વલસાડઃ વલસાડ હાઇવે પર કહેવાતી બ્રાન્ડેડ કંપની અજફાન ડેટ્સ એન્ડ નટ્સના આઉટલેટમાંથી ખરીદાયેલી અખરોટમાંથી ઇયળો નિકળવાની ઘટનાનો વિડિયો સોશ્યલ મિડિયા પર વાઇરલ થયો છે. જેને લઇ બ્રાન્ડેડ કંપનીના શોરૂમની ક્વોલિટી પર અનેક સવાલો ઉઠ્યા હતા. તેમના ગ્રાહકે આ વિડિયો સોશ્યલ મિડિયા પર વાઇરલ કરી બ્રાન્ડેડ કંપનીની પોલ ખોલી દીધી હતી. જેને લઇ ફૂડ સેફ્ટી વિભાગ પણ દોડતું થયું છે. તેમણે 2 કિલો અખરોટનો જથ્થો નાશ કરાવી દીધો હતો.
- સોશ્યલ મિડિયા પર વિડિયો ફોટો વાઇરલ થતાં બ્રાન્ડેડ શોરૂમની ક્વોલિટી સામે અનેક સવાલો ઉઠ્યા
વલસાડના એક રહીશે અજફાન ડેટ્સ એન્ડ નટ્સમાંથી મોટા પ્રમાણમાં સુકામેવા લીધા હતા. જોકે, આ ખરીદી પછી તેઓ ભારોભાર પછતાઇ રહ્યા છે. તેમણે ખરીદેલા સુકા મેવા પૈકી અખરોટના પેકેટમાંથી અખરોટ ખોલીને તેને ફોડીને જોતાં તેમાંથી મોટી સંખ્યામાં ઇયળો જોવા મળી હતી. અનેક અખરોટમાં આવી ઇયળો જોવા મળતાં ગ્રાહકે અજફાન ડેટ્સ એન્ડ નટ્સના આઉટલેટ પર જઇ તેની ફરિયાદ કરી હતી.
જોકે, તેણે આ અખરોટના ફોટો સોશ્યલ મિડિયા પર પણ વહેતા કરી દીધા હતા. આ સંદર્ભે તેમણે ફૂડ સેફ્ટી વિભાગમાં ફરિયાદ કરવાનું ટાળ્યું હતુ. જોકે, તેના ફોટો સોશ્યલ મિડિયા પર વાઇરલ થતાં ફૂડ સેફ્ટી વિભાગે તેની તપાસ હાથ ધરી છે.
આ સંદર્ભે ફૂટ સેફ્ટી વિભાગના વળવીએ જણાવ્યું કે, વિડિયો મળતા અજફાન ડેટ્સ એન્ડ નટ્સમાંથી 1.6 કિલો અખરોટનો જથ્થો નાશ કરાવ્યો હતો. તેમજ ફોડીને રાખેલી અખરોટનો નમૂનો અને ડ્રાય કીવીનો નમૂનો લઇ તેની તપાસ હાથ ધરી હતી.
