ગાંધીનગર: પૂર્વ ભારત (East India) તથા બંગાળના અખાત (BayOfBengal) પરથી ગુજરાત (Gujarat) પર સરકીને આવેલી લો પ્રેશર સિસ્ટમની (LowPressureSystem) અસર હેઠળ ગુજરાતમાં હવે વરસાદનો (Rain) ત્રીજો રાઉન્ડ શરૂ થયો છે. ખાસ કરીને ગીર સોમનાથ, રાજકોટ તથા સુરતમાં અતિ ભારે વરસાદ થયો છે.
મંગળવારે રાત્રિના 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં 151 તાલુકામાં હળવાથી ભારે વરસાદ થયો છે. મંગળવારે સવારે પણ વરસાદ ચાલુ જ છે. ગીર સોમનાથના (GirSomnath) સુત્રાપાડામાં (Sutrapada) જાણે કે આભ ફાટ્યું હોય તેમ 14 ઈંચ વરસાદ થયો છે. જેના પગલે સમગ્ર ધોરાજીમાં (Dhoraji) પણ 12 ઈંચ વરસાદ સાથે જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે. બીજી તરફ હવામાન વિભાગ (WeatherDepartment) અને નિષ્ણાતો આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી રહ્યાં છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આગામી તા.23મી જુલાઈ સુધીમાં રાજ્યમાં સુરત, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિ ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ગાજવીજ સાથે પ્રતિ કલાકના 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાઈ શકે છે. અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
બીજી તરફ નિષ્ણાતો કહે છે કે, બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને આગામી પાંચ દિવસમાં બીજી બે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે. એક બાદ એક રાજ્યના માથા પર પાંચ લો પ્રેશર સિસ્ટમ સક્રિયના લીધે ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના લીધે રાજસ્થાનના દક્ષિણ વિસ્તારમાં સાઈકલોનિક સરક્યુલેશન સક્રિય થયું છે, જેનો છેડો ગુજરાત સુધી લંબાય તેવી શક્યતા છે. જેથી દક્ષિણ ગુજરાતમાં શેર ઝોન સક્રિય થાય તો આગામી ચાર પાંચ દિવસ ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, મંગળવારે સાંજે છ વાગ્યા સુધીમાં રાજ્યમાં સરેરાશ 151 તાલુકામાં હળવાથી ભારે વરસાદ થયો છે. જ્યારે ગીર સોમનાથના સુત્રાપાડામાં 14 ઈંચ, ધોરાજીમાં 12 ઈંચ, કોડિનારમાં 7.5 ઈંચ, જામકંડોરણામાં 7 ઈંચ, વેરાવળમાં 5.4 ઈંચ, ઉપલેટામાં 4.5 ઈંચ, મેંદરડામાં 4 ઈંચ, તાલાલામાં 4 ઈંચ, સુરત સિટીમાં 4 ઈંચ, માળિયા હાટીનામાં 3 ઈંચ, કેશોદમાં 3 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 2.2 ઈંચ, માણાવદરમાં 2 ઈંચ વરસાદ થયો છે. એકંદરે રાજ્યમાં 38 તાલુકા એવાં છે કે જ્યાં 1થી 14 ઈંચ વરસાદ થયો છે.
સુત્રાપાડામાં બપોરના બે વાગ્યાથી રાત્રિના 8 વાગ્યા સુધીમાં એટલે કે 10 કલાકમાં 10 ઈંચ વરસાદ થયો છે. જ્યારે સાંજ પડતાં સુધીમાં 9 ઈંચ વરસાદ થતાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ છે. ધોધમાર વરસાદના પગલે સુત્રાપાડામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયાં છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આભ ફાટ્યુ હોય તેમ 12 ઈંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. બહારપુરા વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. કુંભારવાડા, વડલી ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોરાજીનો બહારપુરા વિસ્તાર બેટમાં ફરેવાયો છે. અહીં મોટા ભાગનાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે. ધોધમાર 9 ઈંચ વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. ધોરાજીના કુંભારવાડા વિસ્તાર, રામપરા વિસ્તાર, બહારપુરા બેટમાં ફેરવાયા છે. શહેરના સ્ટેશન રોડ પર પણ ગોઠણસમા પાણી છે.
રાજ્યમાં 67 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 67 તાલુકામાં હળવાથી ભારે વરસાદ થયો હતો, જેમાં સૌથી વધુ પંચમહાલના જાબુંઘોડામાં 3.2 ઈંચ વરસાદ થયો હતો. રાજ્યમાં કુલ સરેરાશ વરસાદ 52.76 ટકા જેટલો નોંધાયો છે, જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 112.24 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 51.04 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં 41.72 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 70.01 ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 43.51 ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.