઇ પણ દેશ વર્ષભર કેવી અને કેટલી આર્થિક પ્રવૃત્તિ કરે છે તેનો હિસાબ રાખે છે અને આ હિસાબોના આધારે તે પોતાની રાષ્ટ્રીય પેદાશોના આંક નક્કી કરે છે. આવા હિસાબો અને આંકડાનો પહેલો ફાયદો દેશને જાત સાથે તુલના કરવામાં થાય છે. જો આપણે જાણીએ કે આપણે વિવિધ ક્ષેત્રોમાં વસ્તુ અને સેવાનું કેટલું ઉત્પાદન કર્યું તો આપણે આપણી જાતે આપણું મૂલ્યાંકન કરી શકીએ. આપણી પોતાની સાથે તુલના કરવામાં આ મૂલ્ય કે આંકડા કામ લાગે છે. જેમકે જો આપણી પાસે માહિતી હોય કે દેશમાં આયોજનની શરૂઆતમાં ઘઉંનું ઉત્પાદન, ચોખાનું ઉત્પાદન, બાજરીનું ઉત્પાદન કેટલું હતું અને હવે કેટલું થાય છે તો આપણે ખેતીમાં શું પ્રગતિ કરી તે જાણી શકીએ.

એવી જ રીતે દેશમાં વીજળીનું ઉત્પાદન, સીમેન્ટનું ઉત્પાદન, લોખંડ-પોલાદનું ઉત્પાદન વગેરે આંકડા હોય તો ઔદ્યોગિક ક્ષેત્રે શું મેળવ્યું તે નક્કી થઇ શકે અને આ જ રીતે સેવા ક્ષેત્રમાં બેન્કીંગ વીમો શિક્ષણ આરોગ્ય સુવિધા અને તેનો વપરાશ કરનારાના આંકડા મળે તો સર્વિસ સેક્ટરની પ્રગતિનું મૂલ્યાંકન થઇ શકે.ટૂંકમાં આપણી સાથે જ આપણી તુલના સમયના બિંદુએ કરી શકાય. બીજો લાભ એ અન્ય સાથે તુલનાનો છે.ઉત્પાદનોના આંકડા મેળવી આપણે બીજાં રાષ્ટ્રોની સરખામણીમાં કેવાં છીએ તે માપી શકાય છે.

સમયના ચોક્કસ ગાળામાં અન્ય દેશોમાં ઉત્પાદન કઈ રીતે કેટલા પ્રમાણમાં વધ્યું અને ક્યા ક્ષેત્રમાં કેટલું કામ થયું તેનો તુલનાત્મક અભ્યાસ થઇ શકે છે. આવા આંકડાના આધારે જ દુનિયાના દેશોનો આર્થિક સમૃદ્ધિ મુજબ ક્રમ નક્કી થાય છે. હમણાં જ આપણે જાહેર કરેલું કે ભારત દુનિયાની સાત મોટા અર્થતંત્રમાં એક છે અને હવે તે ચોથા સ્થાને છે. ભારત હવે ત્રિલિયન ડોલર ઈકોનોમીમાં સામેલ છે. ટ્રીલીયન એટલે એક લાખ કરોડ અને ભારત પાંચ લાખ કરોડ ડોલરના કુલ મૂલ્યની ઈકોનોમી બનવાની ઈચ્છા રાખે છે.( ફાઈવ ટ્રીલીયન ડોલર ઈકોનોમી ) અને એક ડોલર એટલે સાઈઠ રૂપિયા ગણો તો ત્રણસો લાખ કરોડની ઈકોનોમી આપણું લક્ષ છે.
ફાયદો કોને થાય?
ઘણાને પ્રશ્ન એ થાય કે ભારત આ ફાઈવ ટ્રીલીયન ડોલર ઈકોનોમી બને તો ફાયદો કોને થાય? તો આ તમામ જિજ્ઞાસુઓને જણાવવાનું કે આ આંકડો પરિણામ બતાવે છે. મતલબ દેશમાં આટલું ઉત્પાદન થાય પછી તે આંકડો બને. મતલબ ફાયદો થાય પછી નોંધાય.નોંધાય પછી ફાયદો ન થાય, એટલે જો દેશમાં ખેત ઉત્પાદન વધે, ઔદ્યોગિક ઉત્પાદન વધે, સેવા ક્ષેત્ર મોટું થાય તો વાર્ષિક ઉત્પાદન મૂલ્ય વધે.એટલે ખરેખર જો અર્થતંત્ર પ્રગતિ કરતું હોય અને પ્રગતિના ભાગ રૂપે જો જી. ડી. પી. વધે તો પહેલાં પ્રજાનું જીવનધોરણ સુધરે અને પછી જી. ડી. પી. નો આંકડો સુધરે, પણ જો જી. ડી. પી. નો આંકડો ઉપર જતો હોય અને પ્રજાનું જીવન કથળતું હોય તો નક્કી કોઈ ગરબડ છે, જે પ્રક્રિયા કરતાં પરિણામ જુદાં આપે છે.
