ગાંધીનગર: (Gandhinagar) સાયકલોનિક સરકયૂલેશનની અસર ઘટી જતાં ગુજરાતમાં (Gujarat) હાજા ગગડાવી દે તેવી ઠંડી પડી રહી છે , ખાસ કરીને નલિયા તથા ગાંધીનગર આજે 7 ડિગ્રી ઠંડીમાં (Cold) ધ્રુજી ઉઠયા હતા.7 ડિગ્રી ઠંડીના કારણે ગાંધીનગર સહિત રાજયમાં જનજીવનને અસર થવા પામી છે. ગરમ વસ્ત્રો પણ ઓછા પડી જાય તેવી ઠંડી આજે અમદાવાદ તથા ગાંધીનગર અને નલિયામાં અનુભવાઈ હતી. આજે દિવસભર શીત લહરેની (Cold Wave) અસર જોવા મળી હતી. જેના પગલે અમદાવાદ તથા ગાંધીનગરમાં રાજમાર્ગો પર ટ્રાફિક નહીં વત જોવા મળ્યો હતો. કોરોનાના કારણે રાજયમાં શાળાઓમાં ધો-1થી9માં ઓફલાઈન શિક્ષણ બંધ કરી દેવાઈ છે.
વડોદરા તથા અમરેલીમાં પણ 9 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જેના પગલે આ બન્ને શહેરોમાં પણ લોકોએ ઠંડીનો ધ્રુજારો અનુભવ્યો હતો. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ એવી ચેતવણી આપી હતી કે હજુયે રાજયમાં બે દિવસ માટે ઠંડીનો ચમકારો યથાવત રહેશે. કચ્ચના નલિયામાં એક સાથે 4 ડિગ્રી સુધી ઠંડીનો પારો નીચે ગગડી ગયો હતો. રાજયના અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 9 ડિ.સે.,ગાંધીનગરમાં 7 ડિ.સે.,ડીસામાં 10 ડિ.સે.,વડોદરામાં 9 ડિ.સે.,સુરતમાં 16 ડિ.સે.,ભૂજમાં 12 ડિ.સે.,નલિયામાં 7 ડિ.સે.,અમરેલીમાં 9 ડિ.સે.,ભાવનગરમાં 12 ડિ.સે.,રાજકોટમાં 10 ડિ.સે.,સુરેન્દ્રનગરમાં 11 ડિ.સે.,લધુત્તમ તાપમાન નોંધાયુ છે.
સતત કમોસમી વરસાદનાં પગલે ડાંગી ખેડૂતોનાં શિયાળુ પાક, સ્ટ્રોબેરીને જંગી નુકસાન
સાપુતારા : ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીત તળેટીય વિસ્તાર તથા સરહદીય વિસ્તારનાં ગામડાઓમાં શનિવારે રાત્રીનાં અરસામાં મધ્યમ સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા ડાંગી ખેડૂતોનાં પાકોને જંગી નુકસાન થયુ હતુ. રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં સતત બે દિવસ સુધી વાતાવરણમાં પલટો આવી જતા અહીના સમગ્ર પંથકોનું વાતાવરણ દ્વિભાસી પ્રતિત થયુ હતુ. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શનિવારે મોડી સાંજે અમીછાટણા પડતા વાતાવરણમાં શીત લહેર વ્યાપી જવા પામી હતી. ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહિત તળેટીય વિસ્તારમાં આવેલા ગામડાઓ તથા સરહદીય પંથકોનાં ગામડાઓમાં મોડી રાત્રે મધ્યમ સ્વરૂપેનો કમોસમી વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી. સાપુતારા પંથકમાં થોડાક અરસા માટે પડેલો મધ્યમ સ્વરૂપેનો કમોસમી વરસાદનાં પગલે ડાંગી ખેડૂતોનાં શિયાળુ પાકો સહીત બાગાયતી પાકોમાં ઘઉં, શાકભાજી, સ્ટ્રોબેરીને જંગી નુકસાન થયુ હતુ.
નવસારીમાં મહત્તમ તાપમાન વધુ 1.2 ડીગ્રી ગગડી 13.5 ડિગ્રી નોંધાતા ઠંડી વધી, વલસાડમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી
નવસારી : નવસારીમાં આજે લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. જ્યારે મહત્તમ તાપમાન વધુ 1.2 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીમાં વધારો થયો હતો. જ્યારે વલસાડમાં લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા વાતાવરણમાં ભેજનું પ્રમાણ 79% ટકા રહ્યુ હતું.
નવસારીમાં ગત ગુરૂવારે મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી નોંધાયું હતું. ત્યારબાદ મહત્તમ તાપમાનમાં સતત વધારો થવા માંડ્યો હતો. છેલ્લા ત્રણ દિવસમાં મહત્તમ તાપમાન 9.4 ડિગ્રી ગગડયું છે. જેથી ઠંડીમાં વધારો થયો હતો. આજે નવસારીમાં લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ગગડતા લોકો ઠંડીમાં ધ્રુજ્યા હતા. રવિવારે મહત્તમ તાપમાન 1.2 ડિગ્રી ગગડતા 24.8 ડિગ્રી નોંધાયું હતું. અને લઘુત્તમ તાપમાન 3 ડિગ્રી ગગડતા 13.5 ડિગ્રી નોંધાયું હતું. રવિવારે સવારે ભેજનું પ્રમાણ સવારે 80 ટકા હતું. જે બપોર બાદ ઘટીને સાંજે 33 ટકા જેટલું નીચું રહ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ દિશાએથી 5.9 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતો રહ્યો હતો.