ગાંધીનગર: (Gandhinagar) રાજય સરકારે યુવા વર્ગનું કોરોના સામે રક્ષણ થાય તે માટે ૧૮થી ૪૪ના વય જુથમાં આવતીકાલથી ૧ લાખ રસીના ડોઝ આપવાનું નક્કી કર્યુ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં (Gujarat) કોરોના રસીકરણ (Vaccination) અંગે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતી રવિ ના માર્ગદર્શનમાં આરોગ્ય વિભાગે આ રસીકરણ પાર પડે તે માટેનું આયોજન કર્યું છે.
રાજ્યમાં 10 શહેરોમાં હાલ ચાલી રહેલી 18 થી 44 વય જૂથના લોકોની રસીકરણ કામગીરીમાં રોજના 30 હજાર ડોઝ આપવામાં આવે છે તે વધારીને આવતીકાલ સોમવાર તા.24 મે થી એક અઠવાડિયા સુધી રોજના ૧ લાખ ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં 18 થી 44 ની વય જૂથના યુવાઓ નું રસીકરણ ઝડપથી અને વ્યાપક પણે થાય તેમજ વધુને વધુ યુવાઓને કોરોના સામેના આ અમોધ શસ્ત્ર એવા રસીકરણનો લાભ મળશે. એક સપ્તાહ સુધી 1 લાખ ડોઝ રસીકરણમાં ઉપયોગમાં લેવાશે. અગાઉ 30 હજાર યુવાઓના રોજ થતા રસીકરણમાં હવે રોજ ના ૧ લાખ યુવાઓને આવરી લેવાશે. આ નિર્ણયને પરિણામે એક અઠવાડિયામાં અંદાજે ૭ લાખ યુવાઓને કોરોના સામે રક્ષણ મળશે.
વધુ 1.68 લાખ લોકોનું રસીકરણ થયુ
રાજયમાં રવિવારે ૧.૬૮ લાખનું રસીકરણ થયુ છે. જેમાં હેલ્થ વર્કરો પૈકી ૧૯૫૭ ને પ્રથમ ડોઝ , હેલ્થ વર્કરો પૈકી ૩૮૯૦ને બીજો ડોઝ , ૪૫ વર્ષથી વધુ ઉમરના ૧૦૭૬૦૯ને પ્રથમ ડોઢ , ૪૫ વર્ષથી વધુ ઉમરના ૧૫૪૫૬ લોકોને બીજો ડોઝ અને ૧૮થી ૪૫ વર્ષ સુધીના ૩૯,૩૩૬ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
૮૭૩૪ દર્દીઓ ડિસ્ચાર્જ કરાયાં, કોરોનાના કુલ કેસો ૭.૮૮ લાખ સુધી પહોચ્યાં
રાજયના આરોગ્ય વિભાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૩૭૯૪ કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદ મનપામાં ૫૪૫ કેસ , વડોદરા મનપામાં ૩૬૭ , સુરત મનપામાં ૨૮૪, રાજકોટ મનપામાં ૧૭૮, જામનગર મનપામાં ૧૦૨, ભાવનગર મનપામાં ૬૯ , જુનાગઢ મનપામાં ૬૮, અને ગાંધીનગર મનપામાં ૩૫ કેસ નોંધાયા છે. જયારે અન્ય જિલ્લાઓમાં ૨૦૮૮ કેસ નોંધાયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં સારવાર દરમ્યાન રાજમાં ૮૭૩૪ દર્દીઓ સાજા થઈ જતાં તેઓને રજા આપી દેવામાં આવી છે. આ સાથે રાજયમાં દર્દીઓનો રીકવરી રેટ ૮૯.૨૬ ટકા થયો છે. અત્યાર સુધીમાં રાજયમાં ૭૦૩૭૬૦ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. સારવાર દરમ્યાન રાજયમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૩ દર્દીઓએ દમ તોડયો છે. જેમાં અમદાવાદ મનપામાં ૭, વડોદરા મનપામાં ૩, સુરત મનપામાં ૨, રાજકોટ મનપામાં ૧, જામનગર મનપામાં ૪, ભાવનગર મનપામાં ૧, જુનાગઢ મનપામાં ૧ દર્દીનુ મૃત્યુ થયુ છે, કોરોનાના કારણે રાજયમાં અત્યાર સુધીમાં ૯૫૭૬ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.