National

મેટાની ટ્રાન્સલેશનમાં ભારે ભૂલ, લખ્યું- કર્ણાટકના CM હવે નથી રહ્યા, સીએમએ મેટાને ફરિયાદ કરી

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઓટો ટ્રાન્સલેશન ફીચરથી નારાજ થયા છે. તેમનું કહેવું છે કે કન્નડ ભાષાની અયોગ્ય ટ્રાન્સલેશનને કારણે લોકોને ભ્રમિત થવા જેવી સ્થિતિ ઉભી થઈ છે.

શું છે મામલો? :

આ મામલો તા.15 જુલાઈનો છે, જ્યારે સિદ્ધારમૈયાએ અભિનેત્રી બી સરોજા દેવીના અવસાન પર શોક વ્યક્ત કરતા ટ્વિટર (હાલ X) પર કન્નડ ભાષામાં એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું કે, “અમે બહુભાષી સ્ટાર બી સરોજા દેવીને શ્રદ્ધાંજલિ આપી.” તેમજ અભિનેત્રીના ફોટાને પુષ્પાંજલિ અર્પણ કરતાં દેખાઈ રહ્યા હતા.

હવે, મેટાના ઓટો-ટ્રાન્સલેશન વિકલ્પ દ્વારા જ્યારે પોસ્ટ પર કન્નડ ભાષામાં લખાયેલો મેસેજ અંગ્રેજીમાં અનુવાદ થયો, ત્યારે એમાં લખાયું કે “Chief Minister of Karnataka has passed away”. આ મોટી ભાષાંતર ભૂલને કારણે સોશિયલ મીડિયા પર ભારે કન્ફ્યૂઝન સર્જાયું હતું.

આ ઘટના બાદ મુખ્યમંત્રીએ મેટાને સત્તાવાર રીતે પત્ર લખ્યો હતો. પત્રમાં કહ્યું હતું કે મેટાનું ટ્રાન્સલેશન ટેક્નોલોજી અર્ધપક્વ છે અને ઘણીવાર ખોટા અર્થ નિર્માણ કરે છે, જે ખાસ કરીને રાજકીય નેતાઓના સંદર્ભમાં ગંભીર અસરો પેદા કરી શકે છે. મુખ્યમંત્રીના મીડિયા સલાહકાર કેવી પ્રભાકરે લખ્યું કે, “કન્નડથી અંગ્રેજી ઓટો ટ્રાન્સલેશન ઘણીવાર અસત્ય, ગેરમાર્ગે દોરનારું અને મૂંઝવણ ઊભી કરનારું હોય છે.”

તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો કે લોકો ઘણીવાર ઓટો-ટ્રાન્સલેટેડ મેસેજને સાચું માને છે, જેના કારણે તથ્યોમાં ભ્રમ પેદા થાય છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે જ્યાં સુધી મેટા તેની ભાષાંતર વ્યવસ્થામાં સચોટતા ન લાવે, ત્યાં સુધી કન્નડ ભાષાના ઓટો ટ્રાન્સલેશનને બંધ કરવામાં આવે.

તા.17 જુલાઈએ X (મેટા)એ આ ભૂલ સુધારી હતી અને ટ્રાન્સલેટેડ ટેક્સ્ટમાં ફેરફાર કર્યો હતો. છતાં, રાજ્ય સરકારની માગ છે કે કેવળ આ એક કિસ્સો નહીં પણ ફરીથી આવું ન બને એ માટે ટેકનોલોજી સુધારવી જરૂરી છે.

Most Popular

To Top