Editorial

ભારતમાં વધી રહેલું શહેરીકરણ: લાભ અને ગેરલાભ બંને છે

આઝાદીની લડતની સાથોસાથ ભારતમાં ગ્રામોધ્ધાર સહિતના કાર્યો પણ કરી રહેલા મહાત્મા ગાંધીજી તે સમયે કહેતા હતા કે સાચુ ભારત ગામડાઓમાં વસે છે. પરંતુ આજે આવું કહી શકાય તેમ નથી. સ્વતંત્રતા પ્રાપ્તિ પછીની પોણી સદી  જેટલા સમયમાં સ્થિતિ ઘણી બદલાઇ છે. આઝાદી પછી ભારતમાં શહેરીકરણ સતત વધતું રહ્યું છે અને ભારતમાં શહેરો અને શહેરોમાં વસતા લોકોનું પ્રમાણ વધતું ગયું છે. ૧૯૦૧ની વસ્તી ગણતરીના આંકડાઓ પ્રમાણે ભારતના ૧૧.૪  ટકા લોકો શહેરોમાં વસતા હતા, જ્યારે ૨૦૦૧ની વસ્તી ગણતરીના આંકડાઓ પ્રમાણે ૨૮.પ૩ ટકા લોકો શહેરોમાં વસતા હતા અને ૨૦૧૭માં વર્લ્ડ બેન્કના આંકડાઓ પ્રમાણે ભારતની ૩૪ ટકા વસ્તી શહેરોમાં રહેતી હતી.

આ જ  બાબત સૂચવે છે કે ભારતમાં શહેરીકરણ આઝાદી પછી કેટલી હદે અને કેટલી ઝડપે વધ્યુ઼ં છે. ભારતમાં શહેરીકરણમાં વધારા પાછળ અનેક કારણો જવાબદાર છે જેમાં સૌથી મહત્વનું કારણે વધેલું ઔદ્યોગિકરણ અને શહેરોમાં વધેલી  રોજગારીની તકો છે. ખેતીની પાંખી આવકમાં ગુજારો કરતા અનેક કુટુંબો શહેરોમાં વધારે આવકની આશાએ આવીને વસતા ગયા અને શહેરોની વસ્તી વધતી ગઇ અને દેશમાં શહેરી વસ્તીનું પ્રમાણ પણ વધતું ગયું. ફક્ત ભારતમાં જ  નહીં પણ વિશ્વના સંખ્યાબંધ વિકાસશીલ દેશોમાં શહેરીકરણ વધતું ગયું છે અને હજી વધી રહ્યું છે.

યુએન દ્વારા એક અહેવાલમાં હાલમાં જણાવાયું છે ભારતની શહેરી વસ્તી વર્ષ ૨૦૩૫માં ૬૭૫ મિલિયન થવાનો અંદાજ છે, જે ચીનની એક અબજની શહેરી વસ્તી પછી વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી શહેરી વસ્તી હશે અને આ  અહેવાલમાં એ બાબતની નોંધ લેવામાં આવી છે કે કોવિડ-૧૯ના રોગચાળા પછી વિશ્વની શહેરી વસ્તી ફરીથી વધવાના માર્ગે આવી ગઇ છે અને ૨૦૫૦ સુધીમાં તેમાં વધુ ૨.૨ અબજનો ઉમેરો થઇ જશે. કોવિડનો રોગચાળો જોરમાં હતો  ત્યારે વિશ્વમાં શહેરો તરફથી લોકોની દોટ ઘટી હતી બલ્કે ભારતમાં તો થોડો ઉંધો પ્રવાહ શરૂ થયો હતો.

લોકો શહેરો છોડીને ગામડા તરફ ભાગ્યા હતા. પણ રોગચાળો ધીમો પડતા જ ફરીથી શહેરો તરફની દોટ શરૂ થઇ ગઇ. સંયુક્ત  રાષ્ટ્રોના વૈશ્વિક શહેરોના વસવાટ અંગેના ૨૦૨૨ના અહેવાલમાં જણાવાયું છે કે વિશ્વનું ઝડપથી વધતું શહેરીકરણ કોવિડ-૧૯ના રોગચાળા દરમ્યાન ફક્ત થોડા સમય માટે હંગામી રીતે અટકી ગયું હતું. વૈશ્વિક શહેરી વસ્તીમાં ફરી  વધારો થવાનું શરૂ થઇ ગયું છે અને તેમાં ૨૦૨૦ સુધીમાં વધુ ૨.૨ અબજનો ઉમેરો થઇ જશે એમ આ અહેવાલે જણાવ્યું હતું. ભારતની શહેરી વસ્તી ૨૦૩૫માં ૬૭પ૪પ૬૦૦૦ થશે, જે ૨૦૨૦માં ૪૩૮૦૯૯૦૦૦ હતી. ૨૦૨૫માં વધીને  ૫૪૨૭૪૩૦૦૦ થશે અને ૨૦૩૦માં તે વધીને ૬૦૭૩૪૨૦૦૦ થશે એમ આ અહેવાલમાં જણાવાયું છે. ૨૦૩૫ સુધીમાં ભારતમાં શહેરોમાં વસતી વસ્તીનું પ્રમાણ ૪૩.૨ ટકા થઇ જશે એ મુજબ આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે.

