ગાંધીનગર: હજુ ગઈકાલે જ કોંગીના (Congress) 10 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા મોહનસિંહ રાઠવાએ પોતાના પુત્રની ટિકિટ કન્ફર્મ કરાવવા માટે ભાજપનો (BJP) કેસરિયો ખેસ પહેરી લીધો હતો. એ પછી બુધવારે વધુ એક કોંગીના તાલાલાના ધારાસભ્ય ભગા બારડે કોંગીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. ગીર સોમનાથમાં 2017માં ભાજપને એક પણ બેઠક મળી નહોતી. જેના પગલે ઓપરેશન કમલમ હાથ ધરાયું છે. આહીર સમાજના અગ્રણી તથા બે ટર્મથી તાલાલા બેઠક પર વિજેતા થયેલા કોંગ્રેસના ધારાસભ્ય ભગાભાઈ બારડે આજે વિધાનસભાના અધ્યક્ષને મળીને પોતાનું રાજીનામું આપી દીધુ હતું. એ પછી તેઓ સીધા ભાજપના કમલમ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં તેમને ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ તેમને કેસરિયો ખેસ પહેરાવીને તેમને ભાજપમાં પ્રવેશ આપ્યો હતો.
પ્રદીપસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, ગુજરાત અને હિમાચલ રાજયમાં ચૂંટણી છે ત્યારે કોંગ્રેસના યુવા નેતા કહેવાતા રાહુલ ગાંધી ભારત જોડો અભિયાન લઇને નીકળ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસના રોજ એક નવા મહેમાન ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. એક બાજુ રાહુલ ગાંઘી ભારત જોડો અભિયાન ચલાવે છે તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ કોંગ્રેસ છોડો અભિયાન ચલાવે છે. કોંગ્રેસ છોડો અભિયાનમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ સફળ થયા છે.
કોંગીમાંથી રાજીનામું આપીને આવનાર ભગાભાઇ બારડે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય તરીકે અને સભ્ય પદેથી આજે મારું રાજીનામું આપી મોટી સંખ્યામાં મારા સમર્થકો સાથે ભાજપમાં જોડાયો છું. ઘણા વિચારો કર્યા પછી કોઇની ટિપ્પણી કરવી નથી. હું મૂળ કોંગ્રેસી નથી. પીએમ નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિમાં એક સૈનિક તરીકે જોડાયો છું. પક્ષ જે પણ કામગીરી સોંપશે તે નિષ્ઠાપૂર્વક પ્રમાણીક રીતે પૂર્ણ કરીશ. પક્ષને નીચું જોવા જેવું થાય તેવું કામ મારી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી નહીં કરું. અમારા પરિવાર સાથે આખા ગુજરાત અને સૌરાષ્ટ્રનો આહીર સમાજ જોડાયેલો છે અને અન્ય સમાજના વર્ગો પણ અમારા પરિવાર સાથે વર્ષોથી સંકળાયેલા છે. એક આંતરિક વાત એવી પણ છે કે, ભગાભાઈ બારડે પોતાના વેવાઈ માટે દ્વારકામાં ટિકિટ માંગી હતી. જે કોંગીની નેતાગીરીએ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.
સૌરાષ્ટ્રના કોંગ્રેસના 11 ધારાસભ્યએ પાર્ટી છોડી
2017થી અત્યાર સુધીમાં કોંગ્રેસના 19 જેટલા ધારાસભ્ય ભાજપમાં જોડાઈ ગયા છે, તેમાંથી સૌરાષ્ટ્રના 11 ધારાસભ્યનો સમાવેશ થાય છે. જેમાં કુંવરજી બાવળીયા, પુરષોત્તમ સાબરિયા, વલ્લભ ઘારવીયા, જવાહર ચાવડા, જે.વી.કાકડિયા, પ્રવીણ મારુ, બ્રિજેશ મેરજા, પ્રદ્યુમ્નસિંહ જાડેજા, સોમા ગાંડા પટેલ, હર્ષદ રિબડીયા અને ભગવાન બારડનો સમાવેશ થાય છે.