Gujarat

રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગુજરાત હાઈકોર્ટની સુઓમોટો, કહ્યું- આ ‘માનવસર્જિત આપત્તિ’ છે

રાજકોટના TRP ગેમ ઝોનમાં બનેલી હચમચાવી દેનાર દુર્ઘટના અંગે ગુજરાત હાઈકોર્ટની સ્પેશિયલ બેન્ચે રવિવારે ખાસ સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે કહ્યું કે પ્રથમ દૃષ્ટિએ આ ‘માનવસર્જિત આપત્તિ’ છે. રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટનાને લઈને હાઈકોર્ટમાં સુઓમોટોની અપીલ કરવામાં આવી છે. સુઓમોટો અપીલ સાંભળવા એડવોકેટ એસોસિએશનનાં પ્રમુખ બ્રિજેશ ત્રિવેદીએ અરજી કરી છે. તેમજ અગ્નિકાંડ મુદ્દે કોર્ટ સુઓમોટો અપીલ સાંભળે તેવી અરજી કરી છે. બ્રિજેશ ત્રિવેદીએ મોરબી પુલ દુર્ઘટનામાં પણ સુઓમોટો અપીલ કરી હતી.

રાજકોટમાં TRP ગેમ ઝોનમાં ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે. આ કેસની સુનાવણી હાઈકોર્ટની સ્પેશિયલ બ્રાન્ચ સમક્ષ ચાલી હતી. આ દરમિયાન જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને દેવેન દેસાઈની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. આ દરમિયાન કોર્ટે કહ્યું કે આ માનવસર્જિત આપત્તિ છે. નોંધનીય છે કે હાઈકોર્ટે રાજકોટમાં લાગેલી આગની ઘટનામાં માસુમ બાળકોના જીવ ગુમાવવા અંગે સુઓમોટો લીધી છે. જણાવી દઈએ કે રાજકોટના TRP ગેમ ઝોનમાં શનિવારે સાંજે લાગેલી ભીષણ આગમાં 12 વર્ષથી ઓછી ઉંમરના 12 બાળકો સહિત કુલ 28 લોકોના કરૂણ મોત થયા હતા.

જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવન દેસાઈની ખંડપીઠે કહ્યું કે સત્તાવાળાઓ પાસેથી જરૂરી મંજૂરી લીધા વિના આવા ગેમ ઝોન બનાવવામાં આવ્યા છે. ખંડપીઠે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વકીલોને સોમવારે તેની સમક્ષ હાજર થવા અને કાયદાની કઈ જોગવાઈઓ હેઠળ આ એકમોની સ્થાપના કરવામાં આવી છે અથવા તેમના અધિકારક્ષેત્રમાં ચાલુ રાખવામાં આવી રહી છે તે અંગે ખુલાસો કરવાનો આદેશ આપ્યો છે.

કોર્ટે કહ્યું કે ગુજરાત કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રૂલ્સ (GDCR)માં રહેલી છટકબારીઓનો લાભ લઈને રાજકોટમાં ગેમિંગ ઝોન બનાવવામાં આવ્યો હોવાનું દર્શાવતા અખબારના અહેવાલો વાંચીને અમને આશ્ચર્ય થયું હતું. અખબારોમાં એવું કહેવામાં આવ્યું હતું કે સત્તાવાળાઓ પાસેથી જરૂરી મંજૂરી લીધા વિના આ ગેમ ઝોન બનાવવામાં આવ્યો હતો.

કોર્ટે રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનો પાસેથી એ પણ જાણવા માગ્યું છે કે શું આવા લાયસન્સ ગેમ ઝોનને આપવામાં આવ્યા હતા? તેનો ઉપયોગ અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું? અખબારના અહેવાલોને ટાંકીને હાઇકોર્ટે જણાવ્યું હતું કે રાજકોટમાં TRP ગેમ ઝોનમાં ફાયર એનઓસી અને બાંધકામ પરવાનગી સહિતની જરૂરી મંજૂરીઓ, નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવામાં આવતા અવરોધોને દૂર કરવા માટે કામચલાઉ માળખાં ઊભા કરવામાં આવ્યા હતા. એવું કહેવાય છે કે માત્ર રાજકોટમાં જ નહીં, અમદાવાદ શહેરમાં પણ આવા ગેમ ઝોન બનાવવામાં આવ્યા છે. તેઓ જાહેર સલામતી માટે ખાસ કરીને નિર્દોષ બાળકો માટે નોંધપાત્ર ખતરો છે.

બેન્ચે કહ્યું કે પ્રારંભિક તબક્કે એવું લાગે છે કે આ અકસ્માત માનવસર્જિત આપત્તિ છે. કોર્ટે જણાવ્યું હતું કે રાજકોટ ગેમ ઝોનમાં જ્યાં આગ લાગી હતી ત્યાં પેટ્રોલ, ફાઈબર અને ફાઈબર ગ્લાસ શીટ જેવા અત્યંત જ્વલનશીલ પદાર્થોનો સ્ટોક રાખવામાં આવ્યો હતો. કોર્ટે સુઓમોટો અરજીને સોમવારે વધુ સુનાવણી માટે સૂચિબદ્ધ કરી છે.

જણાવી દઈએ કે શનિવારે સાંજે 4.30 વાગ્યે ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28 લોકોના મોત થયા હતા. ફાયર બ્રિગેડની 8 ટીમોએ લગભગ 3 કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. 25થી વધુ લોકોને બચાવી લેવાયા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગેમ ઝોનમાં આવવા અને જવાનો એક જ રસ્તો હતો. ફાયર વિભાગ પાસેથી એનઓસી પણ લેવામાં આવી ન હતી.

ત્રણ માળનો ગેમ ઝોન 2020માં ભાડાની 2 એકર જમીન પર બનાવવામાં આવ્યો હતો. તેનું માળખું લાકડાના અને ટીન શેડ પર ઊભું હતું. ઘણી જગ્યાએ રિપેરિંગ અને રિનોવેશનનું કામ પણ ચાલી રહ્યું હતું. એક જગ્યાએ દાદર પર વેલ્ડીંગના સ્પાર્કને કારણે વિસ્ફોટ થયો અને નજીકમાં આગ ફાટી નીકળી હતી.

શા માટે આગ ઝડપથી ફેલાઈ
ગેમ ઝોનનો ડોમ કાપડ અને ફાઈબરનો બનેલો હતો. સ્ટ્રક્ચર લાકડા, ટીન અને થર્મોકોલ શીટ્સથી બનેલું હતું. ફ્લોર પણ રબર, રેઝિન અને થર્મોકોલથી ઢંકાયેલું હતું. આ ઉપરાંત ગેજ ઝોનમાં 2 હજાર લિટર ડીઝલ અને 1500 લિટર પેટ્રોલનો પણ સંગ્રહ કરવામાં આવ્યો હતો. આથી થોડીવારમાં આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર થોડીવારમાં આગ નીચેથી ઉપર સુધી ફેલાઈ ગઈ હતી. ત્રણ માળના માળખામાં નીચેથી ઉપર જવા માટે માત્ર એક જ સીડી હતી. બીજા અને ત્રીજા માળના લોકોને બચવાની તક મળી ન હતી.

Most Popular

To Top