સાપુતારા : ડાંગ જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો હતો. જેમાં શનિવાર બાદ રવિવારે બપોર સુધી અસહ્ય ગરમીની સાથે બફારો થતા જનજીવન ત્રસ્ત બન્યુ હતુ. જ્યારે શનિવારે રાત્રીનાં અરસામાં અને રવિવારે સાંજનાં અરસામાં ડાંગ જિલ્લાનાં આહવા, બોરખલ, ગલકુંડ, ચીંચલી, સુબિર, બરડીપાડા, ભેંસકાતરી, મહાલ, ઝાવડા, વઘઇ, સાકરપાતળ, સિંગાણા, સાપુતારા, શામગહાન સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.
રવિવારે મોડી સાંજે સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં વરસાદી માહોલ જામતા આંતરીક અને જાહેરમાર્ગો પર પાણીની રેલમછેલ ફરી વળી હતી. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં અમુક ખેડૂતોનાં ડાંગરનો પાક કાપણીની તૈયારીઓમાં છે. જ્યારે અમુક ખેડૂતોનું ડાંગર કાપણી કર્યા બાદ ખેતરોમા સુકાવા માટે મુકેલું હતુ. જે વરસાદી માહોલમાં પલળી જતા જંગી નુકસાન થયુ હતુ. ચાલુ વર્ષે ડાંગ જિલ્લામાં પાછોતરો વરસાદ ખેડૂતોની સ્થિતિ દયનીય બનાવે તેવા સંકેતો આપતા ખેડૂતો વિમાસણમાં મુકાયા છે. ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી માહોલ બાદ સમયાંતરે ગાઢ ધુમ્મસીયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બની જવા પામ્યુ હતુ.
ગિરિમથક સાપુતારા સહીત તળેટીય વિસ્તારમાં ધુમ્મસીયા વાતાવરણનાં પગલે વાહનચાલકોએ વાહનોની સિગ્નલ અને હેડલાઈટ ચાલુ રાખી હંકારવાની નોબત ઉઠી હતી. ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બનતા ફરવા આવેલા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો. ડાંગ જિલ્લાનાં ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સાપુતારા પંથકમાં 12 મીમી, આહવા પંથકમાં 32 મીમી અર્થાત 1.28 ઈંચ, સુબિર પંથકમાં 34 મીમી અર્થાત 1.36 ઈંચ, જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 53 મીમી અર્થાત 2.12 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
વલસાડમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો
વલસાડ, વાપી : વાપી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક દિવસોથી વરસાદી માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે. ગઈકાલ બાદ આજે રવિવારના રોજ સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે બપોરના સમયે વરસાદી ઝાપટાઓ પડ્યા હતાં. ત્યારબાદ સમી સાંજે સાડા પાંચ વાગ્યાની આસપાસ ધૂંધળુ વાતાવરણ રહ્યું હતું. વરસાદી માહોલને લઈ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, જ્યારે રાહદારીઓ અને વાહનચાલકોએ છત્રી-રેઈનકોટનો ઉપયોગ કરવો પડ્યો હતો. વલસાડમાં ગત મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. જે આકાશમાં પડેલી વીજ મોબાઇલમાં કેદ થઈ હતી.
દાનહમાં ભાતના પાકને નુકસાનની ભીતિ
સેલવાસ : દાનહમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ભાતના પાકને ભારે નુકસાન થવાની ભીતિ ઉભી થઈ છે. આ મૌસમના ભારે વરસાદે ખેડુતોની ચિંતા વધારી દીધી છે, ખાસ કરીને તે સમય દરમિયાન જ્યારે ભાતના પાક કાપણી માટે તૈયાર હતો. કૃષિ નિષ્ણાતોના મતે, જો વરસાદ ચાલુ રહેતો રહેશે તો પાકમાં ફૂગની બિમારીઓ અને પાણી ભરાવાના કારણે પાકનો ઉત્પન્ન વધતા નુકસાનમાં ફેરવાઈ શકે છે. ખેડૂતોનું કહેવું છે કે સતત વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે અને છોડ નિરસ થઈ રહ્યા છે. આખા વર્ષ માટે ભાતના પાક પર આધાર રાખનાર, આ સમય દરમિયાન આવતી કુદરતી આફતો અમને મોટા આર્થિક નુકસાનનો સામનો કરાવે છે.
ગણદેવીમાં 2 ઇંચ અને વાંસદામાં 1 ઇંચ વરસાદ નોંધાયો
નવસારી : નવસારી જિલ્લામાં અવનવું જોવા મળી રહ્યું છે. જિલ્લામાં સવારે ગરમી પડી રહી છે. તો સાંજે વરસાદ પડી રહ્યો છે. જેથી રાત્રે ઠંડી જેવો માહોલ વર્તાઈ રહ્યો છે. જિલ્લામાં ગણદેવીમાં 2 ઇંચ અને વાંસદામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.
નવસારી જિલ્લામાં થોડા દિવસો પહેલા વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસવાનું શરૂ થયું હતું. જેથી નવરાત્રીના દિવસોમાં સાંજના સમયે વરસાદ પડતા ખેલૈયાઓ ચિંતામાં મુકાયા હતા. જોકે હવે નવરાત્રી પૂર્ણ થઇ ગઈ છે. ત્યારે વરસાદ પણ સાંજના સમયે પડી રાત્રે બંધ થઇ જતો હતો. જેથી ખેલૈયાઓ બિન્દાસ્ત થઇ ગરબાના તાલે ઝૂમ્યા હતા. પરંતુ આ સમગ્ર દિવસો દરમિયાન નવસારી જિલ્લામાં અવનવું જોવા મળ્યું હતું. નવસારી જિલ્લામાં ગત રોજ સાંજે પણ વરસાદ પડ્યો હતો. જોકે રાત્રે બંધ થઇ ગયો હતો. જ્યારે આજે ચીખલી, વાંસદા અને ખેરગામમાં વરસાદ પડ્યો હતો. ગત શનિવારે સાંજે 6 વાગ્યેથી રવિવારે સાંજે 6 વાગ્યે સુધી, ગણદેવી તાલુકામાં 51 મી.મી. (2.1 ઇંચ), વાંસદા તાલુકામાં 27 મી.મી. (1.1 ઇંચ), ખેરગામ તાલુકામાં 20 મી.મી. (0.8 ઇંચ), નવસારી તાલુકામાં 15 મી.મી. (0.6 ઇંચ), ચીખલી તાલુકામાં 4 મી.મી. અને જલાલપોર તાલુકામાં 1 મી.મી. વરસાદ નોંધાયો છે.