સુરત: ફરી એક વખત સુરતવાસીઓએ ભાજપ (BJP) પર પોતાનો ભરોસો બતાવ્યો હતો. ગુજરાત (Gujarat) વિધાનસભાના આજે જાહેર થયેલા પરિણામોમાં સુરત (Surat) શહેર અને જિલ્લાની તમામ 16 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો. જે સુરતમાંથી આપનો ઉદય થયો હતો તે સુરતમાં આપના ખુદ પ્રદેશ પ્રમુખ સહિતના આગેવાનો લડતા હોવા છતાં પણ આપને એકપણ બેઠક મળી નહોતી. બીજી તરફ કોંગ્રેસનો (Congress) પણ આ વખતની ચૂંટણીમાં ફરી સફાયો થઈ ગયો હતો. આજે સવારથી જ ઈચ્છાનાથ ખાતે એસવીએનઆઈટી અને મજૂરા ગેટની ગાંધી એન્જિનિયરિંગ ખાતે રાજકીય પક્ષોના આગેવાનો તેમજ કાર્યકરોના ટોળા ભેગા થઈ ગયા હતા અને જેમ જેમ પરિણામો આવતા ગયા તેમ તેમ ભાજપની છાવણીમાં ભારે ઉત્સાહ અને આપ તેમજ કોંગ્રેસની છાવણીમાં નિરાશાનો માહોલ છવાઈ ગયો હતો.
બપોરે ત્રણેક વાગ્યા સુધીમાં તમામ બેઠકો પરના પરિણામો સ્પષ્ટ થઈ ગયા હતા. એકમાત્ર સુરત પૂર્વ બેઠક પર છેલ્લે સુધી રસાકસી જોવા મળી હતી પરંતુ છેલ્લા ચારેક રાઉન્ડમાં ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવાર પર સરસાઈ મેળવી લીધી હતી અને છેલ્લે વિજેતા જાહેર થયા હતા. વિજેતા જાહેર થયા બાદ મોટાભાગના ઉમેદવારો દ્વારા પોતપોતાના વિસ્તારોમાં વિજયી સરઘસ કાઢવામાં આવ્યા હતા. આજે જાહેર થયેલા પરિણામોમાં સુરતમાંથી એક લાખથી વધુની લીડ લેનારા ભાજપના પાંચ ઉમેદવારો હતા. જ્યારે કોંગ્રેસના 11 બેઠકના ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ ગઈ હતી.
આપના પણ મોટાભાગના ઉમેદવારોની ડિપોઝીટ ડૂલ થઈ ગઈ હતી. આજના પરિણામોએ આપનું સુરસુરીયું કરી નાખ્યું હતું. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ ભાજપના વિનુ મોરડીયા સામે હારવું પડ્યું હતું. જ્યારે પાસનો ચહેરો ગણાતા અલ્પેશ કથિરીયા પણ વરાછા રોડ બેઠક પરથી કુમાર કાનાણી સામે હારી ગયા હતા. આ ઉપરાંત આપના શહેર પ્રમુખ મહેન્દ્ર નાવડીયા, પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયાએ પણ હારનું મોઢું જોયું હતું. આજના પરિણામોની ખાસિયત એ હતી કે એક લાખ કરતાં પણ ઓછું મતદાન થયું હોવા છતાં પણ સુરત ઉત્તર બેઠક પરથી કાંતિ બલરે 39 હજારથી વધુ મતોની લીડ લીધી હતી. જે રીતે ચોર્યાસી બેઠક રાજ્યની સૌથી મોટી બેઠક છે તેવી જ રીતે આ બેઠકના ઉમેદવાર સંદીપ દેસાઈએ પણ દોઢ લાખથી વધુની લીડ લઈને ગુજરાતમાં લીડમાં બીજો ક્રમ મેળવ્યો હતો.
ચૂંટણી પ્રચારમાં મોદીએ સુરતને 17 કલાક આપી 16 બેઠક લીધી
સુરત શહેર-જિલ્લાની 16 બેઠક માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતને 17 કલાક આપ્યા હતા. આ 17 કલાકમાં મોટા વરાછામાં સભાની સાથે સુરતમાં કરાયેલો રોડ શો ભાજપને ફળ્યો હતો. સુરતમાં પાટીદાર બેઠકો પર આપના ઉમેદવારોની દાવેદારી સાથે રસાકસી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી પરંતુ આ તમામ બેઠકો પર ભાજપે ક્લીન સ્વીપ કરી હતી. સુરત શહેરની બારની સાથે સાથે જિલ્લાની ચાર બેઠક પણ ભાજપને જ ફાળે ગઈ હતી.