અમદાવાદ: પુરષોત્તમ રુપાલાના (PurshottamRupala) વિવાદમાં ક્ષત્રિયો હવે મરણીયા બન્યા છે. આજે તા. 9 એપ્રિલે રાજપૂત (Rajput) સમાજે ભાજપના (BJP) ગાંધીનગર ખાતે આવેલા પ્રદેશ કાર્યાલય કમલમ પર વિરોધ પ્રદર્શનનું (Protest) એલાન કર્યું છે. આજે મોટી સંખ્યામાં ક્ષત્રિયો કમલમ પહોંચે તેવી શક્યતાને પગલે કમલમ બહાર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે, ત્યારે આજે સવારે કમલમ ખાતે વિરોધ પ્રદર્શન કરવા માટે અમદાવાદ પહોંચેલા ગુજરાત કરણી સેનાના (Karni Sena) અધ્યક્ષ રાજ શેખાવતની (Raj Shekhavat) અમદાવાદ એરપોર્ટ (Ahmedabad Airport) પરથી જ અટકાયત (Detain) કરી લેવાઈ હતી.
રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજની મહિલાઓ માટે કરાયેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ક્ષત્રિય સમાજ ગુસ્સે ભરાયો છે. ત્રણથી ચાર વાર રુપાલાએ માફી માંગી હોવા છતાં ક્ષત્રિય સમાજ માફી આપવા તૈયાર નથી. તેઓની એક જ માગ છે કે ભાજપ દ્વારા રુપાલાને લોકસભાની ટિકિટ આપવામાં નહીં આવે. બીજી તરફ ભાજપ રુપાલાની ટિકિટ રદ કરવાના મૂડમાં નથી. તેથી ગુસ્સે ભરાયેલા ક્ષત્રિયો દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે.
ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે 2 વાગ્યે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવવા ક્ષત્રિયો્ને અપીલ કરી છે. આ વિરોધ પ્રદર્શન માટે રાજ શેખાવત આજે સવારે જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. જોકે, એરપોર્ટ પરથી જ પોલીસે તેમને અટકાયતમાં લઈ નજરકેદ કરી લીધા હતા. રાજ શેખાવતને પોલીસ હેડ ક્વાર્ટર લઈ જવામાં આવ્યા હતા.
ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત દરમિયાન શેખાવતની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. તેમજ પોલીસવાનમાં બેસાડવા જતા પોલીસકર્મીથી પાઘડી નીકળી જતા તેઓ ગુસ્સે થયા હતા અને બૂમાબૂમ કરી હતી.