ગાંધીનગર: (Gandhinagar)હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી (Weather Forecast) કરી છે. આજે ગણેશ વિસર્જનના દિવસે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે સમગ્ર રાજ્યમાં ઓરેન્જ એલર્ટ (Orange Alert) જાહેર કર્યું છે. ગુજરાતમાં (Gujarat) 24.36 ઈંચ સાથે ચોમાસાની (Monsoon) મોસમનો અત્યાર સુધી સરેરાશ 73.67% વરસાદ (Rain) નોંધાઇ ચૂક્યો છે. હવે વરસાદની ઘટ માત્ર 19% છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી ભારે વરસાદની આગાહી કરાતા મોસમની આ ઘટ પણ પૂરી થઈ જાય તો નવાઈ નહીં.
ગુજરાતમાં ફરીથી ધોધમાર વરસાદ (Monsoon) પડે તેવુ વાતાવરણ બંધાયુ છે. બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે ફરીથી લો-પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. જેની સીધી અસર ગુજરાત પર થશે. મધ્ય પ્રદેશ તથા તેના પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદી માહોલની પૂરેપૂરી શક્યતાઓ છે. 19 થી 21 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. આ સંદર્ભે રાજ્યમાં આજથી મંગળવાર સુધી ઓરેન્જ એલર્ટ (orange alert) જાહેર કરવામા આવ્યુ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 21 સપ્ટેમ્બર સુધી અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 101 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. જેમાં દાહોદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. જ્યારે આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીની સ્થિતિમાં 6 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં નવસારી, વલસાડ અને પાટણ જિલ્લાના તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે.
ક્યાં કેટલો વરસાદ થશે
રવિવારે ગણેશ ચતુર્થીના દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સોમવારે ભાદરવી પૂનમના દિવસે, મહીસાગર, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે. મંગળવારે વડોદરા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની પૂરી સંભાવના છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં વરસતા વરસાદમાં ગણેશ વિસર્જન
રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રવિવારે અનંત ચૌદશે વિધ્નહર્તાની વિદાય થઈ હતી. ગુજરાતનાં અનેક વિસ્તારોમાં વરસતા વરસાદમાં લોકોએ ગણપતિનું વિસર્જન કર્યું હતું. અમદાવાદ, વડોદરા, સુરત સહિત મોટા શહેરોમાં વિવિધ સ્થળો પર ગણેશ વિસર્જન કરાયું હતું. વડોદરામાં ભક્તોમાં વરસતા વરસાદમાં પણ વિસર્જન કરવા માટે ઉત્સાહ દેખાયો હતો. અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.