કોરોનાના (COVID-19) કેસ નિયંત્રણમાં આવ્યા બાદ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રિ કરફ્યૂની (NIGHT CURFEW) સમયમર્યાદા ઘટાડી હતી, પરંતુ સોમવારે રાજ્યના મુખ્યમંત્રી પદ પર બિરાજેલા ભૂપેન્દ્ર પટેલ “દાદા” (GUJARAT CM)એ પહેલાં જ દિવસથી આકરાં નિર્ણયો લેવાનું શરૂ કર્યું છે. મુખ્યમંત્રીએ રાજ્યના 8 મોટા શહેરોમાં રાત્રિ કરફ્યૂની સમયઅવધિમાં 1 કલાકનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. તા. 15મી સપ્ટેમ્બરથી અમલમાં મુકાનારા નવા ફરમાન અનુસાર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગરમાં રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધી કરફ્યુ અમલમાં રહેશે. આ નિયમ 15મી સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી લાગુ રહેશે. ત્યાર બાદ પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ આગળનો નિર્ણય લેવાશે.
રાજ્યમાં સરકારનું સુકાન બદલાવા સાથે જ નિયમોમાં પણ ધરમૂળથી ફેરફારો થવા માંડ્યા છે. ગણેશોત્સવમાં ભક્તો ઉજવણી કરી શકે તે માટે તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તા. 9થી 19 સપ્ટેમ્બર દરમિયાન રાત્રિ કરફ્યૂ 11 ના બદલે 12 વાગ્યાથી અમલ કરવાનો નિર્ણય લીધો હતો. રાજ્યની પ્રજા જન્માષ્ટમી અને ગણેશોત્સવની ઉજવણી રંગેચંગે કરી શકે તે માટે ગાઈડલાઈન બહાર પાડી અનેક રાહતો આપવામાં આવી હતી. રાજ્યના 8 મોટા શહેરોમાં રાત્રિ કરફ્યૂનો સમયગાળો રાત્રિના 12થી સવારે 6 કરાયો હતો. આ નિર્ણયને નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલાં દિવસે જ બદલી નાંખ્યો છે. કોરોનાની સ્થિતિ ફરી વકરે તેવો ભય હોય સરકાર દ્વારા રાત્રિ કરફ્યૂની સમયમર્યાદામાં વધારો કરાયો હોવાનું જાણકારો જણાવી રહ્યાં છે.
આ અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના કેસ ઘટતા રાજ્યની પ્રજા ઉત્સવો સારી રીતે ઉજવી શકે તે માટે રાત્રિ કરફ્યૂનો સમય ઘટાડ્યો હતો. રાત્રિના 12 વાગ્યાથી કરફ્યૂ લાગુ કરવાનો નિર્ણય લીધો હતો, જે નવા સીએમ ભૂપેન્દ્ર પટેલે બદલી નાંખતા પ્રજામાં નારાજગી વ્યાપી ગઈ છે. હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે લોકો પાછલા દોઢ વર્ષના દુ:ખ ભૂલી દુંદાળા દેવની પૂજા અર્ચનામાં મગ્ન બન્યા છે. 4 ફૂટની નાની મૂર્તિ મુકીને પણ ભક્તો ખૂબ જ ભાવપૂર્વક અને કોવિડ-19ની માર્ગદર્શિકાનું પાલન કરીને ઉત્સવની સાદાઈથી ઉજવણી કરી રહ્યાં છે, ત્યારે રાજ્ય સરકારે ફરી એકવાર રાત્રિ કરફ્યૂની સમયઅવધિ વધારી દેતાં લોકો નારાજ થયા છે.
રેસ્ટોરન્ટમાં ટેક અવે સેવા ચાલુ રખાશે
રાત્રિ કરફ્યૂ દરમિયાન અગાઉની કોવિડ-19ની માર્ગદર્શિકા અનુસાર આવશ્યક ચીજવસ્તુ અને સેવાઓ રાબેતા મુજબ કાર્યરત રાખી શકાશે. જેમાં મેડીકલ, પેરામેડિકલ તથા તેને આનુષાંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા, ડેરી, દૂધ-શાકભાજી, ફળફળાદી ઉત્પાદન અને વિતરણ તથા વેચાણ ઉપરાંત હોમડિલીવરી, શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ્સ માર્કેટ ચાલુ રહેશે. તે ઉપરાંત કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ તથા ઓનલાઈન સેલીંગ પણ ચાલુ રહેશે. રેસ્ટોરન્ટમાંથી ટેક એવે ફેસેલિટી ચાલુ રહેશે.