શું જી. ડી. પી. ખોટી હોય?
આમ તો આંકડો કદી જુઠ્ઠું બોલે નહીં.આંકડાઓ રાજરમત કે રાજકારણ જાણતા નથી, માટે જ બેકારીનો દર, ખેડૂત આત્મહત્યાનો દર, બાળમૃત્યુ દર, આ બધા અર્થતંત્રની પોલ ખોલી નાખે છે.
પણ જ્યારે એકસો ત્રીસ કરોડની વસ્તી ધરાવતા દેશમાં આખા વર્ષ દરમિયાન થયેલી તમામ આર્થિક પ્રવૃત્તિના મૂલ્યને માપવાનું હોય તેના સરવાળા કરવાના હોય અને તેની સરેરાશ કાઢવાની હોય તો સતર્ક રહેવું પડે અને કુલ આંકડા તથા સરેરાશ પર કોની અસર વધુ છે તે જોવું પડે. આ કામ માત્ર જાણકારો કરી શકે, સામાન્ય માણસ તો આમાં ફસડાઈ જ પડે જેમ કે બજારમાં એક કોમ્પ્યુટર વેચાય તો એની કિંમત ત્રીસથી પચાસ હજાર સરેરાશ હોય તે ચોપડે નોંધાય એટલે એક કોમ્પ્યુટરનું વેચાણ રાષ્ટ્રીય આવકમાં ત્રીસ હજારનો ફાળો આપે. હવે એક ખેડૂતને આટલો જ ફાળો આપવા માટે કેટલા ઘઉં વેચવા પડે? અછતના અર્થશાસ્ત્રમાં હમેશાં ઔદ્યોગિક વસ્તુઓ, ખેતની વસ્તુઓ કરતાં વધુ જ મહત્ત્વ મેળવે અને સેવા ક્ષેત્ર તો અદ્ભુત આવકો મેળવે, જે ખેત ઉત્પાદનો કરતાં ક્યાંય આગળ રહે જેમકે દાયરાનો એક કલાકાર એક દિવસના લાખો રૂપિયા લે. આટલા રૂપિયા કમાવા માટે ખેડૂત કેટલું ઉત્પાદન વેચે? માટે જ આવકો કરતાં ઉત્પાદનના સીધા આંકડા જ વધારે અગત્યના અને આંકડા ઉપર ભરોસો તો જ રખાય. જો તે ખરેખર નોંધાયા હોય, પ્રામાણિકતાપૂર્વક ભેગા થયા હોય.ભારતમાં વર્ષો સુધી અભણ, ગરીબ અને ગરમીની પ્રજાના આર્થિક વ્યવહારોનું મૂલ્ય જાણી શકાયું જ નથી માટે આપણી ખરી પ્રગતિ નોંધાઇ શકી નથી.
એક વાત એ પણ યાદ રાખવાની કે દેશની કુલ આવકની તુલના કરવામાં દેશની વસ્તીનું માપ પણ યાદ રાખવું.અત્યારે જ જુવો, દેશમાં બે ત્રણ મહિનાના લોકડાઉન પછી અર્થતંત્ર ખૂલે ત્યારે દેશમાં માત્ર પડવા આખડવાથી બે ત્રણ કરોડ મોબાઇલ નવા ખરીદવાના થાય અને સ્કુલો બંધ હોવાથી ઓનલાઈન શિક્ષણ માટે પાંચ સાત કરોડ માબાપને મજબૂરીથી સ્માર્ટ ફોન ખરીદવા પડે, તો દુનિયાના ઘણા દેશોની કુલ વસ્તી જેટલી માંગ બજારમાં થાય, માત્ર અમેરિકાની તુલનામાં જુવો તો અમેરિકાની પંદરથી વીસ ટકા વસ્તી જેટલી માગ થઇ કહેવાય. દોઢ બે કરોડની વસ્તીવાળા દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં આટલી ખરીદીથી એકથી બે ટકાનો વધારો થઇ જાય.
મોટા પ્રોજેકટોની મોટી અસર. નાના લોકોની નાની અસર.
