સુરત: સુરતના (Surat) નાનપુરા વિસ્તારમાં ગેરેજના માલિક પર જીવલેણ હુમલો (Attack) થયો છે. ગેરેજનો માલિક ગેરેજની બહાર બાઈકને કીક મારી રહ્યો હતો ત્યારે એક હુમલાખોરે પાછળથી આવી તેની પર ચપ્પુથી હુમલો કર્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઈજાગ્રસ્ત ગેરેજ માલિકને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર ઘટનાની પોલીસ તપાસ કરી રહી છે. હુમલાખોર ભાગી છૂટ્યો હોવાની માહિતી સાંપડી છે.
- નાનપુરાના ગેરેજ માલિક વિજય કહાર પર જીવલેણ હુમલો
- ઑપડોશમાં રહેતા યુવકે પાછળથી આવી ગળામાં ચપ્પુ માર્યું
- લોહીલુહાણ હાલતમાં વિજય કહારને નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
- હુમલાખોર યુવક ભાગી ગયો, પોલીસ તપાસ કરી રહી છે
પ્રાપ્ત માહિતી અનુસાર નાનપુરા માછીવાડ ખોડિયાર માતાના મંદિર પાસે પાડોશીએ અચાનક ટુ વહીલરના ગેરેજ માલિકના ગળામાં ચપ્પુ ઘુસાડી દેતા ભાગદોડ મચી ગઇ હતી. લોહીના ખાબોચિયામાં પડેલા ગેરેજના માલિક વિજય કહારને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી.
પાડોશી ધ્રુવ નામના ઇસમે પાછળથી આવી ગળામાં ચપ્પુ ઘુસાડી દીધું હતું. ત્યારબાદ પોતાનો બચાવ કરતા વિજયને ડાબા હાથ પર પણ ઘા માર્યા હતા. હાલ ધ્રુવ ભાગી ગયો છે. ત્યારે વિજય સિવિલ હોસ્પિટલમાં મોત સામે લડી રહ્યો છે. વિજયને બે સંતાન છે. એટલું જ નહીં પણ ઘરનો આર્થિક આધાર સ્તંભ છે.
ઈજાગ્રસ્ત ગેરેજ માલિકની પત્ની પ્રતિભાએ જણાવ્યું હતું કે એક વર્ષમાં આ બીજો હુમલો છે. મારા પતિ વિજય નટવર કહારને મારી નાંખવાના દેવાના ઇરાદે જ હુમલો કરાયો હતો. મારી નણંદને એલફેલ ગાળો દઈ સાસરીયામાં માર મારવામાં આવતો હોઈ મારા પતિએ બે વર્ષ પહેલાં નણંદના સસરાને ઠપકો આપ્યો હતો. બે વર્ષ જૂની આ અદાવતમાં બીજી વાર હુમલો થયો છે. અગાઉ પણ હુમલો થયો હતો. જીવનું જોખમ રહેતું હોય હું મારા પતિ અને સંતાનો સાથે પિયર રહેવા આવી ગઈ હતી, પરંતુ આજે મારા પતિ જૂના ઘર પાસેના પોતાના ગેરેજ પર ગયા ત્યારે હુમલો થયો હતો. હાલ વિજયની તબિયત સાધારણ છે. પોલીસ તપાસ કરી રહી છે.