Gujarat

રાજ્યમાં ઝડપથી શાળાઓ શરૂ કરવા ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની માંગ

સુરત: (Surat) તાજેતરમાં સરકારશ દ્વારા ટયુશન ક્લાસિસ, સરકારી સ્કૂલો દ્વારા શેરી શાળાઓ, ધાર્મિક સ્થળો, સ્વિમિંગ પુલ, અને ટ્રાવેલ્સની બસો સહીત તમામ વાણિજ્ય વ્યવસાયોને કોવિડ ગાઇડલાઇન અનુસાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ખાનગી શાળાઓના (School) વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સંચાલકોની લાંબા સમયથી શાળાઓ ખોલવા માટેની માંગને કોઇના કોઇ કારણોસર અનદેખી કરવામાં આવી રહી છે. તેના વિરોધમાં સોમવારે ૧૯ જુલાઇના રોજ ગુજરાત રાજયના દરેક જિલ્લા કક્ષાએ શાળા સંચાલકો અને શિક્ષકો (Taechers) સાથે મળી સરકાર સમક્ષ શાળાઓ ખોલવા માટે ઉગ્ર માગ કરશે, જિલ્લા શિક્ષણાધિકારીને (District Education Officer) આવેદનપત્ર આપવાનું જાહેર કરવામાં આવ્યું છે.

આ અંગે ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ જણાવ્યું હતું કે, જે રીતે કોરોનાની બીજી લહેર પહેલા શાળાઓ તબક્કાવાર ખોલવાની મંજૂરી અપાઈ હતી અને જે બાબતને ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા સંચાલકોએ પૂરતી તકેદારી સાથે એક પણ બનાવ ન બને તેની કાળજી રાખીને શરૂ કરી હતી. તે રીતે જયારે હવે કોરોના કાબૂમાં આવ્યો છે અને સરકાર દ્વારા ટયુશન કલાસ, સરકારી શાળાઓ દ્વારા શેરી શાળાઓ, તેમજ અન્ય વેપારી સંસ્થાઓ અને ધાર્મીક સંસ્થાઓને મંજૂરી આપી છે, તો ખાનગી શાળાઓ સાથે આવો અન્યાય શા માટે?

પ્રથમ તબક્કામાં સરકારએ ધોરણ ૯ થી ૧૨ ની શાળાઓને ફરી શરૂ કરવાની તાત્કાલિક મંજૂરી આપવી જોઇએ તેવી માંગણી સંચાલકો દ્વારા કરવામાં આવી છે. ટયુશન કલાસની સરખામણીએ શાળાઓના વર્ગખંડ, શાળાના મકાનો અને સગવડતાઓ સ્વાભાવિક રીતે જ વધારે હોય તેથી ટયુશન કલાસની સરખામણીએ કોવિડ ગાઇડલાઇનનું પાલન વધારે સારી રીતે શાળાઓ કરી શકે છે, પરંતુ શાળાઓને મંજૂરી અપાતી નથી તે આશ્ચર્યજનક છે. તે ઉપરાંત ધોરણ ૯ થી ૧૨ ના વર્ષો અભ્યાસ માટે પણ અગત્યના હોય, તેમનું લગભગ દોઢ વર્ષ જેટલુ પ્રત્યક્ષ શિક્ષણનું નુકસાન થયું છે, તો સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યનો વિચાર કરી અને વધુ વિલંબ ન કરવા અને સત્વરે શાળાઓ શરૂ કરવા દેવા સમગ્ર ગુજરાતના શાળા સંચાલકો અનુરોધ કરે છે. સોમવારને ૧૯ જુલાઇના રોજ તમામ શાળા સંચાલકો સમગ્ર રાજયમાં દરેક જિલ્લા ખાતે આવેદન આપી ઉગ્ર માંગ કરશે. તેમ છતાં જો સરકાર માંગ નહી સ્વિકારે તો આગામી દિવસોમાં શાળા સંચાલકો દ્વારા ઉગ્ર અંદોલનનાં પણ મંડાણ કરાશે.

આ માટે ગુજરાત મહામંડળના પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, ઉપપ્રમુખ જતિનભાઇ ભરાડ, સવજીભાઇ પટેલ, એમ. પી. ચંદ્રન, ઉત્પલભાઇ શાહ, મહામંત્રી રાજેશભાઇ નાકરાણી, સંયોજક મનહરભાઇ રાઠોડ, પ્રવકતા ડો. દિપકભાઇ રાજયગુરુ, રાજકોટ જિલ્લાના પ્રમુખ ડી. વી. મહેતા, કોર કમિટી અને કારોબારી સમિતીના તમામ સભ્યો દ્વારા સરકાર સમક્ષ શાળાઓ શરુ કરવા દેવા ઉગ્ર માંગ કરવામાં આવે છે.

Most Popular

To Top