અમદાવાદ : તાજેતરમાં જ યોજાયેલી ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીમાં (Election) ભાજપ (BJP) એ જંગી બહુમતીથી જીત મેળવી છે. બીજી તરફ કોંગ્રેસની (Congress) માત્ર 17 બેઠકો આવી છે. ઘણા સમયથી જેની રાહ જોવાઇ રહી હતી. તે કોંગ્રેસ પક્ષ દ્વારા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે વિધાનસભામાં ઉપનેતા તરીકે શૈલેષ પરમારની પસંદગી કરાઈ છે.
ડિસેમ્બરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 156 બેઠકો સાથે વિક્રમજનક વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસને 17 બેઠકો મળી છે. તેવી જ રીતે આમ આદમી પાર્ટીને પાંચ બેઠક, એક બેઠક પર સમાજવાદી પાર્ટી, જ્યારે ત્રણ બેઠકો અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે.
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસ તરફથી આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાના નામની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ઉપનેતા તરીકે અમદાવાદના દાણીલીમડાના કોગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની પસંદગી કરાઈ છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે અમિત ચાવડાના નામની પસંદગી થતા આજે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે તેમના સમર્થકો અને ટેકેદારોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો પ્રદેશ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહ્યા હતા, અને અમિત ચાવડાને અભિનંદન પાઠવ્યા હતા.