ગાંધીનગર: ગુજરાત સરકારે (Gujarat Government) પેન્શન (Pension) મામલે મોટો નિર્ણય લીધો છે. જૂની પેન્શન યોજનાની સરકારી કર્મચારીઓની માંગણી સરકારે સ્વીકારી લીધી છે. કુટુંબ પેન્શન યોજનાની જાહેરાત સરકારે કરી છે. મૃત સરકારી કર્મચારીના પરિવારને મળતી સહાય 8 લાખથી વધારી 14 લાખ કરી દેવાઈ છે. તેમજ 7માં પગાર પંચનો (7th Pay Commission) લાભ પણ આપવામાં આવશે.
લાંબા સમયથી ગુજરાતના સરકારી કર્મચારીઓ વિવિધ પડતર માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં. દરમિયાન આજે ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓની માંગણી સ્વીકારી લીધી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. સરકારે કરેલી જાહેરાત અનુસાર હવેથી સરકારી કર્મચારીઓના કેન્દ્ર સરકારના ધોરણે ઠરાવની તારીખથી તમામ લાભો આપવામાં આવશે. તેમજ રહેમરાહે નિમણૂંક થઈ હોય તેવા તમામ કર્મચારીની નોકરી સળંગ ગણવામાં આવશે. મૂળ નિમણૂંક તારીખથી તમામ લાભો માટે તા.1/4/2019થી સળંગ નોકરીનો લાભ આપવામાં આવશે.
મેડીકલ ભથ્થું વધારવા સહિત આ લાભો અપાશે
મેડીકલ ભથ્થું 300ના બદલે સાતમા પગારપંચ મુજબ 1000 કરવામાં આવશે. ચાલુ ફરજમાં અવસાનના કિસ્સામાં અપાતી ઉચ્ચક નાણાંકિય સહાયની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. હાલ સહાય 8 લાખ છે જેમાં વધારો કરી 14 લાખ આપવાનું નક્કી કરાયું છે. આ ઉપરાંત 45 વર્ષની મર્યાદા બાદ કર્મચારીને પરીક્ષામાંથી મુક્તિ આપી તમામ લાભ આપવાનું નક્કી કરાયું છે. ખાતાકીય પરીક્ષામાં 60 ટકાનો મુક્તિ દૂર કરી 50 ટકા એ પાસના બદલે 40 ટકા અને પરીક્ષામાં 5 વિષયના બદલે 3 વિષય રાખવાનો નિર્ણય લેવાયો છે. તેમજ અંગ્રેજીનું પેપર રદ કરાશે.
કોમ્યુટેડ પેન્શનના વ્યાજ દરમાં તથા મુદ્દતમાં ઘટાડો
કર્મચારીઓને નિવૃત્તિ વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દરમાં તથા મુદતમાં ઘટાડો કરાશે. વ્યાજ દરમાં ઘટાડા સાથે 15 વર્ષના 180 હપ્તાના બદલે 13 વર્ષના 156 હપ્તા કરવા સંમતિ આપી છે. અંદાજીત 6 લાખ રૂપિયા જેવો ફાયદો થશે. તેમજ સી.સી.સી. પરીક્ષાની મુદત ડિસેમ્બર-2024 સુધી લંબાવવાની જાહેરાત કરાઈ છે.
શું છે જૂની પેન્શન સ્કીમ?
જૂની પેન્શન સ્કીમમાં નિવૃત્ત કર્મચારીનું મૃત્યુ નિપજે તો તેના પરિવારજનને પેન્શનની રકમ મળી શકે છે. આ સ્કીમ હેઠળ નિવૃત્તિ સમયે કર્મચારીના વેતનની અડથી રકમ પેન્શન સ્વરૂપે મળતી હતી. જૂની પેન્શન સ્કીમમાં કર્મચારીના પગારમાંથી કોઈ નાણાં કપાતા નહોતા. તે સ્કીમમાં 20 લાખ સુધીની ગ્રેજ્યુઈટી મળી શકતી હતી. તે સ્કીમમાં જનરલ પ્રોવિડડ ફંડની જોગવાઈ છે.