Gujarat

મહેસાણા કોંગ્રેસના પૂ્ર્વ અધ્યક્ષ માનસિંહ ઠાકોરે પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી લીધો

ગાંધીનગર: આજે ઉત્તર ગુજરાતમાં મહેસાણા ખાતે શિવ ગોરખનાથ નીલકંઠેશ્વર મહાદેવજીના મંદિરે પ્રદેશ ભાજપના (BJP) અધ્યક્ષ સી. આર. પાટીલે બીલીપત્રો ચડાવવા સાથે પૂજા – અર્ચના કરી હતી. આ ઉપરાંત મહેસાણા ખાતે યોજાયેલા વિશાળ સંમેળનમાં મહેસાણા જિલ્લાના કોંગ્રેસના (Congress) પૂર્વ પ્રમુખ માનસિંહ ઠાકોર પોતાના મોટી સંખ્યામાં ટેકેદારો તથા સમર્થકો સાથે ભાજપમાં જોડાઈ ગયા હતા. સી.આર. પાટીલે તેમે ભાજપનો કેસરિયો ખેસ પહેરાવીને પાર્ટીમાં પ્રેવશ આપ્યો હતો. તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા કોંગ્રેસ સરકારના પૂર્વ ગૃહ રાજય મંત્રી નરેશ કુમાર રાવલે મહેસાણામા રાજકિય ઓપરેશન પાર પાડ્યું હતું.

વિશાળ સમેલનને સંબોધન કરતાં પાટીલે કહ્યું હતું કે નરેશ કુમાર રાવલે એમના વિસ્તારમાં સેવા કરી છે તે આંખે ઉડીને દેખાય છે, એવું નથી કે કોંગ્રેસમાં કોઈ સેવા નથી કરતું પરંતુ ત્યાં ગૂંગળામણ થાય ત્યારે જેમને ખરેખર પ્રજાની સેવા કરવાની ઈચ્છા હોય એજ લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. ભણેલા ગણેલા અને વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા લોકોએ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય કર્યો ત્યારે છાતી પર પથ્થર મૂકીને કર્યો હશે કારણ કે, જ્યારે ટાઈટેનિક ડૂબવાની છે અને તે પણ તેના જ નેતાઓના કારણે ડૂબવાની છે આવું નિશ્ચિત થાય ત્યારે હોશિયાર માણસ પોતાની જગ્યા શોધી લેતો હોય છે અને એટલા જ માટે તે બિનશરતી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે તૈયાર થયા છે. નરેશ કુમાર રાવલ, તેમની સાથે રાજુ પરમાર (પૂર્વ રાજ્યસભા સાંસદ) તેમજ માનસિંહ ઠાકોર તેમની ટિમ સાથે પ્રજાની સેવા કરવા માટે જોડાયા છે તે સૌનું સ્વાગત અને અભિવાદન કરૂ છું.

પાટીલે જણાવ્યું હતું કે અમુક લોકોને લાગે છે કે, ગુજરાતમાં બધુ જ ચાલે. એ લોકોને જવાબ આપવાનો છે કે આ ગુજરાત છે અને ગુજરાતને પોતાનું હિત સમજાય છે. પીએમ નરેન્દ્ર મોદીના સથવારે ગુજરાતમાં જેટલો વિકાસ થયો છે તેટલો સમગ્ર દેશમાં આવનાર 25 વર્ષમાં પણ કોઈ રાજ્ય કરી શકવાની સ્થિતિમાં નથી. દેશમાં એક માત્ર મોટી પાર્ટી કોંગ્રેસ હતી પરંતુ આજે તે સંકોચાઈ ગઈ છે એકમાત્ર રાજસ્થાનમાં એની સરકાર છે અને બાકી બધે ક્લીન બોલ્ડ થઈ ગઈ છે. આ નેશનલાઇઝ્ડ કોંગ્રેસ પાર્ટી પ્રાદેશિક તો બની જ પરંતુ એક પરિવારની પાર્ટી બની ગઈ છે.

Most Popular

To Top