કાલોલ: કાલોલના ડેરોલ સ્ટેશન રોડ વિસ્તારમાં તેજલ વે બ્રીજ પાસે બુધવારે બપોરના સુમારે એમજીવીસીએલ (જીઈબી )દ્વારા કરાતી કામગીરી દરમ્યાન મશીન દ્વારા ખાડો ખોદવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન મશીન ગેસ લાઇનમાં અડી જતા ગેસ ના ફુવારા ઉડયા હતા. મશીન ઓપરેટર મશીન સ્થળ ઉપરથી રવાના થઇ ગયો હતો અને સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.ગેસ પાઈપલાઈનમાં લીકેજ થવાની ઘટનાને પગલે આજુબાજુના દુકાનદારો સ્થાનિક રહીશો સહિતે રસ્તે આવતાજતા સ્થાનિકો લોકોમાં દહેશત અને ગભરાટના માહોલ સાથે નાશભાગ મચી જવા પામી હતી ગેસ કંપની ને જાણ કરતા ટીમ સ્થળ ઉપર પહોંચી હતી.
ગુજરાત ગેસ પાઈપલાઈન વિભાગની હાલોલ કચેરી ની ટીમ દ્વારા ગેસ પાઈપલાઈન પર સમારકામ કરતા કર્મચારીઓ સત્વરે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેઓએ તાત્કાલિક અસરથી કાલોલ શહેર વિસ્તારનો ગેસ પુરવઠો બંધ કરાવી દેતા લિકેજમાંથી ગેસ નિકળતો બંધ થઈ જતા સૌએ હાશકારો અનુભવીને કોઈ મોટી દુર્ઘટના ટળી હોય તેવો રાહતનો શ્વાસ લીધો હતો. જે પછી ગેસ લાઇનના કર્મચારીઓએ જરૂરી સાધનો વડે લિકેજના સમારકામની પ્રક્રિયા હાથ ધરી હતી. જોકે ગેસ લાઈન પર લિકેજને કારણે કાલોલ નગરનો ઓનલાઇન રાંધણ ગેસનો પુરવઠો ઠપ્પ થઈ ગયો હતો જે સર્જાયેલ લિકેજના સમારકામ પછી નિયમિત કરવામાં આવશે તેવી જાણકારી આપી હતી.