Charchapatra

દર્દી સારો કેવી રીતે થાય?

ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના પુત્ર અનુજને માંદગીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. છેલ્લા સમાચાર પ્રમાણે તેમની તબિયત હવે સુધારા પર છે અને તે માટે રાજ્યમાં ઠેરઠેર શીવ મંદિરોમાં દાદાના પુત્ર જલ્દીથી સાજા થઈ જાય તે માટે અભિષેક તથા પૂજા કરવામાં આવી હતી તેને કારણભૂત ગણવામાં આવે છે. આ વાત આ લખનારની દ્રષ્ટિએ બરાબર એટલા માટે નથી કે કોઇપણ દર્દી સાજો થાય તો તેને માટે ડોકટરે આપેલી સારવાર કારણભૂત હોય છે. દર્દીને સારા થવા માટે પ્રાર્થના કરવી તેમાં કશું ખોટું નથી પણ દર્દી પ્રાર્થના કરવાને લીધે સારો થયો એવું માનવું ભૂલભરેલું ગણાવું જોઈએ.

ઘણી વખત એવું બને છે કે ડોકટરે પણ દર્દીના સારા થવાની આશા છોડી દીધી હોય છે તેવા સંજોગોમાં પ્રાર્થના કરવામાં આવે અને પછી દર્દી સારો થાય તો તે પ્રાર્થનાને લીધે નહી પણ અગાઉ ડોકટરે જે સારવાર આપી હતી તેની અસર મોડી થવાને લીધે સારા થવામાં થોડો વધુ સમય લાગ્યો હોય. ભલેને ડોકટરે પણ દર્દીના સારા થવાની આશા છોડી દીધી હોય. દર્દીના સારા થવા માટે પ્રાર્થના કરવી તેમાં કશું ખોટું નથી પણ દર્દી પ્રાર્થના કરવાને લીધે સારો થયો એવું માનવું ભૂલભરેલું છે તેમાં બેમત ન હોય શકે.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ભુખ્યાને ભોજન
રસ્તા પર રઝળતા કેટલાય લોકોને બે ટંકનું ખાવાનું નથી મળતું. તો એક અભિયાન શરૂ થઈ શકે. એક બે –  એવી જગ્યા પસંદ કરો જ્યાં આવા લોકોને ભેગા કરી શકાય. શહેરમાં એ પોઈન્ટને એક નામ આપી એક સેવાભાવી પ્રવૃતી ચાલુ કરો. તમારે ઘરે કોઈ પ્રસંગ હોય, કોઈ જમવા આવ્યું હોય, તમે હોટલમાં જમવા આવ્યું હોય, તમે હોટલમાં જમવા ગયા હોય તેમાં જે પણ ખાવાનું બચે છે તેને આ જરૂરત મંદ સુધી પહોંચાડીને એમનો પેટનો ખાડો પુરવાની ઝુંબેશ ચલાવવી જોઈએ. જેથી આવા ભુખ્યા લોકોને શોધવા નહીં પડે. અન્નનો બગાડ કરવા કરતા કોઈનું પેટ ભરાય આનાથી વધારે પૂણ્ય કોઈ નથી. અભિયાનને અમલમાં મુકી પોતાની ફરજ અપનાવો.
સુરત     – તુષાર એમ. શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top