નવી દિલ્હી: પૂર્વ ક્રિકેટર (Cricketer) અને સાંસદ ગૌતમ ગંભીરે (Gautam Gambhir) આરોપ લગાવ્યો છે કે તેને આતંકવાદી સંગઠન ISIS કાશ્મીર (Kashmir) તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. ગૌતમ ગંભીર આ અંગે દિલ્હી પોલીસ (Delhi Police) પાસે પહોંચ્યો છે અને ત્યાં તેણે પોતાની ફરિયાદ નોંધાવી છે. ડીસીપી શ્વેતા ચૌહાણે જણાવ્યું કે તેમની ફરિયાદ પર તપાસ ચાલી રહી છે. ગંભીરના ઘરની બહાર સુરક્ષા સઘન કરવામાં આવી છે.
DCP સેન્ટ્રલ શ્વેતા ચૌહાણે જણાવ્યું કે, ‘પૂર્વ દિલ્હી મતવિસ્તારના બીજેપી (BJP) સાંસદ અને પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે દિલ્હી પોલીસનો સંપર્ક કર્યો છે અને આરોપ લગાવ્યો છે કે તેમને ‘ISIS કાશ્મીર’ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે. આ મામલે તપાસ ચાલુ છે. અને ફરિયાદ બાદ ગૌતમ ગંભીરના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. જો કે આ મુદ્દે ચાહકો અને ક્રિકેટર્સના મનમાં પણ ઘણા સવાલો ખડા થયા હતા.
નોંધનીય છે કે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીર સ્પષ્ટવક્તા છે. તેઓ પાકિસ્તાન માટે તીખા નિવેદનો કરવા માટે પણ જાણીતા છે. થોડા સમય પહેલાં જ તેઓએ પાકિસ્તાન વિશે ઘસાતું નિવેદન આપ્યું હતું, જેના લીધે ભારે હોબાળો થયો હતો. ગૌતમ ગંભીરને ફોન પર અને ઈ-મેઈલ મારફતે ISIS કાશ્મીર તરફથી ધમકીઓ મળી રહી છે. પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીર પહેલાં ક્રિકેટ રમતા હતા અને હવે રાજકારણમાં જોડાયા છે. તેઓ ટી-20 વર્લ્ડક્પ 2007 અને વન-ડે વર્લ્ડકપ 2011ની વિજેતા ભારતીય ટીમના મહત્ત્વપૂર્ણ સભ્ય અને ફાઈનલ મેચમાં ટોપ સ્કોરર રહી ચૂક્યા છે.