Gujarat

ગુજરાત ભાજપને 4 ઓક્ટોબરે મળશે નવા પ્રદેશ પ્રમુખ, ચૂંટણીનું નોટિફિકેશન જાહેર

ગાંધીનગરઃ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટેની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. ગાંધીનગર કમલમ ખાતે ચૂંટણી માટેનું નોટીફિકેશન ચોંટાડાયું છે. તે મુજબ આગામી તા. 4 ઓક્ટોબરના રોજ ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળશે.

આજે દશેરાના દિવસે ગુજરાત ભાજપ દ્વારા પ્રદેશ પ્રમુખની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અનુસાર આવતીકાલે તા. 3 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરાશે. સવારે 11થી બપોરે 2 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવશે. બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા દરમિયાન ફોર્મ ચકાસણીની પ્રક્રિયા થશે. સાંજે 5થી 5.30 સુધી ફોર્મ પરત ખેંચી શકાશે.

બીજા દિવસે તા. 4 ઓક્ટોબરના રોજ સવારે 10થી 11 દરમિયાન મતદાન થશે. ત્યાર બાદ મતગણતરી કરાશે અને બપોરે 12 વાગ્યાની આસપાસ ચૂંટાયેલા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવશે. આમ બે દિવસ બાદ તા. 4 ઓક્ટોબરે ગુજરાત ભાજપને નવા પ્રદેશ પ્રમુખ મળી જશે.

પાર્ટીના સૂત્રો જણાવે છે કે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા અધ્યક્ષની પસંદગી અત્યંત મહત્વપૂર્ણ બનશે. હાલ કમલમમાં સતત બેઠકો ચાલી રહી છે અને ઉમેદવારના નામો પર ઉચ્ચ કક્ષાએ ચર્ચા ચાલી રહી છે. રાજ્યના વિવિધ વિભાગો, મોરચાઓ અને સંગઠનના નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ આખરી નિર્ણય લેવાશે.

ઓબીસી નેતાની પસંદગી થઈ શકે
ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ વખતે ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી શકે છે. પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે થનાર મતદાન પ્રક્રિયામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્યો સહિત 250થી વધારે લોકો મતદાન કરશે.

Most Popular

To Top