જી. ડી. પી. દ્વારા ચર્ચામાં એક વાત યાદ રાખવી કે તે આર્થિક અસમાનતા નથી બતાવતી, એ તમારે પોતે જોવી પડે છે. દેશના બે ત્રણ ટકા ઉદ્યોગપતિઓ જો હાજર કરો ખુના પ્રોજેકટ ચાલુ કરે. સરકાર બુલેટ ટ્રેન મેટ્રો ટ્રેન સીપ્લેન જેવા મેગા પ્રોજેકટમાં રોકાણ કરે તો વાર્ષિક રાષ્ટ્રીય ઉત્પાદન પર આ મોટાં રોકાણોની અસર દેખાય અને એની સામે કરોડો ખેડૂતોનું લાખો ટન ઉત્પાદન નિષ્ફળ જાય. પેદાશોના ભાવ ન મળે તો એની તકો અસર માંડ દેખાય એટલે એક બાજુ સોનાનો ભાવ આસમાને હોય, શેર બજાર તેજીમાં હોય, છતાં આર્થિક વૃદ્ધિ દરમાં એકાદ ટકો પણ ઘટાડો થાય તો તે ચોક્કસ લાખો લોકોએ રોજી ગુમાવી હશે. કરોડો ખેડૂતોએ કંઈ ગુમાવ્યું હશે તે સાબિત કરે છે કારણકે ખેતીની આવકની જેમ ખેતીના વ્યાપક નુકસાનની જી. ડી. પી.માં ખૂબ નાની નોંધ થાય છે, ઓછી અસર થાય છે. જેમ કોઈ બાળકના પરિણામમાં તમે ટકા પૂછો તો કહેશે કે ફર્સ્ટ ક્લાસ છે પણ માર્ક સહિત જુવો તો ખબર પડે કે ભાઈને ચિત્ર રમત ગમત વગેરેમાં નેવું માર્ક છે અને સમાજ વિદ્યા ગણિત વિજ્ઞાનમાં પાસીંગ માર્ક છે. બસ આવી જ રીતે ટેલિફોન કમ્પની ફિલ્મો ટેલિવિઝન કે શહેરી ધનિકોને લગતા ક્ષેત્રમાં અબજો રૂપિયાની હેરફેર થઇ હોય તો તે ખેતીના લાખો વ્યવહારોને એક ઝાટકે બેઅસર કરી દે
માટે ભારતમાં અત્યારે જી. ડી. પી. ઘટી છે તેને આગળ કરી સરકારની ટીકા કરીશું તો આવનારા સમયમાં આપોઆપ જી. ડી. પી. વધશે ત્યારે સરકાર આ અમે કર્યું, અમે કર્યું કરીને ઉત્સવ મનાવશે, માટે આકસ્મિક સ્થિતિને બાદ કરતાં દેશનું અર્થ તંત્ર કઈ રીતે વર્તે છે તે જોવાનું રાખો અને દેશની આર્થિક સ્થિતિ માપવાનો શ્રેષ્ઠ રસ્તો આપણી અને આપણી આજુબાજુની આર્થિક હાલત પર નજર રાખવાનો છે.શું આપણી થાળીમાં રોટલી સુરક્ષિત થઇ? આપણો ધંધો આશાસ્પદ બન્યો, આપણું જીવનધોરણ સુધર્યું? બાકી જી. ડી. પી. નું તો એવું છે કે તમે લીલાછમ ઝાડને કાપી લાકડાં વેચી મારો તો રાષ્ટ્રીય આવક વધે, કારણ તમને લાકડું વેચ્યાની આવક થઇ, પણ તમે તમારા આંગણામાં વૃક્ષ ઉગાડો તો તે રાષ્ટ્રીય આવક વધારતા નથી ( હા, એ વૃક્ષો કાપીને વેચશો ત્યારે જરૂર આવક વધશે ..દેશમાં જ્યાં દારુબંધી નથી તેવાં રાજ્યોમાં દારૂના વેચાણથી રાષ્ટ્રીય આવક વધે છે, પણ જો તમે લોકોને મફત જમાડો તો એ રાષ્ટ્રીય આવકમાં ઉમેરો નહિ કરે. ઘરે ઘરડાં મા બાપ પોતાના પુત્ર પુત્રીનાં બાળકો સાચવે તો એ રાષ્ટ્રીય આવકમાં વધારો કરતાં નથી, પણ જો એ જ બાળકોને સાચવવા બેબી સીટર રખાય અને તેને પગાર ચૂકવાય તો તે જી. ડી. પી. માં ગણાય છે …આઈ કુછ બાત સમજમેં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top