Gujarat Main

પોલીસના ઈશારે ગોપાલ ઈટાલિયા પર હુમલો થયો, આપનો આક્ષેપઃ કેજરીવાલ કાલે ગુજરાત આવશે

ગઇકાલે જામનગરમાં સભા દરમ્યાન આમ આદમી પાર્ટીનાં વિસાવદરનાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર એક શખ્સે જૂતુ ફેંકીને હુમલો કર્યો હતો. આ મુદ્દે આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જણાવ્યું હતું કે લોકતંત્રની અંદર પોતાની વાત રજૂ કરવી, પોતાનો રોષ વ્યકત કરવો એ સૌનો અધિકાર છે. પરંતુ જો આ રોષ ખરેખર રોષ હોય તો તે સામાન્ય ગણી શકાય. પરંતુ ગઇકાલે જે ઘટના ઘટી તે ગુજરાતનાં લોકો માટે, ગુજરાતની રાજનીતિ માટે સીમાચિન્હરૂપ છે.

  • ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર થયેલ હુમલાના અનુસંધાને અરવિંદ કેજરીવાલજ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે: મનોજ સોરઠીયા
  • કેજરીવાલજ માવઠાના કારણે આત્મહત્યા કરનાર ખેડૂત પરિવારની મુલાકાત લેશે: મનોજ સોરઠીયા
  • ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા પર જે હુમલો કરવામાં આવ્યો, તેનું અગાઉથી પોલીસ સાથે મળીને ષડયંત્ર રચવામાં આવ્યું હતું: મનોજ સોરઠીયા
  • આવા હુમલાઓથી અમે ડરતા નથી, આ હુમલાઓને અમે આભૂષણ તરીકે સ્વીકારીએ છીએ અને આગળ વધીએ છીએ: મનોજ સોરઠીયા

જામનગરમાં કોંગ્રેસનાં ત્રણ કોર્પોરેટર આમ આદમી પાર્ટીમાં જોડાયા.આ જોઇનીંગ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓ જોડાયા. લગભગ કોંગ્રેસ માટે જામનગરમાં હવે કોઇ ગ્રાઉન્ડ બચ્યું નથી. અમને મળતી માહિતી મુજબ આ હુમલાનું પહેલેથી જ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. ખાસ કરીને હર્ષભાઇની ગુજરાત સરકારની પોલીસની સાથે મળીને આ આગોતરૂં આયોજન હતું. પોલીસને ખબર હતી આવું કંઇક બનવાનું છે. હુમલો કરનાર વ્યક્તિ સ્ટેજની નજીક જ હતો, પોલીસની નજર પણ હતી. ઇશારા થયા અને હુમલો થયો.

એક નોંધપાત્ર વાત એ છે કે હુમલો થયા બાદ એક પણ પોલીસ હુમલાનો ભોગ બનનાર AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પાસે જોવા મળી ન હતી. એક પણ પોલીસે AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સંભાળ લીધી નથી. વિસાવદરમાં પણ ચૂંટણી દરમ્યાન બન્ને પાર્ટીઓએ AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે કોઇ કસર છોડી ન હતી. કોઇ પણ ભોગે ગોપાલ ઇટાલિયા હારે તે દિશામાં બન્ને પાર્ટી કામ કરતી હતી. હવે જામનગરમાં કોંગ્રેસનું કદ ઘટી રહ્યું છે, જેથી બન્ને પાર્ટીએ મળીને આમ આદમી પાર્ટીનો અવાજ દબાવવાનું કામ કર્યું છે તે ગઇ કાલની ઘટનામાં સ્પષ્ટ દેખાય છે.

AAP નેતા મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીનાં નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર બુટલેગરો દ્વારા હુમલો, મેતેપૂરા વિધાનસભાનાં મહિલા આગેવાન જીગીષાબેન પારગી પર પથ્થરથી હુમલો, ભરૂચનાં વાગરામાં આમ આદમી પાર્ટીનાં કાર્યકર્તા ધર્મેશ વસાવા પર હુમલો, ગોંડલ માર્કેટ યાર્ડમાં એક કાર્યકર્તાને માર મારવામાં આવ્યો, આમ સતત આમ આદમી પાર્ટી ગુજરાતમાં આગળ વધી રહી છે તેને રોકવા માટે આ હુમલાઓ કરવામાં આવે છે.

આમ આદમી પાર્ટી આ ઘટનાને ગંભીરતાથી લઇને ગુજરાતમાં રાજનૈતિક ભેદભાવ ઉભા ન થાય તે માટે સંઘર્ષ કરશે. અમે કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટીનો કોઇ પણ કાર્યકર જેલ કે લાઠીથી ડરતો નથી. જેટલા હુમલાઓ કરશો તેને આભૂષણની રીતે અમે સ્વિકારીશું.

AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજીના ગુજરાત પ્રવાસ મુદ્દે જાણકારી આપતા AAP નેતા મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે આવતીકાલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે ગુજરાતનાં પ્રવાસે આવશે. આવતીકાલે સાંજે આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે. બે દિવસ દરમ્યાન રાજકોટમાં જ રોકાણ કરશે.

આ દરમ્યાન આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓ સાથે બેસીને રણનિતી તૈયાર કરીશું. ખેડૂતની આત્મહત્યા મુદ્દો, દારૂબંધી સહીત અનેક મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ખેડૂતે આત્મહત્યા કરી છે તેના પરિવાર સાથે મુલાકાત કરશે તેમજ કાર્યકર્તાઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કરશે. હડદડમાં જે ઘટના બની તે મામલે કેટલાક જેલમાંથી છૂટેલા સાથીઓ સાથે મુલાકાત કરી તેમના સન્માન કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

પોલીસ ફરિયાદ કેમ કરવામાં ન આવી?, આ સવાલનાં જવાબમાં AAP નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટનામાં પોલીસે ખુદ ફરિયાદ કરવી જોઇએ. ગોપાલભાઇએ સ્પષ્ટ કહ્યું છે કે માફ કરું છું. અમારા તરફથી કોઇ ફરિયાદ એટલે કરવામાં નથી આવી કે કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સરકારની છે.

હુમલો કરનાર વ્યક્તિનો ’આપ’ના ધારાસભ્ય હેમંત ખવા સાથે ફોટો છે આ સવાલનાં જવાબમાં ’આપ’ નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે હાલ ’આપ’નાં ધારાસભ્ય હેમંત ખવા પહેલા કોંગ્રેસ પાર્ટીમાં હતા. કોંગ્રેસનાં એક નેતા તરીકે કામ કર્યું છે તો સ્વાભાવિક છે કે જૂના ફોટાઓ નેતાઓ સાથે હોઇ શકે. પરંતુ ગઇકાલની ઘટના પરથી સાબિત થાય છે કે ભાજપ અને કોંગ્રેસ ભેગા મળીને કર્યું છે.

હવે ભાજપ પોતાના કાર્યકર્તાઓને ન મોકલી કોંગ્રેસનાં કાર્યકર્તાઓનો દૂરૂપયોગ કરી રહ્યું છે. રાજ્યમાં સતત વધી રહેલા દારૂ અને ડ્રગ્સ મામલે વાત કરતા AAP નેતા મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનાં વેચાણનાં વિરૂદ્ધમાં સતત સક્રિય રહી છે. સુરત સહિત સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ડ્રગ્સ વિરુદ્ધ અનેક કાર્યક્રમ યોજ્યા છે અને કામ કર્યું છે. આ પ્રકારે આગળ પણ કામ કરતી રહેશે.

Most Popular

To Top