અમદાવાદ: ગુજરાત રાજ્યના (Gujarat Stat) રાજ્યપાલ (Governor) અને ગુજરાત વિદ્યાપીઠ (Gujarat Vidyapith) ના કુલપતિ આચાર્ય દેવવ્રતે અચાનક જ વિદ્યાપીઠની મુલાકાત લીધી, ત્યારે ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં (premises) ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. આથી રાજ્યપાલે જાતે જ અમદાવાદ મનપાના કર્મચારીઓની સાથે મળીને સફાઈ અભિયાન શરૂ કર્યું હતું. જેમાં વિદ્યાપીઠ પરિસરમાંથી 20 ટ્રક ભરીને કચરો (Garbage) કાઢવામાં આવ્યો હતો.
ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતાની બાબતમાં મોટો વિરોધાભાસ
ગાંધીજીના આદર્શો પર ચાલતી ગુજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતાની બાબતમાં મોટો વિરોધાભાસ છે. ઠેર ઠેર ગંદકી અને સમગ્ર પરિસરમાં કચરાના ઢગ ખડકાયા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ બન્યા પછી સ્વચ્છતા મહાઅભિયાનમાં અમદાવાદ મનપાનો પણ સહયોગ લીધો હતો. અત્યાર સુધીમાં 20 ટ્રક ભરીને ટનબંધ કચરો કાઢવામાં આવ્યો છે. આજે પણ આચાર્ય દેવવ્રતે સ્વચ્છતા મહાઅભિયાનનું જાત નિરીક્ષણ કર્યું હતું. જ્યાંથી કચરો ઉપાડ્યો હતો, એ જ સ્થળે આજે તેમણે ફુલ-ઝાડ વાવ્યા હતા.
કચરો દુર કરવા માટે હજુ પણ આ મહાઅભિયાન ચાલુ રખાશે
ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં અત્યારે 30 સફાઈ કર્મચારીઓ અને 15 બાગ-બગીચાના કર્મચારીઓ સહિત એક જેસીબી મશીન, ત્રણ ડમ્પર, એક હાઇડ્રોલિક જેક ટ્રોલી, ટેન્કર, ટ્રેક્ટર પાવડી અને ટ્રેક્ટર ટ્રોલી સહિત 10 જેટલા સાધનોથી મોટા પાયે સફાઈ મહાઅભિયાન ચાલી રહ્યું છે. ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં આવેલા કુમાર વિદ્યાલય, પ્રાણજીવન હોસ્ટેલ ભોજનાલય, નવી અને જૂની અનુસ્નાતક હોસ્ટેલ, એમ. ફીલ. બિલ્ડીંગ સંકુલ અને રમત-ગમતના મેદાનમાંથી 20 ટ્રક જેટલો કચરો કાઢવામાં આવ્યો છે. હજુ પણ આ મહાઅભિયાન ચાલુ રખાશે.
રમતના મેદાનો પર ઘાસ ઉગી નીકળ્યું હતું તેને પણ દુર કર્યું હતું
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત વિદ્યાપીઠની મુલાકાત વેળાએ કહ્યું હતું કે, યુવા વિદ્યાર્થીઓ ભારે ઉર્જાવાન હોય છે. એમની ઊર્જાને સર્જનાત્મક અને હકારાત્મક બાબતો તરફ વાળવી પડે. દરેક યુવાનોએ દિવસમાં બે વખત પરસેવો પાડવો જ પડે, અન્યથા એ નુકસાનકર્તા સાબિત થાય. ગુજરાત વિદ્યાપીઠના રમતગમતના મેદાનો સૂના પડ્યા છે. રમતગમતના એક પણ સાધનો નથી. રમતના મેદાનો પર ઘાસ ઉગી નીકળ્યું હોય એ જ બતાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. પૂજ્ય ગાંધીજીના વિચારો જ્યાં જીવંત છે એ સંસ્થાને આપણે પૂજ્ય ગાંધીજીના વિચારોને અનુરૂપ બનાવવાની છે એમ તેમણે કહ્યું હતું.