Gujarat

રાજ્યમાં છ મહિનામાં સરકારી ભરતી માટેની 20 સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ, કોંગ્રેસનો આક્ષેપ

અમદાવાદ: રાજ્યમાં (Gujarat) હજારો યુવક-યુવતીઓ સરકારી ભરતી (Sarkari Bharti) માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની (Competitive Exams) તૈયારીઓ કરી રહ્યા છે. બીજી તરફ રાજ્યની ભાજપ (BJP) સરકાર વારંવાર પરીક્ષાઓ રદ કરીને યુવક યુવતીઓના ભવિષ્ય સાથે છેડા કરી રહી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા છેલ્લા છ મહિનામાં 20 જેટલી પરીક્ષાઓ વહીવટી કારણો આગળ ધરીને મોકૂફ રાખવાનો ખેલ ચાલી રહ્યો છે.

  • ભાજપ સરકાર વારંવાર પરીક્ષાઓ રદ કરી યુવાઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે : કોંગ્રેસ

પ્રદેશ કોંગ્રેસ (Congress) સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ષ 2023 દરમિયાન પ્રસિદ્ધ થનાર જાહેરાતોમાંથી મોટાભાગની પ્રાથમિક પરીક્ષાઓ કેલેન્ડર પ્રમાણે યોજાઈ રહી નથી. તૈયારી કરતા હજારો મહેનતુ ગુજરાતના યુવાન-યુવતીઓના ભવિષ્ય સાથે ભાજપા સરકાર રમત રમી રહી છે. જીપીએસસીની પરીક્ષાઓની પહેલા જાહેરાત પછી બે વર્ષ સુધી પરીક્ષાઓ નહી યોજવા પાછળ કોઈ કારણ જણાવાતું નથી. છેલ્લા છ મહિનાથી દર મહિને પ્રાથમિક પરીક્ષાઓ રદ કરવામાં આવી રહી છે. છેલ્લા 6 મહિનામાં જી.પી.એસ.સી. દ્વારા 20 જેટલી પરીક્ષાઓ ‘વહીવટી’ કારણો આગળ ધરીને પરીક્ષા મોકૂફ કરવાનો ખેલ ચાલી રહ્યો છે. સરકારી ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ગુજરાતના હજારો યુવાન યુવતી હેરાન પરેશાન થઈ રહ્યાં છે.

ડૉ. મનિષ દોશીએ વધુમાં કહ્યું હતુ કે મુખ્યમંત્રી કાર્યાલય સહિત વિવિધ વિભાગોમાં આઠ-દસ વર્ષ થી નિવૃત થયેલા અધિકારીઓ-કર્મચારીઓ મહત્વના પદ પર અડીંગો જમાવી બેઠા છે, સરકારના મોટા ભાગના વિભાગોમાં અગત્યની જગ્યા પર નિવૃત કર્મચારીઓનો ભરડો હોય બીજી બાજુ સરકારના વિભાગમાં મોટા પાયે કર્મચારીઓની ઘટ ત્યારે આઉટ સોર્સિંગ-કોન્ટ્રાક્ટથી ગુજરાતમાં યુવાનોનું આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું છે. જાહેર જનતા જ્યાં સીધાં સંપર્કમાં આવે છે તેવા વિભાગોમાં 50 ટકા થી વધુ જગ્યાઓ ખાલી છે. રોજબરોજની જરૂરીયાત એવા કામો માટેની સેવા આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાક્ટ દ્વારા સરકાર ચલાવી રહી છે.

વાઇબ્રન્ટ સમિટના નામે ભાજપ સરકાર ગુજરાતના યુવાનોને ગુમરાહ કરી રહી છે

વાઇબ્રન્ટ સમિટના નામે ભાજપ સરકાર ગુજરાતના યુવાનોને ગુમરાહ કરી રહી છે. છેતરપીંડી કરી રહી છે. છેલ્લા અઢી દાયકા જેટલા લાંબા સમયગાળાના ભાજપના શાસન દરમિયાન ગુજરાતની એક આખી નવી પેઢી, બેરોજગારી, દિશાવિહીનતાની ગર્તામાં ધકેલાઈ ગઈ છે. શિક્ષક વિનાની શાળા, ગ્રામસેવક વિનાનું ગામ, ડોકટર વિનાનું દવાખાનું, શાળા વિનાનું ગામ, આ તે કેવું ગતિશીલ ગુજરાત ? આઉટ સોર્સિંગ – કોન્ટ્રાકટ એજન્સીઓની સરકારના મંત્રી- સંત્રી સાથેની ગોઠવણના લીધે આઉટ સોર્સિંગ- કોન્ટ્રાકટ નામે ગુજરાતના 9.5 લાખ જેટલા યુવાન – યુવતીઓનું મોટા પાયે આર્થીક શોષણ થઇ રહ્યું છે. ત્યારે ભાજપ સરકાર ગુજરાતના લાખો યુવાનોની કારકિર્દી અને જિંદગી સાથે રમત રમવાનું બંધ કરે.

Most Popular

To Top