સુરત: તા. 12 ફેબ્રુઆરી 2022ના રોજ (Surat) સુરત શહેરના પ્રવેશદ્વાર સમા કામરેજ પાસે આવેલા પાસોદરા (Pasodara) ગામમાં રહેતી 21 વર્ષીય યુવતી ગ્રીષ્મા વેકરીયાની (Grishmamurder) ખૂબ જ ક્રૂરતાથી તેના એકતરફી પ્રેમમાં પાગલ યુવક ફેનિલ ગોયાણીએ ગળું કાપી હત્યા કરી હતી. આ લાઈવ મર્ડરનો (Live Murder) વીડિયો (Video) સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો, જેના પગલે ચારેકોરથી ફેનિલ પર લોકોએ ફીટકાર વરસાવ્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે ફેનિલે સરાજાહેર પરિવારની નજર સામે જ ગ્રીષ્માને રહેંસી નાંખી હતી.
- સવારે ફેનિલને સુરતની સેશન્સ કોર્ટમાં હાજર કરાયો
- કોર્ટે ફેનિલને તેની પર લાગેલા આરોપો સંભળાવ્યા
- ફેનિલે કોર્ટને કહ્યું, મને ગુનો કબૂલ નથી
- ફેનિલ તરફે એડવોકેટ ઝમીર શેખ હાજર રહ્યા
- સોમવારથી કેસની કોર્ટમાં રોજ સુનાવણી થશે
- સોમવારે તબીબોની જુબાની લેવાશે
આ ગુન્હામાં પોલીસને વીડિયોના રૂપે બોલતા પુરાવા મળ્યા હતા, જે સ્પષ્ટ દર્શાવતા હતાં કે ફેનિલે જ ગ્રીષ્માની હત્યા કરી છે. પ્રજા, પોલીસ, કોર્ટ સૌ કોઈ આ હકીકતથી વાકેફ છે, પરંતુ કાયદો કોઈને એમ જ સજા આપી શકે નહીં. એક પ્રોસીઝર હોય તેને અનુસરવી પડે અને તેના જ ભાગરૂપે આજે ફેનિલને પોલીસ દ્વારા સુરતની સેશન્સ કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં કોર્ટે ફેનિલને તેના પર લગાવેલા આરોપ સંભળાવ્યા હતા અને પૂછ્યું હતું કે શું તમને ગુનો કબૂલ છે. અહીં ફેનિલ કોર્ટને આપેલા જવાબ અને તેની વર્તણૂંક કોર્ટરૂમમાં ઉપસ્થિત સૌ કોઈને અંચિબત કરી દીધા હતા.
ફેનિલે કોર્ટને જે જવાબ આપ્યો તે સાંભળ્યા બાદ ઉપસ્થિત સૌ કોઈના મનમાં ફેનિલ પ્રત્યેનો રોષ વધી ગયો હતો. જ્યારે કોર્ટે ફેનિલને પૂછ્યું કે શું તમને ગુનો કબૂલ છે? ત્યારે ફેનિલે જવાબ આપ્યો, ના મને ગુનો કબૂલ નથી? ફેનિલનો આ જવાબ સાંભળી પોલીસના કાન પણ સરવા થઈ ગયા હતા. ફેનિલની બેશરમી અહીંથી અટકી નહોતી. કોર્ટ દ્વારા ફેનિલને ચાર્જફ્રેમ પર સહી કરવા દસ્તાવેજો આપવામાં આવ્યા ત્યારે ફેનિલે ચાર્જફ્રેમના તમામ કાગળીયા ખૂબ જ સ્વસ્થતાપૂર્વક વાંચ્યા હતા અને પૂરતો સમય લીધા બાદ તેની પર સહી કરી હતી. તેના ચહેરા કે બોડીલેંગ્વેજ પર ક્યાંય એવું દેખાતું નહોતું કે ફેનિલને એક યુવતીની હત્યા કર્યાનો જરા સરખોય અફસોસ હોય.
શું થયું આજે કોર્ટરૂમમાં?
આજે શુક્રવારે સવારે ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તે પહેલાં જ કોર્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ફેનિલ તરફે વકીલ ઝમીર શેખ હાજર થયા હતા. તેઓએ કોર્ટ સમક્ષ કેસનો અભ્યાસ કરવા સમય માંગ્યો હતો, પરંતુ કોર્ટે ઈન્કાર કરી દીધો હતો. કોર્ટે કહ્યું, 28 ફેબ્રુઆરી સોમવારથી ડે ટુ ડે કેસ ચાલશે, ત્યાં સુધીમાં અભ્યાસ કરી લો. સરકારી વકીલ નયન સુખડવાલાએ મેડીકલ પુરાવા અને સાક્ષીઓની જુબાની લેવા કોર્ટને સમન્સ કાઢવા અરજ કરી હતી. સોમવારે ગ્રીષ્માનું પોસ્ટમોર્ટમ કરનાર, તેના કાકાની સારવાર કરનાર તબીબોની જુબાની લેવાશે.
તમને જણાવી દઈએ કે ફેનિલ પર મારામારી, હત્યા, છેડતી અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ચાર્જ ફ્રમ કરાયા છે.