ગુજરાતમાં કોરોનાના મૃતકોને 50 હજારની સહાય આપવાના મામલે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી એટલું જ નહીં એવું નિરીક્ષણ કર્યુ હતું કે તમારા મુખ્યમમંત્રીને કાંઈ જ ખબર પડતી નથી. સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચે 50 હજારની સહાયના મામલે રાજ્ય સરકારના ઠરાવની ટીકા કરી હતી. જેમાં કોરોનાથી દર્દીનું મૃત્યુ થયું છે કે કેમ ? તે ચકાસવા માટે એક સ્ક્રુટિની કમિટી બનાવી હોવાનો ઉલ્લેખ કરાયો હતો.
સુપ્રીમ કોર્ટની ટીકા બાદ રાજ્ય સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એવુ નિવેદન કર્યુ હતું કે કોર્ટના આદેશ મુજબ રાજ્ય સરકારે આરોગ્ય વિભાગ તથા મહેસુલ વિભાગના ઠરાવમાં સુધારા કર્યા છે. અગાઉ સુપ્રીમ કોર્ટે કોરોનાના દર્દીઓના વારસોને જલ્દીથી સહાય ચૂકવવા જિલ્લાવાર સમિતિ બનાવવાનો આદેશ કર્યો હતો. જો કે સરકારે મૃત્યુનું કારણ ચકાસવા માટે સ્ક્રુટિની કમિટી બનાવી હતી.