ગાંધીનગર: (Gandhinagar) ચૂંટણીની કામગીરીને કારણે તંત્રમાં આવી ગયેલી આળશ ખંખેરીને તંત્ર ધમધમતું થાય તેવા હેતુથી સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) આજે અચાનક કોઈ પણ જાતની પૂર્વ જાણ કર્યા વિના અમદાવાદ જિલ્લા એસપી ઓફિસની (SP Office) મુલાકાતે પહોંચી ગયા હતા. એટલું જ નહીં અમદાવાદ જિલ્લામાં ગુનાખોરી ડામવા માટે કડક હાથે કામગીરી કરવા તાકિદ કરી હતી.મુખ્યમંત્રી પટેલે અમદાવાદ જિલ્લા એસપી ઓફિસમાં વિવિધ વિભાગની કામગીરીની પણ સમીક્ષા કરી હતી. એટલું જ નહીં એસપી અમીત વસાવા સાથે પણ ચર્ચા કરી હતી.
- મુખ્યમંત્રીએ એસપી ઓફિસના વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી
- પ્રજાને રંજાડતા તત્વો સામે કડકાઈથી પગલા ભરવા તાકીદ કરી
- સતત 2જી ટર્મ મળતા ભૂપેન્દ્ર પટેલે સરકારના વહીવટી તંત્રને ધમધમતું કરવાના પ્રયાસો
અમદાવાદ જિલ્લા એસપી ઓફિસની મુલાકાત લીધી
આ ઉપરાંત ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપી અથવા તો કેટલા આરોપીઓ પકડવાના બાકી છે, તેની પણ વિગતો મેળવીને આરોપીને તાકીદે ઝડપી લેવા સૂચના આપી હતી. આ ઉપરાંત પ્રજાને રંજાડતા તત્વો સામે કડકાઈથી કામગીરી કરવા પણ જણાવ્યું હતું. અમદાવાદ જિલ્લા એસપી ઓફિસની મુલાકાત દરમ્યાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સાથે રાજયના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર પણ હાજર રહ્યા હતા.
ગુજરાતમાં સુરત સહિતના ભાગોમાં બિલાવલ ભુટ્ટો સામે દેખાવો
ગાંધીનગર: તાજેતરમાંપાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટઓએ પીએમ નરેન્દ્ર મોદી વિશે કરેલી અપમાનજનક ટિપ્પણીના મામલે આજે રાજયભરમાં ભાજપના કાર્યકરો તથા પ્રદેશની નેતાગીરીએ આક્રોશ સાથે દેખાવો કર્યા હતા. રાજયમાં કેટલાંક સ્થળોએ તો બિલાવલ ભુટ્ટોના પોસ્ટરને જુતા ફટકારવામાં આવ્યા હતા. અમદાવાદ, ગાંધીનગર તથા ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર , મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં સુરત સહિતના ભાગોમાં બિલાવલ ભુટ્ટો સામે દેખાવો કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાન આંતકવાદીઓને પ્રોત્સાહિત કરવા તેમને આશરો આપી રહ્યું છે
પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું કે, પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ કથળી ગઇ છે. પાકિસ્તાનની સ્થિતિ ભીખારી કરતા પણ કપરી ચાલી રહી છે. આજે પાકિસ્તાન તેમનું વિદેશ મંત્રાલયનું બિલ્ડિંગ સહિત પાકિસ્તાન દેશ તેમની વિરાસતો વેચી તેનું ગુજરાન ચલાવવા મજબુર છે આ સ્થિતિ સ્પષ્ટ કરે છે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ પડી ભાંગી છે. પાટીલે કહ્યું હતું કે, પાકિસ્તાન આંતકવાદીઓને પ્રોત્સાહિત કરવા તેમને આશરો આપી રહ્યું છે. તેના કારણે ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે પણ તેમને સ્પષ્ટ કહી દીધું હતું કે, પાકિસ્તાન સાપને ઘરમાં પાળી રહ્યો છે એટલે ચોક્કસ ડંખ આપશે અને પાકિસ્તાનની નિર્દોષ જનતા આ ડંખનો ભોગ બની રહી છે.
બિલાવલ ભુટ્ટોના પરિવારના કરતુત દેશ અને દુનિયા જાણે છે
આપણો પાડોશી દેશ પાકિસ્તાનને પ્રોત્સાહિત કરે છે અને પાકિસ્તાનના વિદેશ મંત્રી વૈશ્વિક નેતા અને પીએમ નરેન્દ્ર મોદી પર એલફેલ બોલી રહ્યા છે તેના કારણે દુનિયાભરના લોકો પાકિસ્તાન અને તેમના વિદેશમંત્રીને તિરસ્કારની ભાવનાથી જોઇ રહ્યા છે. બિલાવલ ભુટ્ટોના પરિવારના કરતુત દેશ અને દુનિયા જાણે છે અને પાકિસ્તાન તેમના ઘરની સ્થિતિ સંભાળે. પાકિસ્તાનની નાપાક હરકતો વિશે સમગ્ર વિશ્વ પરિચિત છે ત્યારે પાકિસ્તાનની આવી નાપાક હરકતો, દેશ અને દેશના વડાપ્રધાન વિશે ઉચ્ચારેલ અભદ્ર ટીપ્પણીને ભારત અને ગુજરાતની જનતા ક્યારેય સાંખી નહીં લે તે સમજી લેવું જોઈએ