Gujarat

મેઘરાજાનું ટાટા બાયબાય હજુ બાકી: 14 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ

ગાંધીનગર: દક્ષિણ ગુજરાત પર હાલમાં સાયકલોનિક સરકયૂલેશનની સિસ્ટમ સક્રિય છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક માટે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, અમરેલી, ભાવનગર, જુનાગઢ, ગોંડલ, ખંભાત, નડિયાદ અને કપડવંજમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. રાજ્યમાં આ જિલ્લાઓમાં પ્રતિ કલાકના 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના જોવાઈ રહી છે. જો કે આંતરરાષ્ટ્રીય વેધર સેન્ટરના ફોરકાસ્ટ મુજબ, નવરાત્રીના પહેલા નોરતે ગુજરાત પર કોઈ ચોમાસુ સિસ્ટમ દેખાતી નથી, જેના પગલે ખૈલેયાઓ મન મૂકીને ગરબા રમી શકશે, તેવા સંકેત મળી રહ્યા છે.

આજે રવિવારે સાંજે છ વાગ્યા સુધીમાં રાજ્યમાં 130 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં ખાસ કરીને વડોદરા, ગીર સોમનાથ, અરવલ્લી અને બોટાદમાં ભારે વરસાદ થયો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરામાં ચાર ઈંચ જેટલો વરસાદ થયો છે. સાંજે છ વાગ્યા સુધીમાં વડોદરામાં 96 મીમી જેટલો વરસાદ થયો હતો. પાદરામાં 2.8 ઈંચ, ગીર ગઢડામાં 1.8 ઈંચ, ઉનામાં 1.7 ઈંચ, અરવલ્લીના ભીલોડામાં 1.5 ઈંચ, બોટાદના બરવાળામાં 1.3 ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં 1.1 ઈંચ, અમદાવાદ જિલ્લાના ધોલેરામાં 1.1 ઈંચ, મહેસાણાના સતલાસણામાં 1.1 ઈંચ, ધંધુકામાં 1.1 ઈંચ, સાબરકાંઠાના વડાલીમાં 1 ઈંચ, નડિયાદમાં 1 ઈંચ, ખંભાતમાં 1 ઈંચ અને આણંદના આંકલાવમાં 1 ઈંચ જેટલો વરસાદ થયો હતો. આવતીકાલે 14 જેટલા જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 32 જિલ્લાના 186 તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં ભાવનગરના મહુવામાં 7 ઈંચ, ઉમરાળામાં 4 ઈંચ, વલ્લભીપુરમાં 3.6 ઈંચ, જેસરમાં 3.4 ઈંચ અને પાલીતાણામાં સવા ત્રણ ઈંચ જેટલો વરસાદ થયો હતો. રાજ્યમાં સરેરાશ 136.22 ટકા જેટલો વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 184.86 ટકા, ઉત્તર ગુજરાતમાં 113.95 ટકા, મધ્ય – પૂર્વ ગુજરાતમાં 131.63 ટકા, સૌરાષ્ટ્રમાં 145.21 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 140.60 ટકા વરસાદ થયો છે.

રાજ્યમાં 122 ડેમ એવા છે કે જે 100 ટકા છલકાઈ ગયા છે. જ્યારે 60 ડેમ એવા છે કે જે 70થી 100 ટકાની વચ્ચે ભરાયેલા છે. 161 ડેમ પાણી ભરાવાની દષ્ટિએ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં જળ સંગ્રહ 99.25 ટકા ( 331578 એમસીએફટી) ટકા છે. હાલમાં ડેમમાં 139670.00 કયુસેક પાણીની આવક છે, જ્યારે નદીમાં 125430.00 જેટલી પાણીની જાવક છે.

Most Popular

To Top