પલસાણા: (Palsana) ગુજરાતમાં દારૂબંધીના (Prohibition of Alcohol) લૂલા અમલ વચ્ચે પલસાણાથી રૂ. 31.44 લાખનો દારૂ (Liquor) ઝડપાયો છે. જેમાં કડોદરા જીઆઈડીસી પોલીસે અંત્રોલી ગામની સીમમાંથી અવાવરૂ જગ્યાએ સંતાડેલો લિસ્ટેડ બુટલેગરનો રૂ. 15,91,200નો દારૂ ઝડપી પાડ્યો છે.
- દારૂબંધી? એક જ દિવસમાં પલસાણાથી 22,723 બોટલમાં રૂ.31.44 લાખનો દારૂ ઝડપાયો
- કડોદરા જીઆઈડીસી પોલીસે અંત્રોલીની અવાવરુ જગ્યાએ રેડ કરી, નાસતા બુટલેગરોનો ફિલ્મી ઢબે પીછો કર્યો, પણ ફાવ્યા નહીં, 6 વોન્ટેડ
- એલસીબીની ટીમે પલસાણા સીએનજી પંપ પાસેથી ટેમ્પો સાથે એકને દબોચ્યો, કાપડના તાકાની આડમાં ચોરખાનું બનાવી હેરાફેરી થતી હતી
આ રેડ દરમિયાન પોલીસને જોઈને બુટલેગરો નાસી છૂટ્યાં હતાં. ફિલ્મી ઢબે પીછો કરવા છતાં પોલીસ તેમને ઝડપી પાડવામાં નિષ્ફળ રહી હતી, જેથી પોલીસે 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાં છે. અન્ય એક બનાવમાં પલસાણા સીએનજી પંપ પાસેથી જિલ્લા એલસીબી પોલીસે એક ટેમ્પોને આંતરી, ચોરખાનું બનાવી, કાપડના તાકાની આડમાં સંતાડેલા રૂ. 15,52,800ની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં એકની ધરપકડ કરી ચારને વોન્ટેડ જાહેર કરાયા છે.
પ્રથમ બનાવ અંગે કડોદરા જીઆઈડીસી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે અંત્રોલી ગામની સીમમાં લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયાએ અવાવરૂ જગ્યામાં દારૂનો જથ્થો સંતાડ્યો છે અને તેને સુરત તરફ કાર્ટિંગ કરવાની ફિરાકમાં છે. જેથી પોલીસે વહેલી સવારે ભૂરી ગામથી આગળ શૌર્યા મિલની બાજુની ખુલ્લી અવાવરૂ જગ્યામાં છાપો મારતાં ફિલ્મી ઢબે ધમાચકડીના દૃશ્યો સર્જાયા હતાં. લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયા તથા તેના સાગરીતો પોલીસને જોઈને એક કારમાં ભાગવા લાગ્યાં હતાં.
પોલીસે તેમનો ફિલ્મી ઢબે પીછો કર્યો પરંતુ આગળના એક સિંગલ ખેતરાડી રસ્તા પર એક XUVની આડાશ મુકેલી હોવાથી પોલીસ વધુ પીછો કરી શકી ન હતી. અવાવરૂ જગ્યામાં તપાસ કરતાં વિદેશી બનાવટના દારૂની નાની-મોટી 11652 બોટલો કિં. રૂ. 15,91,200 મળી આવી હતી. સાથે જ રૂ. 5 લાખની XUV, એક બાઈક મળી પોલીસે કુલ રૂ. 21,21,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બુટલેગર ઈશ્વર રમેશ વાંસફોડિયા ઉપરાંત સાગરીતો પ્રકાશ રમેશ વાંસફોડિયા, કાર્તિક નટવર વાંસફોડિયા, રોહિત દિનેશ વાંસફોડિયા (તમામ રહે. ભૂરી ફળિયું, અંત્રોલી ગામ)ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યાં છે.
અન્ય બનાવમાં સુરત ગ્રામ્ય એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક ટેમ્પોમાં વિદેશી બનાવટના દારૂની ખેપ આવવાની છે. જેથી પોલીસે કડોદરા ને.હા. નં. 48 સીએનજી પંપ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ટેમ્પો નં. પીબી 03 બીકે 6029 આવતાં પોલીસે તેને આંતરી તલાશી શરૂ કરી હતી. જેમાં કાપડના તાકાની નીચે બનાવેલા ચોરખાનામાંથી વિદેશી બનાવટના દારૂની બોટલો નંગ 11071 કિં. રૂ. 15,52,800 મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો, દારૂ, મોબાઈલ સહિત રૂ. 34,18,270નો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ડ્રાઈવર પુનમારામ બિશ્નોઈ (રહે. રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. આ ગુનામાં પોલીસે દારૂનો જથ્થો ભરાવનારા ગણેશ જગતસિંગ, પ્રેમ ભવસિંગ, પ્રદિપ જાલારામ જાટ તથા દારૂનો જથ્થો મંગાવનારા સાજન માલીને વોન્ટેડ જાહેર કર્યાં છે.