સુરત: સુરતના (Surat) ચકચાર ગ્રીષ્મા મર્ડર કેસમાં (Grishma Murder Case) સુરતની કોર્ટે આરોપી ફેનિલને ગુરુવારે ફાંસીની સજા સંભળાવી હતી. ગ્રીષ્માના પરિવારે આજે રામધૂન અને પોલીસ અધિકારીઓના સન્માનનો કાર્યક્રમ યોજ્યો હતો. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ગ્રીષ્માના પરિવારને મળવા આવી પહોંચ્યા હતા. તેમણે ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ આપી હતી. અને પરિવારને સાંત્વના પાઠવતા કહ્યું હતું કે મેં જે વાયદો કર્યો હતો તે આજે પૂર્ણ કર્યો છે. રાજ્યમાં અપરાધીઓ સામે કડક હાથે કામ લેવાશે. કાર્યક્રમ દરમિયાન કાળજા કેરો કટકો ગીત વાગતા હર્ષ સંઘવી પોતાના આંસુ રોકી ન શક્યા હતા. તેમણે પરિવારને સાંત્વના પાઠવી હતી.
હર્ષ સંઘવી ગ્રીષ્માના પરિવારને મળીને ભાવુક થયા ગયા હતા. તેમણે ગ્રીષ્માની દાદીના આંસુ લૂછ્યાં હતા. અને કહ્યું હતું કે બહેન અને દીકરીઓ પર નજર બગાડનારાઓને છોડવામાં આવશે નહીં. વધુમાં તેમણે કહ્યું કે બહેનોને કોઈપણ સમસ્યા હોય તો સમાજની ચિંતા કર્યા વગર પોલીસનો સંપર્ક કરજો. ગુજરાત પોલીસ હંમેશો તમારી પડખે છે. આ સાથે જ હર્ષ સંઘવીએ માતા-પિતાને એક અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે તમારા દીકરાઓ ક્યાં જાય છે?શું કરે છે? કોને મળે છે? તેનું ધ્યાન રાખો. દીકરાઓની દિવસ દરમિયાની પ્રવૃતિઓને જાણો.
હર્ષ સંઘવીએ કહ્યું કે ગણતરીના દિવસોમાં જ ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીની સજા સંભળાવી એ એક નવો ઈતિહાસ બન્યો છે. સરકાર અપરાધીઓ સામે હંમેશા લાલ આંખ જ રાખશે. આવનારા સમયમાં આવા ગુનાઓ રાજ્યમાં નહીં બને તે માટે ગુજરાત પોલીસ પૂરતા પ્રયત્નો કરશે. હું આજે ગ્રીષ્માનાં માતા પિતાને જે વચન આપ્યું હતું તે પૂર્ણ કર્યું છે. મેં કહ્યું હતું કે ત્યારે જ પાછો ફરીશ જ્યારે ગ્રીષ્માને ન્યાય મળશે.
ગ્રીષ્માને ન્યાય મળવાથી પરિવારે આજરોજ ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજયો હતો. જેમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિત પોલીસ અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગ્રીષ્માની હત્યા બાદ એસઆઈટીની રચના કરવામાં આવી હતી. આ કેસની તપાસમાં 50 જેટલા પોલીસ અધિકારીઓએ દિવસ રાત એક કરીને ગ્રીષ્માના હત્યારા ફેનિલને ફાંસીના માચડે પહોંચાડવા તપાસ કરી હતી. તેથી ગ્રીષ્માને ન્યાય મળ્યા બાદ ગ્રીષ્માના પરિવારે અધિકારોનું સન્માન કરવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. પરિવારે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પણ સન્માન કર્યું હતું.