Gujarat

યુવા શક્તિએ મેળવેલા જ્ઞાન અને કૌશલ્યથી સજ્જ થઈ સપના સાકાર કરવાના છે : ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર: ગાંધીનગરમાં પંડિત દીન દયાળ એનર્જી યુનિવર્સિટીના નવમો પદવીદાન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) ઉર્જા ક્ષેત્રે આવેલા બદલાવને સ્વીકારી નવા વિકલ્પો તૈયાર કરવાનું આહ્વાન કર્યું હતું. મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે યુવા શકિતએ મેળવેલી શિક્ષા દિક્ષાથી સજ્જ થઈ પોતાની સામે આવનારા પડકારોને ઝીલી તેને તકમાં પલટાવીને પોતાના સપના સાકાર કરવાના છે. યુવાનોની શક્તિને રાષ્ટ્ર નિર્માણમાં જોડવા પીએમ (PM) નરેન્દ્ર મોદીના (Narendra Modi) માર્ગદર્શનમાં દેશમાં સ્ટાર્ટઅપ, રિસર્ચ અને ઇનોવેશન ક્ષેત્રે વિપુલ તકો નિર્માણ પામી છે.

પટેલે પી.ડી.ઇ.યુ ના પ્રેસિડેન્ટ મૂકેશ અંબાણીની વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિતિમાં યુનિવર્સિટીના આ નવમા પદવીદાન સમારોહમાં ૧૫૬૩ યુવાનોને ગ્રેજ્યુએશન, ૪૦ વિદ્યાર્થીઓને પી.એચ.ડી ડીગ્રી અને ૧૦૨ જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ એનાયત કર્યા હતા. પંડિત દીન દયાળ એનર્જી યુનિવર્સિટીનાયુનિવર્સિટીના ગર્વનિંન્ગ કાઉન્સિલના પરિમલ નથવાણી અને અન્ય સભ્યો તથા સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન ડૉ. હસમુખ અઢિયા અને યુનિવર્સિટીના પ્રાધ્યાપકો, ડીગ્રી પ્રાપ્ત વિદ્યાર્થીઓના પરિવારજનો તેમજ રાજ્ય સરકારના સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો આ પદવીદાન સમારોહમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે વિવિધ સેક્ટરલ યુનિવર્સિટીઝની રાજ્યમાં શરૂઆત કરાવીને ગુજરાતના યુવાનોને વિશ્વ સમકક્ષ જ્ઞાન અવસરો ઘર આંગણે આપવાના પીએમ નરેન્દ્ર મોદીના સંકલ્પના બીજ આજે વટવૃક્ષ બની ગયા છે તેનું ઉત્તમ ઉદાહરણ આ પંડિત દીનદયાળ યુનિવર્સિટી છે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે એ વર્ષે યુવા મિત્રો ઉર્જા ક્ષેત્રને સંલગ્ન વિવિધ પદવી મેળવી રહ્યા છે. આવા કુશળ યુવાનોની સામાજિક જવાબદારી પણ વિશેષ છે.આ સંદર્ભમાં તેમણે યુવા વિદ્યાર્થીઓએ પેટ્રોલિયમ, ઊર્જા, કલાયમેટ ચેન્જ જેવા વિષયોમાં મેળવેલા જ્ઞાન કૌશલ્યનો સમાજના હિત માટે ઉપયોગ કરવાની આવશ્યકતા સમજાવી હતી. પટેલે કહ્યું હતું કે, યુવાનો પાસે માતૃભૂમિનું હિત- રાષ્ટ્રહિત હૈયે રાખી કર્તવ્યરત રહેવાના અગણિત અવસર ઉપલબ્ધ છે, આજના યુવાનો પાસે ભારતની આવતી કાલ ઘડવાની સુવર્ણ તક રહેલી છે તેમ કહી તેમણે ડીગ્રી પ્રાપ્ત કરી રહેલા યુવાઓને ઉજ્જવળ કારકીર્દીની શુભેચ્છાઓ પાઠવી હતી.

Most Popular

To Top