Vadodara

ગાયકવાડી સમયનો કાલાઘોડા બ્રિજ જર્જરીત થતા લોકોને અકસ્માતની ભીતિ

વડોદરા : વડોદરા શહેરમાં ગાયકવાડી સમયના કાલાઘોડા બ્રિજની ક્ષમતા અંગે ચિંતાનો વિષય સામે આવ્યો છે. બ્રિજના કઠેડા જર્જરીત થવાની સાથે સાથે કાંગરા ખરતા દુર્ઘટના થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે સામાજિક કાર્યકર્તાએ યુદ્ધના ધોરણે બ્રિજની સમારકામગીરી કરવા માંગણી કરી છે. વડોદરા મહાનગરપાલિકા તંત્રની વધુ એક વખત નિષ્કાળજી સપાટી પર આવવા પામી છે. અગાઉ શહેરમાં વર્ષો જુનો પ્રતાપનગર બ્રિજ ખખડધજ થઈ ગયો હોવાનું એક જાગૃત નાગરિકે તંત્રને ધ્યાન દોર્યા બાદ સમારકામની પ્રક્રિયા હાથ ધરી હતી.

ત્યારે હવે કાલાઘોડા સર્કલ પાસેનો કાલાઘોડા બ્રિજ જર્જરીત હોવાની વિગતો સપાટી પર આવી છે. માર્ગની નીચેની બાજુ તિરાડ પડવાની સાથે કાંગરા ખરી રહ્યા છે. તેમજ આજુબાજુના કઠેડા જર્જરીત નજરે ચડી રહ્યા છે. આ અંગે સામાજિક કાર્યકરે સતત નગરજનોની અવરજવરથી ધમધમતા આ માર્ગ ઉપર હવે સ્ટ્રક્ચરની યોગ્યતા ચકાસવાની સાથે સમારકામની તાત્કાલિક ધોરણે જરૂરિયાત હોવાનું જણાવ્યું છે. નોંધનીય છે કે સ્ટ્રક્ચરમાં તિરાડ પડવાની સાથે સિમેન્ટ એટલી હદે ખરી ગયો છે કે લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે.

સાથે ગાયકવાડી શાસનકાળથી અહીંયા મહારાષ્ટ્રીયન સમાજના નાગરિકો સાતી આશરા માતાજી તેમજ ખંડોબાજીના દર્શન કરવા આવતા હોય છે અને હાલ અષાઢ મહિનો હોય ભાવિક ભક્તો ખૂબ જ મોટી સંખ્યામા આવતા હોય છે ત્યારે જો કોઈ રેલિંગ તૂટી પડશે અને જાનહાની થશે તો વડોદરા મહાનગરપાલિકા જવાબદાર રહેશે તેવું સામાજિક કાર્યકરે જણાવ્યું હતું સાથે કરોડો નાણાં ખર્ચીને નવા બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે.ત્યારે ગાયકવાડી સમયના કાલાઘોડા બ્રિજ તેમજ અન્ય તમામ જુના બ્રિજ રિપેરીગ કરવાની માંગ ઉઠવા પામી છે.

Most Popular

To Top