Columns

ખુશી પોતપોતાની

એક અમીર ઘરમાં નવું રીનોવેશન કરવામાં આવ્યું અને નવા રીનોવેશન બાદ ઘરમાં બધું જ નવું વસાવવામાં આવ્યું અને અનેક સુંદર વસ્તુઓ, ફર્નીચર, પડદા, ક્રોકરી, વાસણો રીજેક્ટ કરવામાં આવ્યા.ઘરની શેઠાણીએ પોતાના મેનેજરને બોલાવીને બધું જ કાઢી નાખવા કહ્યું. શેઠાણીને પૂછીને મેનેજર સારી વસ્તુઓ પોતાના ઘરે લઇ ગયા.બીજી વસ્તુઓ બીજા નોકર અને ડ્રાઈવરને આપી દીધી.બધા ઘણી સરસ વસ્તુઓ પોતાના ઘરે લઇ ગયા અને ખુશ થયા.

મેનેજરની પત્નીએ નવી વસ્તુ ઘરમાં સજાવી અને પોતાના ઘરની જૂની વસ્તુઓ.,વાસણો,ખુરશીઓ બધું બાજુ પર કાઢ્યું અને વિચાર્યું, આ બધું કાઢી નાખવું પડશે;હવે કંઈ કામનું નથી.તેણે પોતાના ઘરમાં કામ કરતી નોકરાણીને બોલાવીને કહ્યું, ‘આ બધું હવે મને કામનું નથી,તને જે જોઈએ તે લઇ જા અને ન જોઈએ તે ભંગારમાં આપી દેજે.’પોતાના ઘરને નવી ચીજોથી સજાવેલું જોઇને તે ખૂબ ખુશ હતી. નોકરાણી તો જાણે ખજાનો મળ્યો હોય તેમ ખુશ થઈ ગઈ.તેના ઘરમાં બેસવા કંઈ ન હતું.ખુરશીઓ ગોઠવાઈ ગઈ.તૂટેલા ,ગોબા પડેલા એલ્યુમિનિયમનાં વાસણોને સ્થાને સરસ સ્ટીલનાં વાસણો મળ્યાં. તે તો રાજી રાજી થઈને પોતાના નાનકડા એક રૂમના ઘરને સજાવી રહી હતી.તેનું ઘર જાણે નવી સુંદર વસ્તુઓથી ચમકી રહ્યું હતું.તે ખુશ હતી. તેનું ધ્યાન પોતાના જુના ગોબાવાળા તૂટેલાં થોડાં વાસણો પર પડ્યું. તેણે વિચાર્યું, આ ભંગારમાં આપી દઉં. હવે આ નકામું છે.

ત્યાં એક ભિખારી આવ્યો અને પાણી માંગ્યું, નોકરાણીએ પોતાના જુના જુના ગ્લાસમાં પાણી આપ્યું અને જયારે ભિખારીએ ગ્લાસ પાછો આપ્યો ત્યારે તેને કહ્યું, ‘ફેંકી દે નકામો છે ..’એટલે ભિખારીએ પૂછ્યું, ‘તમને નકામો છે તો હું લઇ લઉં??’ નોકરની બાઈએ કહ્યું, ‘હા, અને ઊભો રહે. આ બધા તૂટેલાં અને ગોબાવાળાં વાસણો પણ લઇ જા, ન જોઈએ તે ફેંકી દેજે.’ભિખારી ખુશ થતો બધાં વાસણ પોતાની ઝોળીમાં ભરી ચાલતો થયો, તે છાપામાં કે હાથમાં ખાવાનું રાખી ગંદા હાથે ખાતો હતો. આજે તેની પાસે થાળી વાટકો ગ્લાસ ચમચી બધું હતું.તેથી તે બહુ ખુશ હતો.

કેવી અજબ વાત છે ને..આ વસ્તુઓથી મળતી ખુશીની ….કોઈના માટે જે નકામું છે બીજા માટે તે ખૂબ કિંમતી ખજાના સમ છે અને તેમને આનંદ આપે છે.સુખ શેમાંથી મળે અને ખુશી કઈ ચીજથી અનુભવાય તે દરેકની પોતાની પરિસ્થિતિ પર આધારિત છે. આપણે હંમેશા આપણી નીચેનાં લોકોને જોવા જોઈએ અને ઈશ્વરનો આભાર માનવો જોઈએ. સાથે સાથે તેમને બનતી મદદ કરવી જોઈએ.પરંતુ આપણે આપણાથી ઉપર જોઇને તેમના સુખને જોઇને દુઃખી થઈએ છીએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top