સંતરામપુર: કડાણા ડેમના કેચમેનટ એરીયામાં પુરતો વરસાદ નહીં થતાં અને નદી, નાળા, કોતરો, ચેકડેમો, માછણનાળા તથા તલાવોમાં પાણી ભરાયેલા નથી. નદીમાં પણ પુર આવેલું નથી. રાજસ્થાન બજાજ સાગર ડેમ પણ ઓવરફ્લો નહીં થતાં તે પાણી પણ નહીં આવતાં કડાણા ડેમમાં પાણીની આવક પુરતી નહીં થતાં કડાણા ડેમ માં હાલ પાણીની સપાટી માત્ર 384 ફુટ 11 ઈંચ જોવા મળી રહી છે.
કડાણા ડેમમાં પાણીની સપાટી ઓછી હોવાથી ડેમનું પાણી કડાણા હાઇડ્રો પાવર પ્રોજેક્ટને આપવાનું હાલ બંધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વિવિધ કેનાલોમાં પણ પાણી છોડવાનું બંધ કરાતાં હાલ ખેડુતોને ખેતી માટે સિંચાઇના પાણીની જરૂર હોવા છતાં પણ સિંચાઇ વિભાગની નિષ્કાળજીને કારણે મહીસાગર જિલ્લાના ખેડૂતો કડાણા ડેમના સિંચાઇના પાણીથી વંચિત રહ્યાં છે.
મહીસાગર જિલ્લાના ખેડૂતો એ તેમની ખેતી માટે સિંચાઇનું પાણી મેળવવા માટે અરજી ફોર્મ ભરેલાને જરુરીયાત મુજબના પાણીની ડિમાન્ડ કરેલીને તે માટેની જરૂરી નાણાં પણ ખેડુતોએ એડવાન્સમાં ભરેલા છે. આમ જે જે ખેડુતોએ સિંચાઇના પાણીની ડીમાન્ડ કરેલા અને તે માટેના એડવાન્સ નાણાં પણ સિંચાઇ વિભાગની કચેરીમાં ભરેલા હોવા છતાં પણ ડેમના સત્તાધીશો દ્વારા ખેડૂતોની સિંચાઇના પાણીની ડીમાન્ડ મુજબ નો પાણીનો જથ્થો રિઝર્વ નહીં રાખતા રોષ ભડક્યો છે. કડાણા ડેમનું પાણી કડાણા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ દ્વારા નદીમાં જવા દીધું અને મહીસાગર જિલ્લાના ખેડૂતોના ભોગે અન્ય જીલ્લાને સિંચાઇનું પાણી આપીને મહીસાગર જિલ્લા તથા મહીસાગર જિલ્લાના ખેડૂતોને અન્યાય કર્યો છે. સિંચાઇ વિભાગની નિષ્કાળજીને કારણે મહીસાગર જિલ્લાની પરિસ્થિતિ ઘરના છોરા ઘંટી ચાટેને અન્યને આટો તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
કડાણા ડેમમાં હાલ પાણીની સપાટી રુલ લેવલ મુજબ 416 ફુટ હોવી જોઈએ. જેની સામે હાલ કડાણા ડેમમાં પાણીની સપાટી માત્ર 384 ફુટ 11 ઈંચ જ જોવા મળે છે. આમ કડાણા ડેમમાં પાણીની સપાટી અંદાજે 31 ફુટ જેટલી તેના રુલ લેવલ થી ઓછી હોઈ અને ડેમમાં પાણી 50 ટકાથી પણ ઓછું સંગ્રહ થયેલું જણાય છે.હાલ ડેમ માંથી સદંતર પાણી છોડવાનું બંધ કરાતાં ડેમમાં ચોવીસ કલાકમાં માત્ર બે ઈંચ જેટલી પાણી ની સપાટી વધતી જોવા મળે છે.
કડાણા ડેમમાં પાણીની સપાટી ઓછી હોવાથી ડેમ આધારીત બનેલા પીવાનાં પાણીની જુથ પાણી પુરવઠા યોજના હેઠળ અપાતાં પાણીની વિતરણની વ્યવસ્થા પર પણ અસર થાય તેવો ભય ઊભો થયો છે. કડાણા ડેમમાંનું પાણી ભવિષ્યની પરીસ્થીતીનો વિચાર કર્યા વગર આડેધડ કડાણા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ દ્વારા નદીમાં છોડીને અન્ય જીલ્લાને અપાતાં આ પરિસ્થિતિ નિર્માણ પામી હોવાનો સૂર ઉઠ્યો છે.