ચીનની  શહેરી વસ્તી ૨૦૩૫માં ૧.૦પ અબજ હોવાનો અંદાજ મૂકાયો છે જ્યારે આ જ વર્ષમાં એશિયાન શહેરી વસ્તી ૨.૯૯ અબજ અને દક્ષિણ એશિયાની શહેરી વસ્તી ૯૮૭પ૯૨૦૦૦ હોવાનો અંદાજ છે એમ અહેવાલે જણાવ્યું છે. આ અહેવાલમાં  જણાવાયું છે કે વિશ્વના મોટા અર્થતંત્રો જેવા કે ચીન અને ભારત વિશ્વની કુલ વસ્તીમાં મોટો હિસ્સો ધરાવે છે અને તેમના વિકાસના ગતિ માર્ગે વૈશ્વિક અસમાનતાને મોટી અસર કરી છે. છેલ્લા બે દાયકામાં ચીન અને ભારતમાં ઝડપી  આર્થિક વિકાસ અને શહેરીકરણ થયું છે અને તેને પરિણામે ગરીબીમાં જીવતા લોકોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે એમ આ અહેવાલમાં જણાવાયું છે. શહેરીકરણને કારણે કારમી ગરીબીમાં જીવતા લોકોના પ્રમાણમાં ઘટાડો થયો છે  કારણ કે શહેરોમાં અનેક લોકોને ખેતીમાંથી મળતી આવક કરતા વધુ આવક મળી રહી છે.

ભારતમાં ચાર મહાનગરો મુંબઇ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઇ ગણાતા હતા. પરંતુ છેલ્લા કેટલાક દાયકામાં શહેરી વસ્તીની પેટર્ન પણ નોંધપાત્ર બદલાઇ છે. મહાનગરની શ્રેણીમાં મૂકી શકાય તે રીતે બેંગ્લોર જેવા બીજા પણ કેટલાક  શહેરો વિકસ્યા છે. સુરત જેવા અનેક મોટા શહેરો ઔદ્યોગિકરણને કારણે મોટા પ્રમાણમાં લોકોને પોતાની તરફ આકર્ષતા ગયા છે. વધેલા શહેરીકરણને કારણે અનેક સમસ્યાઓ વધી છે કે નવી સમસ્યાઓ પણ સર્જાઇ છે. શહેરોમાં ગંદા  અને ગલીચ – સ્લમ વિસ્તારોની સમસ્યા ખૂબ વકરી છે. ગુનાખોરી પણ ચિંતાજનક રીતે વધી છે. બીજી કેટલીક અંધાધૂંધીઓ વધી છે. તો આપણે અગાઉ જોઇ ગયા તેમ શહેરોએ અનેક લોકોને બહેતર રોજગારી આપી છે અને તેમને  કારમી ગરીબીમાંથી બહાર કાઢયા છે. શહેરો તરફ ગ્રામ્ય વસ્તીના ધસારાને કારણે ગામડાઓમાં ખેતીની જમીન પર નભતા લોકોનું પ્રમાણ ઘટ્યું છે અને મર્યાદિત લોકો પોષણક્ષમ ખેતી કરી શકે તેવી સ્થિતિમાં આવતા ખેતીની ગુણવત્તા  પણ સુધરી છે તે પણ એક મોટો લાભ છે.

બીજી બાજુ શહેરોમાં વસ્તી અને વાહનો વધતા તથા અન્ય કારણોસર પ્રદૂષણ વધ્યું છે અને ગામડાઓની સ્વચ્છ હવામાંથી શહેરોની પ્રદુષિત હવામાં વસવા આવેલા લોકોને આરોગ્યલક્ષી  સમસ્યાઓ પણ ઉભી થઇ છે. પ્રદૂષણ, ગંદકી, વાહન વ્યવહારની અને પરિવહનની મુશ્કેલીઓ અને અંધાધૂંધી એ શહેરોનો મોટી સમસ્યાઓ છે. જોઇ શકાય છે કે શહેરીકરણના લાભો અને ગેરલાભો બંને છે. ભારતમાં હજી શહેરીકરણ  વધી રહ્યું છે અને યુએનના સર્વે મુજબ વર્ષ ૨૦૩૦ સુધીમાં તો ભારતની ૪૦.૭૬ ટકા વસતી શહેરોમાં રહેતી હશે ત્યારે શહેરોમાં સમસ્યાઓ ઓછી કરવા અને શહેરી વસ્તીનું જીવનધોરણ સુધારવા સર્વલક્ષી સુઆયોજીત શહેરી વિકાસ  માટે પ્રયાસો હાથ ધરવાની જરૂર છે.

Most Popular

To Top